Sunday, November 30, 2014

પ્રવાસ વિકાસ તો દૂર, સાસણમાં પાયાની સુવિધાનો'ય અભાવ.

Nov 21, 2014 00:01

  • દર વર્ષે જ્યાં પાંચ લાખ પ્રવાસી આવે છે તે ગામમાં પાણી વ્યવસ્થા ખોડંગાતી, સફાઈના ઠેકાણા નથી
તાલાલા :  દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત સાસગગીર ગામ એક જમાનામાં ગીરનું વડું મથક હતું અને ઘણી બધી સુવિધા હતી. અહીં દર વર્ષે આશરે પાંચ લાખ પ્રવાસીઓ આવે છે, પરંતુ હાલ અહીં પ્રાથમિક સુવિધાના કોઈ ઠેકાણા નથી. અહીં પાણી વિતરણ કે સફાઈની પુરી વ્યવસ્થા નથી, ખોબા જેવું બસ સ્ટેન્ડ છે અને ટ્રેનની સુવિધા નથી.
આજથી સો વર્ષ પહેલા ગીર પંથકના વડા મથક સાસણગીરમાં ૫૩૨ ની જનસંખ્યા હતી. છતા પણ ગીરના નેસડા વચ્ચે સાસણગીરમાં ન્યાય કોર્ટ, ફોરેસ્ટ વિભાગની વડી કચેરી, મહેસુલ ખાતાની કચેરી, પોલીસ થાણું, બે પ્રાથમિક શાળા, એક માધ્યમિક શાળા, દવાખાના સહિત વહીવટી કચેરીથી ધમધમતું હતું. પરંતુ આજે સ્થિતિ જુદી જ છે.
૧૯૧૨ માં ગીરનું વડું મથક સાસણગીરમાંથી તાલાલાને કરવામાં આવ્યું, ત્યાં સુધી તમામ વહીવટી કામગીરી સાસણથી થતી હતી. સાસણ ગામનું કુલ ક્ષેત્રફળ ૪૭ હેકટર છે. બાકીનો વિસ્તાર વન વિભાગ હસ્તક છે. આ ગામમાં માત્ર ૧૮ ખેડૂત છે અને કુલ વસતી આશરે ૩ હજાર જેવી છે. આજે નાનકડા સાસણનું નામ દેશ વિદેશમાં છે અને અહી અંદાજે પાંચ લાખ પ્રવાસીઓ આવે છે. પરંતુ ખોબા જેવું બસ સ્ટેન્ડ છે. જેથી સુવિધાપુર્ણ બસ સ્ટેશન બનાવવાની જરૃર છે. અહીં આવતા પ્રવાસીઓને ધ્યાને લઈ આરોગ્ય કેન્દ્રમાં સુવિધા વધારી ૧૦૮ ની સેવા આપવાની જરૃર છે.અહીં પીવાનું પાણી પુષ્કળ છે, પરંતુ ગ્રામ પંચાયત પાસે આવકના સાધનોના અભાવે સુવ્યવસ્થીત પાણી વિતરણ વ્યવસ્થા નથી. સફાઈ કામગીરીને પણ આર્થીક સ્થિતિ નડે છે. જેથી ગ્રાન્ટ વધારવાની જરૃર છે. અહી માધ્યમિક શાળા પાસે ગ્રાઉન્ડ નથી. જો આ શાળાનો વિકાસ કરાવામાં આવે તો આસપાસના ગામડાના વિદ્યાર્થીઓને શિક્ષણની સારી સુવિધા મળી શકે. અહીંની ખાસ મુશ્કેલી હિંન્દુ અને મુસ્લિમોને અંતિમ સંસ્કારની છે. વન વિભાગના કારણે મુશ્કેલી નડતી હોવાનું લોકો જણાવે છે.
અહીં મીટર ગેજ રેલવે સ્ટેશન છે. અને ૪૦ કિલોમીટર દુર વેરાવળથી પ્રવાસીઓ આવી શકે તે માટે મીટર ગેજ ટ્રેન દોડાવવાની જરૃર છે. અહીં ટ્રેન સુવિધા મળે તો વેરાવળ ખાતે લાંબા અંતરની ટ્રેનમાં આવતા મુસાફરોને સાસણ આવવાની સગવડ મળી શકે. સો વર્ષ પહેલા અંગ્રેજો દ્વારા સાસણને ગીરનું વડું મથક બનાવાયું હતું તે રીતે ફરી સાસણને ગીરનું વડું મથક બનાવી શિક્ષણ, આરોગ્ય, પરિવહન, પાણી, સફાઈ વગેરે સુવિધા આપવાની જરૃર છે.
  • ગામને દત્તક લેતા આશાનું કિરણ
તાજેતરમાં જ સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા સાસણગીર ગામને દત્તક લીધું છે. ત્યારે વિશ્વપ્રસિધ્ધ આ ગામને સંપૂર્ણ સુવિધાયુક્ત બનાવાશે તેવી આશા બંધાઈ છે. આ ગામમાં બહારથી આવતા મુસાફરોને પુરતી સુવિધા-સગવડ મળી રહે તેવા કાર્યો સાંસદ દ્વારા થાય તેવી આશા ગ્રામજનો રાખી રહ્યાં છે.

No comments: