Sunday, November 30, 2014

ગીરમાં ગેરકાયદે પ્રવૃત્તિને છૂટ્ટો દૌર.


  • Nov 24, 2014 00:02
  • સાડા ત્રણ વર્ષમાં જંગલમાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ૯૩૫ સામે કાર્યવાહી ઃ ૧૯ લાખથી વધુનો દંડ
ધારી/અમરેલી : ગેરકાયદે સિંહ દર્શનથી માંડીને ઘાસનો વેપલો, વન્ય પ્રાણીઓનો શિકાર જેવી પ્રવૃતિઓથી પંકાયેલા ગીરનાં જંગલ વિસ્તારમાં સાડાત્રણ વર્ષમાં ૯૩૫ વ્યકિતઓ સામે વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે કાગળ ઉપર થયેલી કામગીરી તો માત્ર પાશેરમાં પૂણી સમાન છે.
ધારી ગીર પૂર્વ જંગલમાં વન વિભાગ દ્વારા ગેરકાયદે સિંહદર્શન, વન્ય પ્રાણીઓનો શિકાર, હથિયાર કે પ્રતિબંધિત વસ્તુઓ સાથે પ્રવેશ, ગેરકાયદે જંગલમાં ઘૂસણખોરી સહિતનાં ગુનાઓમાં વર્ષ ૨૦૧૧-૧૨માં ૪૭ ગુના નોંધીને ૧૦૬ ગુનેગારોને પકડવામાં આવ્યા હતા.
જેમની પાસેથી રૃ. ૧,૫૨,૬૪૨નો દંડ વસૂલવામાં આવ્યો હતો. વર્ષ ૧૦૧૨-૧૩માં ૯૯ ગુના નોંધીને ૨૦૦ વ્યકિતઓની અટકાયત કરવામાં આવી હતી. જેમની પાસેથી રૃ. ૨,૯૯,૭૫૦નો દંડ વસૂલાયો હતો. વર્ષ ૨૦૧૩-૧૪માં રેકર્ડ બ્રેક ૧૬૪ ગુના નોંધીને ૨૨૨ ગુનેગારોની અટકાયત કરાઇ હતી. અને ૪,૬૦,૮૦૦ રૃ. નો દંડ વસૂલાયો હતો. ચાલુ વર્ષમાં ૪૩ ગુનાઓમાં ૫૩ ગુનેગારો સામે કાર્યવાહી કરીને રૃ. ૫૨,૨૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આ રીતે જંગલમાંથી ગેરકાયદે ઘાસ કાપવું, ઢોર ચરાવવા, વૃક્ષછેદન કરવું વગેરે ગુનાઓમાં વર્ષ ૨૦૧૧-૧૨ માં ૪૦ ગુનામાં ૬૪ વ્યકિતઓને પકડી પાડીને ૩,૦૦,૪૦૦નો દંડ વસૂલ્યો હતો. વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૩૪ ગુનાઓમાં ૧૮૨ ગુનેગારો સામે કાર્યવાહી કરીને ૩,૧૩,૮૫૦ રૃ.નો દંડ ફટકાર્યો હતો. વર્ષ ૨૦૧૩-૧૪માં ૯૩ ગુનાઓ નોંધી ૧૦૩ શખ્સોને કાયદાનું ભાન કરાવવા ૧.૩૨ લાખની રકમ વસૂલાઇ હતી. ચાલું વર્ષ પણ ૩૩ ગુના નોંધીને ૬૮ વ્યકિત સામે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરાઇ હતી. કુલ ૯૩૫ ગુનેગારો પાસેથી ૧૯ લાખથી વધુની રકમ દંડ પેટે વસૂલ કરાઇ છે.

No comments: