Saturday, June 23, 2012

ચાર સાવજોની શોધખોળ માટે વનતંત્ર ઉંધા માથે.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:51 AM [IST](23/06/2012)

સાવજોએ ઝેર વાળું મારણ ખાધું હોય તો ખતરાની આશંકાથી વન વિભાગ ચિંતીત : વન વિભાગે બે દિશામાં તપાસ શરૂ કરી

ખાંભાના પાટીની સીમમાંથી ગઇકાલે એક સિંહણનો મૃતદેહ મળી આવ્યા બાદ બાજુમાં જ પડેલા ગાયના મારણમાં કોઇએ ઝેર ભેળવ્યાની આશંકા છે ત્યારે વનવિભાગે આ સિંહણ સાથે આંટા મારતા તેના ગ્રુપના અન્ય ચાર સિંહોની શોધખોળ શરૂ કરી છે. જો અન્ય ચાર સિંહોએ આવુ મારણ ખાધુ હોય તો તેના પર ખતરો હોવાની આશંકાએ વનવિભાગ ચિંતિત છે.

ગીરપુર્વની ખાંભા વન કચેરીનો સ્ટાફ પાંચ સાવજના ગ્રુપના છુટા પડી ગયેલા ચાર સાવજોની ભારે શોધખોળ કરી રહ્યો છે. ગઇકાલે ખાંભાના પાટી ગામની સીમમાંથી દુલાભાઇ માણસુરભાઇ વાઘની વાડીમાંથી આશરે દોઢથી બે વર્ષની ઉંમરની એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. થોડે દુરથી એક ગાયનો મૃતદેહ પણ મળ્યો હતો.

આ સિંહણે ગાયનું મારણ ખાધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સિંહણના મોઢામાંથી લોહી પણ નીકળી ગયું હતું. ત્યારે હવે વનવિભાગે બે દિશામાં તપાસ શરૂ કરી છે. એક તો આ ગાયના મારણમાં કોઇએ ઝેર ભેળવ્યું હતું કે કેમ તેની તપાસ થઇ રહી છે. તથા બીજી તરફ આ સિંહણ પાંચ ગ્રુપના સભ્યોમાંની એક હોય બાકીના ચાર સાવજોની પણ શોધખોળ થઇ રહી છે. જો ચાર સાવજોએ આ મારણ ખાધુ હોય તો તેના પર પણ ખતરો હોય તેનાથી વનવિભાગ ચિંતિત છે.

No comments: