Thursday, June 30, 2016

જૂનાગઢ: દૂરથી સિંહ જેવો અવાજ સંભળાયો, જઇને જોયું તો યોગી શીર્ષાસનમાં હતા


  જૂનાગઢ: દૂરથી સિંહ જેવો અવાજ સંભળાયો, જઇને જોયું તો યોગી શીર્ષાસનમાં હતા
  AdTech Ad
 • Nimish Thakar, Junagadh
 • Jun 13, 2016, 21:48 PM IST
  જૂનાગઢ: ગિરનારનું જંગલ એટલે દત્ત ભગવાનની ભૂમી. અહીં અનેક દૃષ્ય-અદૃશ્ય સંત મહાત્મા, યોગીઓ, હઠયોગીઓનો વાસ છે. જેમની ઉમરનો અંદાજ લગાવવો સુદ્ધાં મુશ્કેલ બને એવા યોગીઓ અહીં તપશ્ચર્યામાં લીન હોય છે. ક્યારેક કોઇને અાવા યોગીઓનો ભેટો થઇ જાય ખરો. વનકર્મીઓ સતત જંગલમાંજ રહેતા હોઇ તેઓને આવા અનુભવો વધુ થતા હોય છે.

  આ વાત છે ગત શિવરાત્રિનાં આગલા દિવસની. જૂનાગઢમાં દક્ષીણ ડુંગર રેન્જમાં ફરજ બજાવતા સંજય ગોસ્વામી એ વખતે ગિરનારનાં જંગલમાં નખલીવાળા ભાગમાં ફેરણું કરતા હતા. મહાશિવરાત્રિનાં મેળા કે ગિરનારની પરીક્રમા વખતે સિંહ-દિપડા જેવા વન્ય પ્રાણીઓ રોડ પર કે માનવ વસ્તી તરફ આવી જાય તો તેમને ટ્રેક કરી પાછા જંગલ તરફ મોકલવાની કામગિરી વનકર્મચારીઓ 24 કલાક કરતા હોય છે. સંજયભાઇ કહે છે, મહાશિવરાત્રિનો આગલો દિવસ હતો. હાલ રૂપાયતન પછી આવતી ભાવનાબેન ચીખલીયાની વાડી તરફનાં જંગલ વિસ્તારમાં છીપર ભાગમાં હું ફેરણું કરતો હતો.

  સાંજે છ વાગ્યાનો સમય હતો. એ વખતે મને અચાનકજ ઘરઘરાટી જેવો અવાજ સંભળાયો. સીંહનાં મોઢામાંથી જેવી ઘરઘરાટી નિકળે એવો એ અવાજ હતો. આથી સ્વાભાવિકપણેજ હું એ તરફ ગયો. અને દૂરથી જોતાં ત્યાંજ ઉભો રહી ગયો. એક મહાત્મા શીર્ષાસનની મુદ્રામાં હતા. અવાજ તેમના મોઢામાંથી આવતો હતો. તેમણે મને જોયો કે નહીં એની ખબર નથી. પરંતુ તેમનું તેજ એવું હતું કે હું તેઓની નજીક ન જઇ શક્યો. મેં મારા મોબાઇલમાં તેમના ફોટા પાડ્યા અને  વિડીયો શુટીંગ પણ ઉતાર્યું. વીસેક મિનીટ સુધી ત્યાં રહ્યો. પછી તેઓ પોતાની સાધના કરતા હશે. આથી ડીસ્ટર્બ ન કરવા જોઇએ માની ત્યાંથી હું નિકળી ગયો.

  થોડે દૂર જઇ મેં વોકી ટોકી પર મારા સાથી મિત્રોને વાત કરી. અને તેઓને જો તેમના દર્શન કરવા હોય તો એ વિસ્તારમાં આવી જવા કહ્યું. જોકે, તેઓ ઘણા દૂર હતા. અાથી ન આવ્યા. દરમ્યાન મેં અમારા એ વખતનાં ડીએફઓને કહ્યું, તેઓ આવ્યા. અમે બંને ફરી વખત એ સ્થળે ગયા. પરંતુ હું ત્યાંથી નિકળ્યાને માંડ અડધી કલાક થઇ હશે. પરંતુ બીજી વખતે તેઓ અમને ત્યાં જોવા ન મળ્યા. તેઓ જ્યાં હતા. એ સ્થળ પર જઇને જોયું તો જમીન એકદમ સાફ હતી. આ અનુભવ યાદ કરું તો આજેય રૂંવાડાં ઉભા થઇ જાય છે.

  એજ વખતે મોરારિબાપુની માનસ રૂખડ ચાલુ હતી
   
  સંજય ગોસ્વામીને જે દિવસે અનુભવ થયો એ દિવસો દરમ્યાન એજ વિસ્તારમાં મોરારિબાપુની રામકથા માનસ રૂખડ ચાલુ હતી. તેમને જેનો ભેટો થયો એ મહાત્માને જોઇને કોઇપણ બોલી ઉઠે મોરારિબાપુએ રૂખડની જે રૂપરેખા રજૂ કરી એ રૂખડ તે આ?

No comments: