Sunday, November 30, 2014

વેરાવળના સવનીમાં સિંહ પરિવારના આંટા ફેરાથી ખેડૂતોમાં ચિંતાની લહેર.

Nov 21, 2014 00:03

  • અનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં ઃ દિવસે વીજળી આપવા માંગ
કાજલી :  વેરાવળ તાલુકાના સવની ગામે છેલ્લા ચારેક માસથી સિંહ પરિવારના આંટા ફેરાથી ખેડૂતો સહિત ગ્રામજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. હાલ ખેતીની મોસમ હોવાથી ખેડૂતો અને ખેત મજુરો રાત્રીના સમયે ખેતર-વાડીમાં જતા ડર અનુભવે છે.
સવની ગામની કુહીજા તરફના સીમ વિસ્તારમાં છેલ્લા ચાર માસથી એક સિંહ પરિવાર આંટા ફેરા કરે છે. હાલ કપાસ, ઘઉં, શેરડી સહિતનો પાક વાડીઓમાં ઉભો હોવાથી પિયત કરવા અને રખોપુ રાખવા રાત્રીના સમયે જવું પડે છે, પરંતુ આ સિહં પરિવારના આંટા ફેરાથી ખેડૂતો અને ખેત મજુરો ડર અનુભવે છે. વીજ કચેરી દ્વારા દિવસ અને રાત્રિ એમ બે પાળીમાં વીજળી મળે છે. દિવસના વીજળી હોય ત્યારે ખાસ કોઈ તકલીફ થતી નથી પરંતુ રાત્રિના સમયે વીજળીનો વારો હોય ત્યારે પિયત કરવા જવામાં ખેડૂતોને ડર લાગે છે. જો પિયત કરવા ન જાય તો પાકને નુકસાન થાય. જેથી આ પ્રશ્નની ગંભીરતા સમજી ગામન માજી સરપંચ અને વેરાવળ તાલુકા પંચાયતના પ્રતિનિધિ નરસંગભાઈ ઝાલા દ્વારા સબંધીત તંત્રને ફરી રજુઆત કરી છે. અગાઉ અનેકવાર રજુઆત કરવા છતા કોઈ પરિણામ આવેલ નથી. આ ઉપરાંત તેઓએ હાલ પુરતા ફક્ત દિવસે જ વીજળી આપવા વીજ તંત્ર સમક્ષ રજુઆત કરી છે.

No comments: