Sunday, November 30, 2014

ક્લિપીંગ કાંડમાં ગાંધીનગરની ટુકડી તપાસ કરે : રજૂઆત.

DivyaBhaskar News Network | Nov 27, 2014, 03:45AM IST
ગીરજંગલ તથા આસપાસના વિસ્તારમાં વસતા સાવજોને અવારનવાર લોકો દ્વારા હેરાન કરવામા આવતા હોવાની વિગતો બહાર આવે છે. પરંતુ વનતંત્ર દ્વારા દરેક વખતે તપાસના અંતે કોઇ કાર્યવાહી કરવામા આવતી નથી. ત્યારે તાજેતરમાં સિંહણને પજવણી અંગે બહાર આવનાર વિડીયો અંગે ગાંધીનગરથી ખાસ તપાસ ટુકડી નિમવામા આવે તેવી લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વનમંત્રીને રજુઆત કરવામા આવી છે.

લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા આજે બારામાં વનમંત્રી ઉપરાંત મુખ્યમંત્રી અને અગ્ર મુખ્ય વનસંરક્ષકને પણ પત્ર દ્વારા રજુઆત કરવામા આવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે બિમાર સિંહણને લાકડી ફટકારી વિકૃત આનંદ મેળવવો રાક્ષસી કૃત્ય છે. આવા કિસ્સામા જવાબદાર લોકો સામે આકરામા આકરા પગલા લેવાવા જોઇએ. તેને બદલે અધિકારીઓ દ્વારા પોતાના સ્ટાફનું દામન બચાવવા તપાસનું માત્ર નાટક કરવામા આવે તે યોગ્ય નથી. અગાઉ કુંડલાના વડાલ ગામે પણ મારણ આપી સિંહ દર્શન કરાવવા અંગે તપાસનું નાટક કરી ઘટનાને જુની ગણાવી તપાસ ફાઇલે કરી દેવાઇ હતી. ગીર જંગલ જાણે રેઢુપડ હોય તેમ અવારનવાર ઘુસણખોરી થાય છે. જંગલની મધ્યમાં સિંહણની પજવણી થાય અને તેનો વિડીયો ઉતારી વહેતો કરાય તે ગંભીર બાબત છે. જવાબદાર વનકર્મીઓને સસ્પેન્ડ કરી ગાંધીનગરથી અધિકારીઓની ટુકડી દ્વારા તપાસ કરવામા આવે તેવી તેમણે માંગ કરી છે.

No comments: