Wednesday, July 13, 2016

રાજુલાનાં ડુંગર નજીક પાણીના ટાંકામાં પડી શેઢાડી, વન વિભાગે બચાવી લીધી

  • Bhaskar News, Rajula
  • Jul 08, 2016, 01:19 AM IST
    રાજુલાનાં ડુંગર નજીક પાણીના ટાંકામાં પડી શેઢાડી, વન વિભાગે બચાવી લીધી
    (પ્રતિકાત્મક તસવીર)
    રાજુલા: રાજુલા તાલુકાના ડુંગર ગામ નજીક આવેલ ગેરવા ડુંગર નજીક આજે પાણીના ટાંકામાં અકસ્માતે એક શેઢાડી પડી જતા પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે વન વિભાગની રેસ્ક્યુ ટીમે દોડી જઇ આ શેઢાડીને બચાવી લીધી હતી. 

    પ્રકૃતિ પ્રેમીઓએ સમયસર જાણ કરતા થયો બચાવ

    ગીર કાંઠાના અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં ખુલ્લા કુવા કે પાણીના ટાંકા વિગેરેમાં પડી જતા વન્ય પ્રાણીઓના મોતની ઘટનાઓ અવાર નવાર બને છે. આજે રાજુલા તાલુકાના ડુંગર ગામ નજીક ગેરવા ડુંગર પાસે એક સ્થળે પાણીના ટાંકામાં અકસ્માતે શેઢાડી (સાહુડી) પડી ગઇ હતી. અહિંના મંદિરના મહંત અને સેવકગણ દ્વારા સૌપ્રથમ આ શેઢાડીને બચાવવા પ્રયત્નો હાથ ધરાયા હતાં. નિવૃત શિક્ષક જોષી દ્વારા ઇકો ક્લબના સંયોજક પ્રવિણભાઇ ગોહિલને જાણ કરવામાં આવી હતી.

    જેને પગલે પ્રવિણભાઇએ તુરંત જ રાજુલા વન વિભાગના ફોરેસ્ટર ડી.આર. રાજ્યગુરૂ, રેસ્ક્યુ સ્ટાફ, રામકુભાઇ બોરીચા, આસીફભાઇ લલીયા, ટીલકદાસ ગોંડલીયા, ભાવેશ ઝાપડા, સંજય બારૈયા વિગેરે તાબડતોબ અહિં પહોંચી ગયા હતાં આ શેઢાડીને જીવતી બહાર કાઢી બચાવી લીધી હતી. બનાવના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઇ પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગની કામગીરીને બિરદાવી હતી. જવલ્લે જ જોવા મળતુ શેઢાડી નિશાચર પ્રાણી છે અને કંદમુળ  તથા જીવોને ખોરાક તરીકે લે છે. સેઢાળીને સારવાર અપાયા બાદ જંગલમાં છોડી મુકવામાં આવી હતી.

No comments: