Wednesday, July 13, 2016

ધારી: ગીરપૂર્વની માનીતિ બુસી સિંહણનું બીમારીથી મોત, વિધિવત્ અગ્નિદાહ અપાયો

Bhaskar News, Dhari
Jul 06, 2016, 10:38 AM IST
ધારી: ગીરપૂર્વની માનીતિ બુસી સિંહણનું બીમારીથી મોત, વિધિવત્ અગ્નિદાહ અપાયો
ધારી: આજના વર્તમાન યુગમા સગી જનેતા પણ પોતાના બાળકની હત્યા કરતા અચકાતી નથી તેમજ અનેક કિસ્સામા બાળકને તરછોડી દે છે. માનવી સંબંધ અને લાગણીઓ ભુલી રહ્યો હોય તેવુ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે ગીરપુર્વના જંગલમા એક બુસી નામની સિંહણે પોતાની જીંદગી આન, બાન અને શાનથી જીવી જાણી છે. ધારી ગીર પુર્વની જસાધાર રેંજમા 12 સાવજોનુ એક ગૃપ વસવાટ કરી રહ્યું છે. હાલ તો આ ગૃપમા વધારે સાવજો હશે. આ ગૃપમા બુસી નામથી ઓળખાતી એક સિંહણ પણ હતી. આ સિંહણનો સ્વભાવ પણ શાંત હતો. 15 વર્ષની ઉંમરની આ સિંહણ બે થી ત્રણ વખત જ બિમાર પડી હતી. તે ઇનફાઇટમા પણ કયારેય ઇજાગ્રસ્ત હોવાનુ જોવા મળ્યું ન હતુ. 
 

30 થી 35 બચ્ચાઓનો તેણે ઉછેર કર્યો હતો અને માની ખોટ પૂર્ણ કરી હતી 

આ સિંહણે અન્ય સિંહણે ત્યજી દીધેલા બચ્ચાઓનો પણ ઉછેર કર્યો હતો. જે બચ્ચાવાળી સિંહણોના મોત નિપજયા હોય તેના બચ્ચાને આ સિંહણ અપનાવી લઇને તેનો ઉછેર કરતી અને તેને માની ખોટ સાલવા ન દેતી. અત્યાર સુધીમા તેમણે 30 થી 35 જેટલા બચ્ચાઓનો ઉછેર કર્યો હતો. આ સિંહણ તેના મરણ સુધી આન, બાન અને શાનથી જીવી હતી. બે દિવસ પહેલા આ સિંહણે એક મારણ પણ કર્યુ હતુ. સિંહણના મોત થયાની જાણ થતા વનવિભાગના સ્ટાફ દ્વારા જસાધારના જાંબુડી વિસ્તારમાથી તેના મૃતદેહને લઇને જસાધાર લાવવામા આવ્યો હતો અને પીએમની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. માનિતી સિંહણનું મોત થઈ જવાને કારણે વન વિભાગના કર્મીઓમાં પણ દુખનું મોજું ફરી વળ્યું હતું. તેમણે ઘેરા દુ:ખ સાથે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

માનીતિ સિંહણને વિધિવત્ અગ્નિદાહ અપાયો

ગીરપુર્વની માનિતી એવી બુસી સિંહણને જસાધાર ખાતે વિધિવત અગ્નિદાહ દેવામા આવ્યો હતો. એસીએફ પ્રિયંકા ગેહલોત, આરએફઓ જે.જી.પંડયા, ડો. હિતેષ વામજા સહિત સ્ટાફ હાજર રહ્યો હતો. આ સિંહણ ઉંમર લાયક હોય તેનુ મોત નિપજયાનુ વનવિભાગે જણાવ્યું હતુ. ડીએફઓ કરૂપ્પાસામીએ સિંહણના મોતથી દુખની લાગણી વ્યકત કરી હતી.

No comments: