Sunday, November 30, 2014

'સાસણ' જૂનાગઢમાં જ રહેશે, સોરઠને મુખ્યમંત્રીની હૈયાધારણા.

Nov 26, 2014 00:05

  • ધારાસભ્યની આગેવાની હેઠળ ગયેલા ભાજપના પ્રતિનિધિ મંડળને ખાતરી મળી
જૂનાગઢ : ગીર અભયારણ્યના હેડક્વાટર સાસણને જૂનાગઢ જિલ્લામાંથી ફેરવવા માટે ચાલતી ગતિવિધિને આખરે બ્રેક લાગી ગઈ છે. આજે મુખ્યમંત્રીએ ધારાસભ્ય સહિતના ભાજપના કાર્યકરોને સાસણ જૂનાગઢમાં રહેશે, તેવી હૈયાધારણા આપી હતી. મળતી માહિતિ અનુસાર જિલ્લા પંચાયતના વિભાજન માટે ત્રણ દિવસ પછી બહાર પડનારા જાહેરનામામાં ર૬ માં ક્રમે સાસણ, હરિપુર અને ભાલછેલને ફેરવવાની દરખાસ્ત હતી. જેને યથાવત રાખવાનું નોટીંગ કરવામાં આવ્યું છે. એટલે કે એક તબક્કે પડદા પાછળ શરૃ થયેલી પ્રક્રિયા બાદ આખરે આ દરખાસ્ત પડતી મૂકવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના વિભાજન સમયે સાસણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેને ફરીથી ગિર સોમનાથ જિલ્લામાં લઈ જવા માટે ગાંધીનગરમાં છાનેખુણે શરૃ થયેલી કવાયત બહાર આવી જતા જૂનાગઢ જિલ્લામાં તિવ્ર રોષ ફાટી નિકળ્યો હતો. દરમિયાનમાં આજે જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૃની આગેવાની હેઠળ ભાજપના કાર્યકરોએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રૃબરૃ મળીને રજૂઆત કરી હતી.
 જેના પ્રતિભાવમાં મુખ્યમંત્રીએ સાસણ જૂનાગઢમાં જ રહેશે, તેવી હૈયાધારણા આપી હતી. સાસણને જૂનાગઢમાંથી ફેરવવાની વાતને સમર્થન આપતો પુરાવો રજૂ કરતા પ્રતિનિધિ મંડળમાં સામેલ ભાજપના કાર્યકર અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, જિલ્લા પંચાયતોના વિભાજન માટે આગામી ત્રણ દિવસ પછી જાહેરનામુ બહાર પાડવામાં આવનાર છે. આ જાહેરનામામાં ર૬ માં ક્રમે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સાસણ, હરિપુર અને ભાલછેલનું નામ છે. છેલ્લા પારામાં આ ત્રણેય ગામ યથાવત રાખવાનું નોટીંગ કરાયું છે . જૂનાગઢ જિલ્લામાંથી માત્ર આ ત્રણ ગામનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેનો મતલબ એવો થયો કે, મહેસુલ વિભાગમાં છાનેખુણે આ ત્રણેય ગામને ફેરવવાની દરખાસ્ત થઈ હતી. પરંતુ બાદમાં નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો હશે. જાહેરનામાના આ કાગળની નકલ મહેસુલ વિભાગ દ્વારા ભાજપના પ્રતિનિધિ મંડળને આપવામાં આવી છે.

No comments: