Monday, October 31, 2016

સાવરકુંડલાનાં ગાધકડાની સીમમાં ત્રણ સિંહે ત્રણ પશુઓનું મારણ કર્યું

Bhaskar News, Savarkundala | Oct 12, 2016, 02:43 AM IST

    સાવરકુંડલાનાં ગાધકડાની સીમમાં ત્રણ સિંહે ત્રણ પશુઓનું મારણ કર્યું,  amreli news in gujarati
(પ્રતિકાત્મક તસવીર)
 
સાવરકુંડલા:  ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમા વધુ પ્રમાણમા વસવાટ કરી રહ્યાં છે. ખાસ કરીને ગીરકાંઠાના ગામો તેમજ અભ્યારણ્ય નજીકના ગ્રામ્ય વિસ્તારોમા અવારનવાર સાવજો દ્વારા પશુઓના શિકારની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવી જ એક ઘટના સાવરકુંડલાના ગાધકડાની સીમમાં બની હતી. જયાં  ત્રણ સાવજોએ ત્રણ પશુઓનુ મારણ કર્યુ હતુ. 

સાવજોએ પશુઓનુ મારણ કર્યાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના ગાધકડાની સીમમાં બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી ગઇકાલે સમી સાંજે ત્રણ ડાલામથ્થા સાવજો શિકારની શોધમા આવી ચડયા હતા અને સાવજોએ અહી બે વાછરડા અને એક ગાયનુ મારણ કરી મિજબાની માણી હતી. 

અહી રહેતા અમરાભાઇ સાર્દુળભાઇ રબારીની માલિકીના બે વાછરડા અને એક ગાયનુ મારણ કરવામા આવતા આ અંગે વનવિભાગને જાણ કરતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 

દલખાણીયા રેંજમાં બિમાર સિંહણને સારવાર

ગીર જંગલ તેમજ રેવન્યુ વિસ્તારમાં અવારનવાર વન્યપ્રાણીઓ બિમાર પડવાની ઘટનાઓ બનતી રહે છે. જો સમયસર  સારવાર ન મળે તો વન્યપ્રાણી મોતને પણ ભેટી શકે. ત્યારે ધારી તાબાના દલખાણીયા રેંજમા એક બિમાર સિંહણ નજરે પડતા વનવિભાગે ઘટના સ્થળે દોડી જઇ સિંહણને સારવાર આપી સ્થળ પર જ મુકત કરી દીધી હતી. 
 
ધારી તાબાના દલખાણીયા રેંજમા ડુબકીયાળી વિસ્તારમા એક સિંહણ બિમાર હોવાનુ વનવિભાગને જાણ થતા ડીએફઓ કરૂપ્પાસામીની સુચનાથી રેસ્કયુ ટીમના ડો. હિતેષ વામજા, વનરાજભાઇ ધાધલ સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા અને સિંહણને પાંજરે પુરી સ્થળ પર જ સારવાર આપવામા આવી હતી. નવેક વર્ષની ઉંમરની સિંહણને ગુમડુ થયાનુ જાણવા મળ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં પ્રાણીઓને ગુમડા જેવી બિમારી વધુ જોવા મળતી હોય છે.

No comments: