
- ફેફસાં ડેમેજ થવાથી મોત થયાનું તારણ
વિસાવદર: વિસાવદરના દાદરની સીમમાં ગુરુવારે કપાસના ખેતરમાં છુપાયેલી અને લોકોના ટોળાંથી ગભરાયેલી સિંહણે એક વનકર્મી સહિત બેને ઘાયલ કર્યા હતા, જ્યારે શુક્રવારે લોકેશનના આધારે વનવિભાગના સ્ટાફે બેભાન કરી સાસણ એનિમલ કેરમાં સારવાર માટે ખસેડી હતી જ્યાં આ સિંહણનું મોત થયું છે.14 વર્ષની આ સિંહણ છેલ્લા કેટલાય દિવસથી બીમાર હતી અને ભૂખના કારણે તેમજ ફેફસાં ડેમેજ થવાથી મોત થયાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે.
લીમધ્રાની સીમમાં વનકર્મી જયદીપસિંહ ઝાલા તથા બાબુભાઈ નાકરાણી ઉપર એક વિફરેલી સિંહણે હુમલો કર્યો હતો. દરમિયાન શુક્રવારે સવારે વિસાવદરના દાદરની સીમમાં હરસુખભાઈ કાપડિયાના ખેતરમાં બીમાર સિંહણ હોવાની જાણ થતાં વિસાવદર અને ડેડકણી રેન્જનો સ્ટાફ આવી પહોંચ્યો હતો.
ડેડકણીના આરએફઓ ડોડિયાએ સાસણથી વેટરનરીને બોલાવતા ડોક્ટરે સિંહણને બેભાન કરી સારવાર માટે સાસણ ખસેડી હતી, જ્યાં સિંહણનું મોત થયાનું જાણવા મળે છે. સિંહણની ઉંમર 14 થી 15 વર્ષની છે. ઉંમરને કારણે તેમના ફેફસાં ફેલ થઈ ગયા હતા. જેના કારણે ભૂખી હતી અને પેટ ખાલી હતું. જ્યારે બીમાર સિંહણ પડી હોવાની વાત વાયુવેગે ફેલાતા ગ્રામજનોના ટોળેટોળાં પહોંચ્યા હતા અને ધીમે ધીમે નજીક પહોંચી છેલ્લે પાંચ ફૂટ દૂરથી ફોટા પાડવાનું ગંભીર સાહસ ખેડ્યું હતું.

વેટરનરી ડો.સોલંકીએ આ સિંહણને પકડવા માટે પહેલા દૂરબીન વડે સિંહણની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યા બાદ પોતાની ગાડી ધીમે ધીમે નજીક જવા દઈ સિંહણને પહેલા લાકડી વડે ચેક કર્યા બાદ સિંહણ ઊભી નહીં થતાં સિંહણને ઈન્જેક્શન મારી બેભાન કરી પાંજરામાં પૂરી સાસણ લઈ ગયા હતા. આ બાબતે ડીસીએપ પોતાના નિત્યક્રમ મુજબ આઈએમબીઝીનો મેસેજ આપી હાથ ઊંચા કરી દીધા હતા.
No comments:
Post a Comment