Monday, October 31, 2016

Bhaskar News, Junagadh | Oct 27, 2016, 02:56 AM IST
    જૂનાગઢ: માછલીની ગંધવાળું પાણી 400 મીટરમાં છાંટી ચાલાક દીપડાને પકડ્યો,  junagadh news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
જૂનાગઢ: મુળ વિસાવદર તાલુકાનાં માંગનાથ પીપળી ગામનાં અને બેલાગામની સીમમાં ભાગીયું રાખી ખેતી કરતા વીપુલભાઇ ચારોલિયાનાં સાત માસનાં પુત્ર શિવમને માતાનાં પડખામાંથી દીપડો ઉપાડી ગયો હતો. અને ઝુંપડાની બાજુમાં ફાડી ખાધો હતો. આ ઘટના બાદ વન વિભાગની ટીમ દોડી ગઇ હતી. અને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી. 
 
જોકે, ચાલાક દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગે જુદા-જુદા વિસ્તારમાં ચાર પાંજરા રાખ્યા હતા. પરંતુ ત્રણ દિવસથી તે છટકામાં આવ્યો નહોતો. બાદમાં આરએફઓ એસ. ડી. ટીલાળા અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને દીપડાનાં પગનાં નિશાન અને અહીં રહેતા લોકો પાસેથી તેની વિગતો મેળવી હતી. સ્મશાન પાસે વોંકળામાં દીપડો હોઇ ત્યાં પાંજરૂં ગોઠવ્યું હતુ. દીપડાને પાંજરા સુધી લાવવા માટે 400 મીટરનાં વિસ્તારમાં માછલીની ગંધવાળા પાણીનો છંટકાવ કર્યો હતો.
 
જેને પગલે દીપડો પાંજરા સુધી પહોંચ્યો હતો. અને અંતે તે પાંજરામાં પૂરાઇ ગયો હતો. વન વિભાગે દીપડાને પકડી લઇ જૂનાગઢ સક્કરબાગમાં મૂકી દીધો હતો. ચાર દિવસે દીપડો પાંજરે પુરાતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. પકડાયેલા દીપડાની વય પાંચ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.

No comments: