Sunday, November 30, 2014

ક્લિપીંગ કાંડમાં ખુલાસો: યુવાન લાકડીથી બિમાર સિંહણની ચકાસણી કરતો હતો.

Bhaskar News, Dhari/ Una | Nov 26, 2014, 14:46PM IST
- ક્લિપીંગ કાંડ: સરાકડીયા નેસ નજીકની એક વર્ષ પહેલાની ઘટના અંગે વન તંત્ર પાણીમાં બેઠું અને આપ્યો ખૂલાસો

ધારી, ઊના: છેલ્લા બે દિવસથી અખબારોમાં એક બીમાર સિંહણની કોઇ વ્યક્તિ દ્વારા પજવણી થઇ રહી હોવાનાં વોટ્સએપ પર કલીપ ફરતી થયેલ હોય અને આ અંગેનાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ અખબારી અહેવાલનાં પડઘા છેક ગાંધીનગર સુધી પહોંચ્યા હોય તેમ આ સમગ્ર મામલની તપાસનાં આદેશ છૂટ્યા હતા અને આ કલીપીંગ જશાધાર નેશ વિસ્તારનું બહાર આવતા ડીએફઓ અંશુમન શર્મા તેમજ જશાધાર રેન્જનાં આરએફઓ બી.ટી.આવર તથા સ્ટાફ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવતા અને તપાસનાં અંતે આ વિડીયોકલીપ એક વર્ષ જુની હોવાનું બહાર આવેલ હતું અને આ સિંહણને પેરાલીસીસ થઇ ગયેલ હોવાનું વનખાતાનાં સુત્રોમાંથી જાણવા મળેલ હતું.

તેમજ આ સિંહણને જશાધાર  એનિમલ કેર સેન્ટર ખાતે વેટરનીટી તબીબ દ્વારા સારવાર પણ આપવામાં આવેલ હોવાનું વન અધિકારીએ જણાવેલ હતુ અને તેની તમામ પ્રકારની નોંધ પણ વેટરનીટી હોસ્પિટલનાં રેકર્ડ પર હોવાનું પણ વન અધિકારીએ જણાવેલ હતું. આજે વનવિભાગે એક અખબારી યાદીમાં જણાવ્યું હતુ કે આ વિડીયો કલીપ તા. 30/12/13ની છે. એકાદ વર્ષ પહેલા જસાધાર રેંજમા સરાકડીયા નેસમાં આ ઘટના બની હતી. અહી શિવા સાર્દુલ લાખણોત્રા નામના માલધારીની નજરે બિમાર સિંહણ ચડતા તેણે લાકડી વડે અને પુંછડુ પકડી ચકાસણી કરી હતી.

ગીર પુર્વના ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતુ કે સરાકડીયા નેસના માલધારી કનુભાઇ વાજસુરભાઇ વાઘ તે દિવસે માલઢોર ચરાવવા ગયા ત્યારે દોઢ વર્ષની બિમાર સિંહણને જોઇ હતી. જેથી તેમણે તેના કાકા શિવા સાર્દુલને જાણ કરતા તેણે જસાધાર વનતંત્રને જાણ કરી હતી. ફોરેસ્ટર અને ટ્રેકર પાર્ટીએ શિવાને સાથે રાખી તપાસ કરી પરંતુ બિમાર સિંહણ મળી ન હતી.
તે જ દિવસે સાંજે ઢોર પરત લઇને આવતી વખતે શિવા સાર્દુલે આ બિમાર સિંહણને જોઇ હતી. તેની પાસે જવા છતા સિંહણ ઉભી ન થઇ શકતા તેણે લાકડીથી ચકાસણી કરી હતી અને પુંછડુ પકડી સિંહણનો તાગ લેવા પ્રયત્ન કર્યો હતો અને કનુ વાજસુરભાઇ દ્વારા તેનુ મોબાઇલમાં શુટીંગ કરાયુ હતુ. જો કે આ યુવાન કશુરવાર જણાશે તો પગલા લેવાશે એવું જણાવ્યુ હતું.

બિમાર સિંહણની સારવાર કરાઇ હતી

વનતંત્રએ જણાવ્યું હતુ કે એકાદ વર્ષ પહેલા શિવા સાર્દુલે આપેલી બાતમીના આધારે તા. 30/12/13ની સાંજે આ બિમાર સિંહણને પકડી જસાધાર એનીમલ કેર સેન્ટરમા લઇ જવાઇ હતી. અને સારવાર આપી તા. 30/1ના રોજ તેને જંગલમાં મુકત કરાઇ હતી.

No comments: