Wednesday, November 30, 2016

દિવાળી વેકેશનમાં ધાર્મિક સ્થળો ખીચોખીચ: સિંહ દર્શન માટે લોકોની હડીયાપટ્ટી

Bhaskar News, Amreli | Nov 03, 2016, 00:52 AM IST
દિવાળી વેકેશનમાં ધાર્મિક સ્થળો ખીચોખીચ: સિંહ દર્શન માટે લોકોની હડીયાપટ્ટી,  amreli news in gujarati
અમરેલી:દિપાવલીનાં પાવન તહેવારો દરમિયાન સૌરાષ્ટ્રના ફરવા લાયક રમણીય સ્થળો અને ધર્મસ્થાનોમા દર વર્ષે પ્રવાસીઓની મોટી ભીડ ઉમટી પડે છે. આ પરંપરા જળવાતી હોય તેમ ઓણસાલ પણ દિપાવલીના તહેવારો દરમિયાન ગીર જંગલ તથા આસપાસના વિસ્તારો પ્રવાસીઓથી ઉભરાયા છે. સારા ચોમાસાના કારણે ગીરનો નજારો રમણીય છે. જેનો પ્રવાસીઓ ભરપુર આનંદ લુંટી રહ્યાં છે હજુ બે ત્રણ દિવસ આવો ધસારો રહેશે.
 
સોળે કળાએ ખીલેલી ગાંડી ગીરનુ આકર્ષણ કંઇક જુદુ જ છે. અને તેમા પણ સિંહ દર્શનના મોકાની આશા હોય તો પ્રવાસીઓ અહી ખેંચાયા વગર રહે ખરા ω દિપાવલીની રજાઓનો માહોલ આમપણ હરવા ફરવાનો સમય છે. આસપાસના લોકો તો રજાઓમા ફરવાનો આનંદ માણે જ છે પરંતુ ગુજરાતભરમાથી નહી પણ દેશભરમાથી આ વિસ્તારમા પ્રવાસીઓ ઉમટે છે. હાલમા ચાલી રહેલી દિવાળીની રજાઓમા ફરી આ ચિત્ર જોવા મળી રહ્યું છે.

અમરેલી પંથકમાં ગીર જંગલ પ્રવાસીઓથી ગુંજી ઉઠયું છે. આ વિસ્તારના પ્રાકૃતિક નજારાઓનો આનંદ માણવા અને ધર્મસ્થાનોમા દર્શનાર્થે હકડેઠ્ઠઠ માનવ મેદની ઉમટી પડી છે. અમરેલી પંથકમાં ગીરકાંઠાના ગામોમા મોટા પ્રમાણમા ધર્મસ્થાનો આવેલા છે. આ ઉપરાંત ગીર જંગલની મધ્યમા પણ આસ્થાના ધામ સમા મંદિરો આવેલા છે. જયાં પાછલા ચાર દિવસ દરમિયાન મોટી સંખ્યામા દર્શનાર્થીઓ ઉમટયા હતા.

ધારી નજીક આવેલ સુપ્રસિધ્ધ ખોડીયાર મંદિર, કનકાઇ, બાણેજ, તુલશીશ્યામ, જમજીરનો ધોધ, ભીમચાસ, સરની ખોડિયાર, વાંકુની ધાર, સતાધાર, પરબધામ સહિતના નાના મોટા ધર્મસ્થાનો પર મોટી સંખ્યામા ભાવિકો ઉમટયા હતા. આ વિસ્તારના જંગલમાથી દિવ, સોમનાથ, વેરાવળ તરફ જતા પ્રવાસીઓની પણ મોટી ભીડ જોવા મળી હતી. લાભપાંચમ સુધી પ્રવાસીઓનો આવો જ ધસારો રહેવાની ધારણા રખાઇ રહી છે.
 
ધારી-તુલસીશ્યામમાં ભાવિકોની ભીડ
 
ગીર જંગલની મધ્યમા આવેલ તુલશીશ્યામ ખાતે શ્યામ મંદિરના દર્શનાર્થે પાંચ દિવસ દરમિયાન હજારો લોકોની ભીડ ઉમટી હતી. કનકાઇ બાણેજ, તુલશીશ્યામ સહિતના ધર્મસ્થાનોમા ભાવિકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાઇ હતી. ધારી નજીક ખોડિયાર મંદિર પર પણ પ્રવાસીઓ ઉમટી પડયા હતા.

No comments: