Thursday, June 30, 2016

ગીરઃ 12 મોત બાદ પણ પુરથી સાવજોને બચાવવા તંત્રએ કોઇ પગલા ન લીધા

  • Bhaskar News, Savarkundala
  • Jun 18, 2016, 10:48 AM IST
    ગીરઃ 12 મોત બાદ પણ પુરથી સાવજોને બચાવવા તંત્રએ કોઇ પગલા ન લીધા
    સાવરકુંડલાઃ ગીરની અમુલ્ય ધરોહર સમા સાવજોની રક્ષામાં વારંવાર નિષ્ફળ સાબીત થતુ તંત્ર ગત જૂન માસે શેત્રુજીમાં આવેલા ભારે પુર વખતે સાવજોને બચાવી ન શકતા બાર સાવજો મોતને ભેટ્યા હતાં. તેને એક વર્ષ વિતવા છતાં છનતંત્રએ અહિંના સાવજોની સલામતી માટે કોઇ પગલા લીધા નથી. જ્યા શેત્રુજીનું પાળી રેળાય છે ત્યાં ઉંચા ટીલા બનાવવાની માંગ પ્રત્યે પણ કોઇ ધ્યાન અપાયુ નથી. નિંભર વનતંત્ર હવાલ કીલ્લા બાંધતુ હોય તેમ હવે ભારે પુરમાં સાવજોને ઉંચા વિસ્તારમાં દોરી જઇશું તેવી વાહયાત વાતો કરે છે.  
     
    ક્રાંકચની સીમમાં ઉંચા ટીલાઓ બનાવવાની માંગણીનું સુરસુરીયુ

    સાવજોની રક્ષામાં નિષ્ફળ રહેલુ તંત્ર જાણે હવામાં ઉડી રહ્યુ છે. બાર-બાર સાવજોના મોત વખતે તેની લાશો ક્યાં પડી છે તે પણ શોધી નહી શકનાર તંત્ર શેત્રુજીના પુર વખતે જ્યાં કોઇ પહોંચી પણ શકતુ નથી તેવા વિસ્તારમાં જઇ સાવજોને સલામત સ્થળે દોરી જવાની વાતો કરી રહ્યુ છે. લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમાં ગઇ જૂન માસમાં આવેલા અતિભારે વરસાદ વખતે બાર સાવજો કાળનો કોળીયો બની ગયા હતાં. ક્રાંકચની સીમમાં દુર્ગમ વિસ્તારમાં સાવજો જ્યાં વસે છે ત્યાં ધોળા દિવસે જવુ પણ મુશ્કેલ છે. કોઇ સાવજની ભાળ મેળવવી હોય તો પણ વનતંત્રને સ્થાનિક માલધારીઓની મદદ લેવી પડે છે. ભારે પુર વખતે જ્યારે બાર-બાર સાવજોના મોત થયા તે સમયે વનતંત્ર માટે સ્થાનિક માલધારીઓ જ માહિતી પુરી પાડતા હતાં.
     
    નિંભર વનતંત્રની હવામાં વાતો-ભારે પુર આવશે તો સિંહોને ઉંચાણમાં દોરી જઇશું

    એક વર્ષનો સમય વિતી ગયો છતાં ક્રાંકચની સીમમાં ખારાપાટમાં જ્યાં શેત્રુજીના પુર કાયમ રેળાય છે તે વિસ્તારમાં સાવજોની રક્ષા માટે ઉંચા ટિલા બનાવવા  બાબતે વનતંત્રએ ઘોર બેદરકારી સેવી છે. જે સ્થિતી એક વર્ષ પહેલા હતી તે જ સ્થિતી અત્યારે પણ છે. સાવજો કુદરતના આ મારને ભુલીને ફરી ક્રાંકચ વિસ્તારમાં આવી તો ગયા પરંતુ વનતંત્ર દ્વારા તેની સુરક્ષા માટે આજદિન સુધીમાં કોઇ નક્કર પગલા લેવાયા નથી. ક્રાંકચ પંથકમાં વધારાના ટ્રેકરોની નિમણુંક જરૂર કરાય છે પરંતુ તે સાવજોની રક્ષાના બદલે લોકોને સિંહદર્શન કરાવવામાં વધુ ધ્યાન આપતા હોવાનું જણાય રહ્યુ છે. એકંદરે સાવજો માટે સ્થિતીમાં કોઇ ફર્ક પડયો નથી. શેત્રુજીમાં જો ફરી ભારે પુર આવશે તે આ સાવજોનું મોત નક્કી છે.
     
    સાવજો કંઇ ઘેટા-બકરા છે કે દોરીને દુર લઇ જશો

    ભારે પુરના સંજોગોમાં સાવજોને ઉંચાણવાળા વિસ્તારમાં ખસેડવાની વનતંત્રની વાહયાત દલીલ સામે સિંહપ્રેમીઓમાં ભારે રોષ છે. એક વખત વરસાદ પડયા બાદ જે દુર્ગમ વિસ્તારમાં જવુ પણ મુશ્કેલ છે તે વિસ્તારમાં પહોંચી સાવજોને સલામત સ્થળે વનતંત્ર પહોંચાડશે તેવા વન અધિકારીઓ દ્વારા કરાતા દાવા સામે સિંહપ્રેમીઓ રોષ સાથે જણાવે છે કે સાવજો શું ઘેટા-બકરા છે કે તમે દોરીને લઇ જશો.

No comments: