Sunday, July 31, 2016

અમરેલીમાં બે જાતિના સાવજોનું અસ્તિત્વ, ખુંખાર વેલર અને શાંત પ્રકૃતિનો ગધીયા

Bhaskar News, Amreli
Jul 19, 2016, 12:56 PM IST
ગીરમાં ગધીયા અને વેલરમાં સિંહનો વસવાટ
ગીરમાં ગધીયા અને વેલરમાં સિંહનો વસવાટ
અમરેલી: સાવજોનું આશ્રય સ્થાન એટલે ગીર. ગીરમા સાવજોના સંશોધન પર અનુભવીઓની નજરે ગીરમા બે જાતિના સાવજોનું હાલ અસ્તિત્વ છે. એક વેલર અને બીજા ગધીયા જાતિના સાવજો વસવાટ કરી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં ગધીયા સિંહોની સંખ્યા વિશેષ છે. ગધીયા જાતિના સિંહો શાંત પ્રકૃતિના હોય છે અને વેલર ખુંખાર હોય છે. સિંહ સંરક્ષણની વાત કરીએ તો જુનાગઢ નવાબે સિંહોને સર્વપ્રથમ સંરક્ષણ આપી સિંહોની સંખ્યા વધારી ત્યારે છેલ્લે સિંહોની બે જાતિ અસ્તિત્વમા હતી જેને નવાબે મારવો કે હેરાન કરવો તે ગુનો બને છે તેવો કાયદો અમલમા મુકી સિંહોની સંખ્યા વધારવા પ્રયત્ન કરેલ જેને પગલે ગીરમા સિંહોની સંખ્યા ફુલીફાલી છે.

સરકારી આંકડા પ્રમાણે 523 સિંહો ગીર તેમજ રેવન્યુમા નોંધાયા

અહી છેલ્લા સરકારી આંકડા પ્રમાણે 523 સિંહો ગીર તેમજ રેવન્યુમા નોંધાયા હતા જેમા 109 નર સિંહો, 201 સિંહણો અને 213 જેટલા સિંહબાળ હતા. જે સંખ્યા સંરક્ષણની દ્રષ્ટિએ વધારે છે. અહી 1990મા 240 જેટલા સિંહો હતા ત્યારે હાલ વનવિભાગની કાળજીથી સિંહોની સંખ્યામા ખાસ્સો વધારો જોવામા આવી રહ્યો છે. પર્યાવરણવિદ્દ મંગળુભાઇ ખુમાણે દાવો કરતા જણાવ્યું હતુ કે ગીરમા આદિ અનાદિકાળથી બે જાતિના સિંહો વિહરે છે. જેમા ગધીયા સાવજ અને વેલાર સાવજ છે. મધ્યગીરમા વસતા અને માનવીઓથી દુર ભાગતા એકલવાયુ જીવન જીવતા સાવજોને વેલાર સાવજ તરીકે ઓળખવામા આવે છે. જે ખુંખાર હોય છે. અને રેવન્યુમા વિહરતા સિંહો ગધીયા સિંહ તરીકે ઓળખાય છે જે ઓછા ખુંખાર હોય છે. 

આંબરડી નજીક માણસ પર હુમલો કરનાર સાવજ વેલાર હોય શકે

નિષ્ણાંતોની વાત માનીએ તો થોડા સમય પહેલા આંબરડી નજીક માણસ પર હુમલો કરનાર સાવજ વેલાર હોય શકે. મંગળુભાઇએ જણાવ્યું હતુ કે સાવરકુંડલાના વડાઇ મેવાસામા એક ખુંખાર સિંહ લોકોની પાછળ દોટ મુકે છે તે ગીરના વેલાર સાવજનુ બીજ હોવાનુ કહી શકાય. તેવી જ રીતે મિતીયાળા અભ્યારણ્યના માંડણ કુવા વિસ્તાર આસપાસ એક સાવ બટકી સિંહણ છે જે પુખ્તવયની પરંતુ દેખાવમા એકદમ નાની છે જેથી નિષ્ણાંતો તેને ગધીયા પ્રજાતિની છે તેમ કહી શકે છે. 

ગધીયા અને વેલરમાં સિંહનો વસવાટ

ગધીયા સિંહના ટોળા ખાસ કરીને લીલીયા, ક્રાંકચ, રાજુલામા વધુ જોવા મળે છે. આ ઉપરાંત વેલર સિંહો ખાંભાના ભાડ, લાપાળા ડુંગર, દલખાણીયા, ચાંચઇ, પાતળા, ગઢીયા, ભાણીયાના જંગલમા જોવા મળે છે.

No comments: