Wednesday, November 30, 2016

બીજાની ટેરેટરીમાં સિંહ છોડવાનો વનતંત્રનો નિર્ણય ભારે પડશે ?

DivyaBhaskar News Network | Nov 21, 2016, 03:40 AM IST

આવા સંજોગોમાં સાવજો વચ્ચે લોહિયાળ જંગ નિશ્ચિત

નજરકેદ 15 સિંહને હડાળાનાં જંગલમાં મુક્ત કરાયા, અન્ય સાવજો સાથે લડાઇની શક્યતા

ગીરજંગલ કે જંગલ બહાર વસતા સાવજોની પોતાની એક ટેરેટરી હોય છે. સાવજોનો પોતાનો ઇલાકો એટલે ઘર. બીજા કોઇ સાવજો તેના ઘરમા ઘુસે તો ખુંખાર જંગ જામે છે. કયારેક જંગ પણ થાય અને મહેમાનને સ્વીકારી પણ લેવાય. આંબરડી પાર્કમાથી પકડીને કેદ રખાયેલા 15 સાવજોને હડાળાના જંગલમા મુકત તો કરાયા પરંતુ ત્યાં અન્ય સાવજો સાથે ઇલાકાને લઇને લડાઇ થશે તો શું તેઓ સવાલ સિંહ પ્રેમીઓને સતાવી રહ્યો છે.

સાવજો પોતાના ઇલાકાની રક્ષા માટે જીવ સટોસટનો જંગ પણ ખેલી લે છે. આવી લડાઇઓમા ઘાયલ થયેલા સાવજોની વનતંત્રને વારંવાર સારવાર પણ કરવી પડે છે અને કયારેક સારવારનો મોકો પણ મળતો નથી. જંગલમા દ્રશ્યો સામાન્ય છે. સાતેક માસ પહેલા આંબરડી પંથકમા સાવજોએ જુદીજુદી ઘટનામા ત્રણ લોકોને ફાડી ખાધા બાદ વિસ્તારના તમામ 16 સાવજોને કેદ કરી લેવામા આવ્યા હતા અને ખોડીયાર ડેમ નજીક બનાવાયેલા તાર ફેન્સીંગયુકત આંબરડી પાર્કમા રખાયા હતા.

સાવજોને કયાં મુકત કરવા તે અંગે ત્યારથી વનતંત્ર અવઢવમા હતુ. સાવજોને ફરી આંબરડીમા મુકત કરવાના હતા. ત્યારથી તેના નવા ઇલાકાની શોધ ચાલતી હતી. આખરે વનતંત્રએ મધ્યગીરમા હડાળા રેંજમા જેનગર વિસ્તારમાં 15 સાવજોને મુકત કર્યા છે. જો કે અહીથી હવે મોટો સવાલ ઉભો થાય છે કારણ કે ગીર જંગલનો દરેક વિસ્તાર કોઇને કોઇ સાવજ ગૃપની ટેરેટરી છે. સાવજો પોતાના વિસ્તારમા અન્ય સાવજોની ઘુસણખોરી જરાપણ ચાલવા દેતા નથી ત્યારે 15 સાવજોને વિસ્તારમા મુકત કરાતા આવનારા સમયમા સાવજો વચ્ચે ઘર્ષણ થવાનુ જેના પર વનતંત્રએ સતત નજર રાખવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાવજોને રહેવા માટે અમુક વિસ્તાર જોઇતો હોય છે જે વિસ્તારમાં એક સાવજ બીજા સાવજની ઘુસણખોરી જરા પણ ઇચ્છતો નથી. ત્યારે વનવિભાગે જેનગર વિસ્તારમાં એક સાથે 15 સાવજોને છોડી મુક્યા છે ત્યારે અંદરો-અંદરની લડાઇ થાય તેવો સિંહ પ્રેમીઓને ભય સતાવી રહ્યો છે.

ગીર લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યું હતુ કે 15 સાવજો એકસાથે જેનગરમા છોડાતા અગાઉથી વિસ્તારમા રહેતા સાવજો સાથે અચુક લડાઇ થશે. વનતંત્રના પગલાથી વિસ્તારના સિંહબાળ પર પણ ખતરો રહેશે. નવો વિસ્તાર અને આંતરિક લડાઇના કારણે સાવજો સતત ખીજમા રહેશે.

No comments: