Saturday, June 9, 2012

ગીરના સિંહને એમના ઘરમાં જ રહેવા દો : પઠાણબંધુ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:59 AM [IST](09/06/2012)
સાસણમાં પત્રકારોને ખાસ મુલાકાત આપી : વન્યપ્રાણી અને પર્યાવરણ જાગૃતિ માટે તમામ પ્રકારનો સહયોગ આપવાની તૈયારી બતાવી

'ગીરનાં સિંહને એમનાં ઘરમાં જ રહેવા દો’ એવી લાગણી સાસણ(ગીર)ની મુલાકાતે આવેલા ટીમ ઇન્ડીયાનાં સ્ટાર ક્રિકેટર પઠાણ બંધુઓએ વ્યકત કરી વન, વન્યપ્રાણી- પક્ષીઓનાં સંવર્ધન- સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે તમામ પ્રકારનો સહયોગ આપવાની પ્રતિબધ્ધતા બતાવી હતી.

ટીમ ઇન્ડીયામાં ગુજરાતનું ગૌરવ વધારતાં વડોદરાનાં વતની એવા જાણીતા યુવા ક્રિકેટર પઠાણબંધુ યુસુફ અને ઇરફાન એમનાં પરિવાર સાથે સાસણ(ગીર)ની મુલાકાતે આવ્યા છે. વન વિભાગનાં આમંત્રણને માન આપી સિંહ સદનમાં રોકાણ કર્યુ છે. આજે પત્રકારોને આપેલી ખાસ મુલાકાતમાં પઠાણબંધુએ જંગલમાં મુક્ત મને વિહરતા સાવજ પરિવાર અને કુદરતી સૌંદર્યથી આચ્છાદીત જંગલની સુંદરતાની પ્રશંસા કરી ગૌરવની લાગણી અનુભવતા હોવાનું જણાવ્યું હતું.

તેઓને મધ્યપ્રદેશનાં કુનો જંગલમાં ગીરનાં સાવજોનાં સ્થળાંતર અંગેની ઘણા સમયથી હિ‌લચાલ ચાલી રહી છે તે અંગે પુછતા આ રાજય-કેન્દ્રનો નીતિ વિષયક મુદો હોય તે અંગે કહેવાનું ટાળ્યું હતું પરંતુ ગુજરાત સાવજોનું ઘર છે અને એમને એમનાં ઘરમાં જ રહેવા દેવા જોઇએ એવી લાગણી વ્યકત કરી હતી.

રાજયનાં બ્રાન્ડ એમ્બેસેડર અને 'બીગ બી’ બચ્ચનની 'ખુશ્બુ ગુજરાત કી’ ડોક્યુમેન્ટ્રી બાદ સાસણ જંગલ અને સાવજ સમગ્ર દેશમાં જ નહી વિશ્વભરમાં ખ્યાતનામ બન્યા છે. રાજય સરકાર, પ્રવાસન વિભાગ અને વન વનતંત્રની આ કામગીરી કાબીલે તારીફ હોવાનું જણાવી વન, વન્યપ્રાણી- પક્ષીઓનાં સંવર્ધન- સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે તમામ પ્રકારનો સહયોગ આપવાની અને એક ગુજરાતી તરીકે આ મુવેમેન્ટમાં જોડાઇ શકીએ તો તે અમારા માટે ખુશીની વાત બની રહેશે તેમ કહયું હતું.

સાવજનું ટોળું જીપ નજીકથી પસાર થયું ને બાળકો ડરી ગયા

સાસણ જંગલમાં બે દિવસ દરમિયાન ર૭ જેટલા સાવજને વિવિધ એંગલથી નિહાળ્યા એ જીવનની યાદગાર ક્ષણ બની રહેશે. એક સમયે તો સાવજનું ઘુરકીયા કરતું ટોળું અમારી જીપની સાવ નજીકથી પસાર થઇ ગયું ત્યારે મારી માતા અને બાળકો ડરી ગયા હતા. જોકે, આ અમારા પરિવાર માટે એક અનેરા રોમાંચની ઘટના હતી અને તેનું વિડીયો શૂટિંગ પણ મેં કરી લીધુ હતું તેમ ઇરફાન પઠાણે જણાવ્યું હતું.

પ્રાણી - પક્ષીઓને દત્તક લેવાનો યુસુફને શોખ

પ્રાણી - પક્ષીઓ પ્રત્યે મોટાભાઇ યુસુફ ખાસ લગાવ - પ્રેમ ધરાવે છે અને તેમને દત્તક લઇ સાર- સંભાળ રાખે છે તેમ તેનાં નાનાભાઇ ઇરફાને જણાવ્યું હતું.

No comments: