Tuesday, June 26, 2012

જંગલની જડીબુટીમાંથી દવા બનાવી પગભર બનતી આદિવાસી સીદી બાદશાહ મહિલાઓ.


જૂનાગઢ, તા.૨૩
આજના પુરૂષ પ્રધાન સમાજમાં આત્મનિર્ભર બનવવા માટે મહિલાઓમાં પણ હોડ લાગી છે. આ હોડમાં ગિર જંગલની મધ્યે રહેતી આદિવાસી મહિલાઓ પણ પાછળ નથી. ગિર જંગલની મધ્યે રહેતી સીદી બાદશાહ કોમની મહિલાઓએ આત્મનિર્ભર બનવા માટેનો અનોખો માર્ગ શોધી કાઢયો છે. જંગલમાંથી જડીબુટીઓ લાવીને તેમાંથી દેશી દવા બનાવીને હવે આ મહિલાઓ પગભર બનવા માંડી છે.
  • સ્થાનિક કક્ષાએ લોકપ્રિય બનેલી દવાઓ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરમાં મોકલાશે
રાત-દિવસ જ્યાં સાવજોની ડણકો સંભળાતી રહે છે તેવા ગિર જંગલમાં આવેલા માધુપુર ગામની સીદી બાદશાહ સમાજની મહિલાઓએ એક સખી મંડળ બનાવ્યું છે. અને આ મહિલાઓ ગિર જંગલમાં આવેલી જડીબુટીઓનો ઉપયોગ કરીને શુદ્દ આયુર્વેદિક દવાઓ બનાવે છે.
ક્યાં રોગ માટે કંઈ દવા અસરકારક રહે છે તેનું માર્ગદર્શન આ મહિલાઓ આયુર્વેદના નિષ્ણાંતો પાસેથી મેળવે છે. અને બાદમાં આયુર્વેદ શાસ્ત્રોમાં ઉલ્લેખ હોય તેવી ઔષધિઓ ઓળખીને જંગલમાંથી લાવે છે. બાદમાં તેમાંથી દવા બનાવી જુદી જુદી બોટલો તથા પેકેટોમાં તેને ભરીને તેનું વેંચાણ કરે છે. ગિર વિસ્તારની મહિલાઓ પેઢીઓથી આ દેશી દવાઓ વિશે જાણે છે. સરકાર દ્વારા આ મહિલાઓને રૂ.૧૦ હજારનું રીવોલ્વિંગ ફંડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી છે.
આ દવાની ગુણવત્તાને ધ્યાને લેતા ભાવનગરમાં યોજાયેલા ભારત ઉત્સવમાં પણ મંડળની મહિલાઓને સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. હાલમાં આ મહિલાઓનો દેશી દવાનો ર્વાિષક વેપાર રૂ.૧ લાખ સુધી પહોંચી ગયો છે. આગામી દિવસોમાં આખા સૌરાષ્ટ્રમાં આ દેશી દવાઓ પહોંચાડીને કારોબાર વધારવામાં આવશે. અનેક મહિલાઓ દેશી દવાના આ વ્યવસાયમાં રોજગારી મેળવી રહી છે.

No comments: