Wednesday, June 20, 2012

બિલખા પાસે વિહરતા વૃદ્ધ સિંહની દેખરેખ રાખવા આગેવાનની માંગ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:57 AM [IST](20/06/2012)
- વનરાજ ભૂખ્યા ન રહે તે જોજો: વનવિભાગને પત્ર પાઠવતા ન.પં.નાં પૂર્વ સભ્ય

સોરઠ એટલે સિંહનો ‘મુલક’. સિંહ એક દિલેર પ્રાણી છે. તો અહીંનાં માનવી પણ એટલા જ દિલેર છે. તેને જેટલી બીજા માનવીની ચિંતા હોય એટલી જ ચિંતા વજરાજની પણ હોય છે. જેની પ્રતિતી કરાવતા પ્રસંગો અવારનવાર બનતા રહે છે. તાજેતરમાંજ બિલખા પાસેનાં ગિરનારનાં જંગલમાં એક વૃદ્ધ સિંહ વહિરતો હોઇ નગરપંચાયતનાં એક પૂર્વ સદસ્યએ એ સિંહની પૂરતી દેખરેખ રાખવા અને વૃદ્ધત્વને લીધે તે ભૂખ્યો ન રહે તે જોવા વનવિભાગનાં ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવ્યો છે.

બિલખા પાસે રામનાથ મથુરા અને રણશીવાવ વિસ્તારમાં વહિરતો એક ‘વનકેસરી’ વૃદ્ધ થઇ ગયો છે. હાલ તે મારણ કરી શકવાની સ્થિતીમાં નથી. આ સિંહ ક્યારેય વિસ્તારમાંથી બહાર ગયો નથી. હાલ તેની હાલત ખુબજ દયાજનક હોવાનું અને તેનાં દાંત પડી ગયા હોવાનું બિલખા નગર પંચાયતનાં માજી સભ્ય કિશોરભાઇ જોષીનાં ધ્યાને આવ્યું. આથી તેમણે વનવિભાગનાં ઉચ્ચ અધિકારીને પત્ર પાઠવ્યો છે. જેમાં તેમણે એવી માંંગણી કરી છે કે, બિલખા પાસેનાં મંડલીકપુર, ઉમરાળા, મેવાસા, હડમતીયા, થુંબાળા, બેલા, વિરપુર શેખવા બધા ગામોમાંજ જોવા મળતા વૃદ્ધ વનરાજને પૂરતું રક્ષણ આપવાની જરૂર છે. વૃદ્ધ હોવાથી ગૃપનાં અન્ય સાવજોએ તેને એકલો પાડી દીધો છે. હાલ તે જંગલને બદલે રેવન્યુ વિસ્તાર અને ગામડાંઓમાં ફરે છે.

આથી તેનું પૂરતું લોકેશન રાખી તે ભૂખ્યો ન રહે તેની વ્યવસ્થા અને તકેદારી રાખવાની માંગ પત્રમાં કરાઇ છે. વધુમાં જણાવાયું છે કે, તેનું ગામડાંમાં કોઇ જગ્યાએ મૃત્યુ થાય એ યોગ્ય નથી. આથી તેને પૂરા સન્માન સાથે જંગલમાં સાચવવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે. સિંહને નિહાળવો એ એક લ્હાવો છે. ખુશ્બુ ગુજરાત કી બાદ સિંહને જોવા આવનારા વધ્યા છે તો ખુદ સોરઠવાસીઓ પણ સિંહનાં સંરક્ષણ માટે જાગૃત છે એ વાતને આ કિસ્સો પુષ્ટિ આપે છે.

No comments: