Monday, October 31, 2016

ભાવનગરનો દરિયો ડોલ્ફિનને ગોઠી ગ્યો, એકસાથે જોવા મળે છે 50-60ના જુંડ

Bhaskar News, Bhavnagar | Oct 30, 2016, 20:46 PM IST
ભાવનગરનો દરિયો ડોલ્ફિનને ગોઠી ગ્યો, એકસાથે જોવા મળે છે 50-60ના જુંડ,  bhavnagar city news in gujarati
  • પ્રતિકાત્મક તસવીર
ભાવનગર: વિદેશમાં પ્રવાસીઓને આકર્ષવા માટે મોટા એક્વેરીયમ, સ્વિમિંગ પૂલ બનાવવામાં આવે છે અને તેમાં ડોલ્ફિનને રાખવામાં આવે છે, અને તેના શો યોજવામાં આવે છે. ખાસ કરી અને બાળકોમાં ડોલ્ફિનની કાકલૂદી અને ઉછળકૂદ લોકપ્રિય હોય છે અને તેઓના હોઠે માછલીનો પર્યાય એટલે ફોલ્ફિન જ હોય છે. ભાવનગરના દરિયામાં અચાનક ડોલ્ફિનની સંખ્યા નોંધપાત્ર રીતે  જોવા મળી રહી છે. 

ભાવનગરના પ્રવાસન ધામો તરીકે ખ્યાતનામ કુડા, કોળીયાક, ગોપનાથ, ઝાંઝમેર, મહુવા ભવાનીની સામે આવેલા મધદરિયામાં ડોલ્ફિનના જુંડ જોવા મળે છે.  ડોલ્ફિન ફિશ એક સાથે 50-60ના ટોળામાં જ ફરતી રહે છે, તેથી ક્યારેક ઘોઘાની સામે, ક્યારેક અન્ય દરિયા કિનારાના ગામોમાંથી જોવા મળે છે. દરિયાના પાણીમાંથી 15 ફૂટ જેટલી ઉછળે છે અને જુંડમાં જ્યારે ડોલ્ફિન મસ્તીએ ચડે છે ત્યારે વારાફરતી અવારનવાર પાણીમાંથી છલાંગો મારે છે. ડોલ્ફિનની આવી હરકત લોકોમાં ખાસ્સી લોકપ્રિય બને છે. ડોલ્ફિન ઉંડા પાણી ઉપરાંત પાણીની સપાટી પર પણ તરવામાં નિપૂણતા ધરાવે છે. સ્વભાવે પણ તે માયાળુ હોય છે.

સામાન્ય રીતે શરમાળ છતા માણસો સાથે સંપૂર્ણ સંવેદના ધરાવતી ડોલ્ફિન મોટા જહાજોના તરંગો દૂરથી પારખી લે છે અને તેથી જ મધદરિયે જહાજો સાથે ડોલ્ફિન ટકરાવાના બનાવો જવલ્લે જ બને છે. શિપિંગ લાઇન સાથે વર્ષોથી સંકળાયેલા જયેશભાઇ સોનપાલના જણાવ્યા પ્રમાણે અલંગમાં અત્યાર સુધીમાં 34 વર્ષના ઇતિહાસમાં 7288 જહાજો ભાંગવા માટે આવી ચૂક્યા છે. પરંતુ આજ દિવસ સુધી જહાજ સાથે કોઇ ડોલ્ફિન અથડાઇ હોય તેવો બનાવ બન્યો નથી અથવા ડોલ્ડિનને કારણે જળ અકસ્માત બન્યા હોય તેવુ સાંભળવામાં આવ્યુ નથી.

ભાવનગરના માછીમારો પણ જ્યારે દરિયો ખેડે છે ત્યારે તેઓની જાળમાં ક્યારેય ડોલ્ફિન ફસાઇ ન જાય તેની તકેદારી તેઓ રાખે છે, અને ડોલ્ફિનને તેઓ દોસ્ત માને છે. ભાવનગર જિલ્લાના દરિયા કિનારાના પ્રચલિત પ્રવાસન સ્થળોએ ડોલફીન અંગે વર્ણન કરવામાં આવે છે.

No comments: