Monday, October 31, 2016

સાસણમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ ક્રેઝ, 14 દિવસનું ઓનલાઇન બુકિંગ ફૂલ

Bhaskar News, | Oct 30, 2016, 11:41 AM IST
સાસણમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ ક્રેઝ, 14 દિવસનું ઓનલાઇન બુકિંગ ફૂલ,  junagadh news in gujarati
જૂનાગઢ:કાલે દિવાળી. દિવાળીની રજાઓમાં લોકો ફરવા ઉપડી ગયા છે. સોરઠ તરફ પ્રવાસીઓનો પ્રવાહ શરૂ થઇ ગયો છે.તેમજ પ્રવાસીઓ સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઇન બુકીંગ કરતા હોય છે. સાસણમાં સિંહ દર્શન માટે 14 દિવસનું એટલે તા. 12 નવેમ્બર સુધીનો ઓનલાઇન બુકીંગ થઇ ગયું છે. આ ઉપરાંત જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં આવલી હોટલો પણ હાઉસફૂલ થઇ ગઇ છે.

પ્રવાસીઓ ગિર અભ્યારણમાં સિંહ દર્શન

છેલ્લા એક દાયકાથી પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ તરફ વધ્યું છે. દેશ-વિદેશનાં પ્રવાસીઓ જૂનાગઢ ઉપરાંત સોરઠની મુલાકાતે આવતા થયા છે. તેમાંય ગુજરાતીઓ તો દિવાળીનું વેકેશન સોરઠમાંજ ગાળવાનુ પસંદ કરતા થયા છે. કાલે દિવાળીથી રસ્તા પર પ્રવાસીઓનાં વાહનો જોવા મળશે. જે જૂનાગઢમાં રોકાણ કરશે. શહેરમાં આવેલા ભવનાથ, ઉપરકોટ, સક્કરબાગ, ગિરનારની મુલાકાત લેશે બાદ પ્રવાસીઓ સોમનાથ, સાસણ, દિવ તરફ જશે. ચાર દિવસ સુધી જૂનાગઢ જિલ્લામાં રોકાણ કરશે. પ્રવાસીઓ ગિર અભ્યારણમાં સિંહ દર્શન, જૂનાગઢનાં ફરવાલાયક સ્થળોની મુલાકાત લેશે.

જૂનાગઢ અને સોરઠની હોટલોમાં જગ્યા નથી

સોરઠમાં એકંદરે આગામી લાભપાંચમ સુધી તો પ્રવાસીઓનો ટ્રાફિક રહેશે.તેમજ જૂનાગઢ શહેર અને ગિર-સોમનાથ જિલ્લામાં આવેલી હોટલો ફૂલ ગઇ છે. સાસણમાં ગિર અભ્યારણ તથા સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે. તેમજ સિંહ દર્શન માટે ઓનલાઇન પરમિટ લેવીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું દિવાળી પહેલાથી ઓનલાઇન બુકીંગ શરૂ થઇ ગયું હતુ. દિવાળી પહેલા બુકીંગ ફુલ થઇ ગયું છે.ડીએફઓ રામરતન નાલાએ જણાવ્યું હતુ કે, સિંહ દર્શન માટે તા. 12 નવેમ્બર સુધીનું ઓનલાઇન બુકીંગ થઇ ગયું છે. 150 પરમિટ ઇશ્યુ કરી દેવામાં આવી છે.
 
એક પરમીટમાં 8 વ્યક્તિ હોય છે
 
સાસણમાં વન વિભાગ દ્વારા આપવામાં આવતી પરમિટમાં એક પરમિટમાં 8 વ્યક્તિ સિંહ દર્શન કરવા જઇ શકે છે. શનિવારથી જૂનાગઢ,સાસણ, દીવ, સોમનાથ તરફ લોકોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે.

No comments: