Thursday, June 30, 2016

ચંદનની હેરાફેરી કૌભાંડઃ પરવાનગી વગર ચંદનના વૃક્ષો કાપનાર 4 ખેડૂતો દંડાયા

પોલીસે કબજે કરેલાં ચંદનનાં લાકડા
AdTech Ad
  • Bhaskar News, Savarkundala
  • Jun 18, 2016, 01:11 AM IST

પોલીસે કબજે કરેલાં ચંદનનાં લાકડા
ધારીઃ સાવરકુંડલા નજીકથી પકડાયેલા 50 લાખની કિંમતના ચંદનના લાકડાની હેરફેરના કૌભાંડ બાદ વનતંત્ર છેક જ્યાથી ચંદનનુ લાકડુ કપાયુ હતુ ત્યાં સુધી પહોંચી તો ગયુ પરંતુ નબળા કાયદા સામે આજે તંત્ર પણ લાચાર નઝરે પડયુ હતું. ગેરકાયદે ચંદનના વૃક્ષો કપાવનાર ચાર ખેડૂતને વનતંત્રએ આજે કુલ મળીને રૂા. 35 હજારનો દંડ ફટકાર્યો હતો અને ચારેયને જામીન પર મુક્ત પણ કરી દીધા હતાં.

ધારીના ખોખરા ગામની સીમમાંથી પાછલા પાંચ વર્ષો દરમીયાન મોટા પ્રમાણમાં ચંદનના વૃક્ષોનું ગેરકાયદે કટીંગ થયુ છે અને તપાસનું પગેરૂ શોધતા શોધતા વનતંત્રની ટીમ આ તમામ ખેડૂતો સુધી પહોંચી ગઇ હતી. દરમીયાન ડીએફઓ કરૂપ્પાસામીની સુચનાથી આજે આરએફઓ બી.કે. પરમાર, સ્ટાફના મુળુભાઇ ઓડેદરા વિગેરેએ આ ખેડૂતો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. વનતંત્ર દ્વારા ખોખરા મહાદેવના વિનુગીરી સોમગીરી ગૌસ્વામી, રાજેશગીરી ગજરાજગીરી ગૌસ્વામી, લાભુગીરી મોજગીરી ગૌસ્વામી અને જ્યંતીગીરી તીરથગીરી ગૌસ્વામી નામના ચાર ખેડૂતની અટક કરી હતી.

આ ચાર ખેડૂત દ્વારા તેમની વાડીમાંથી વનતંત્રની કોઇપણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદે ચંદનના વૃક્ષોનું કટીંગ કરાયુ હતું અને સાવરકુંડલામાંથી ઝડપાયેલા શખ્સને તેનું વેચાણ કર્યુ હતું. આજે લાભુગીરી ગૌસ્વામીને રૂા. પાંચ હજારનો અને બાકીના ત્રણેય ખેડૂતને રૂા. 10-10 હજારનો દંડ મળી કુલ રૂા. 35 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વનતંત્રએ દંડની રકમ વસુલ કરી ચારેયને જામીન પર મુક્ત કર્યા હતાં.
 
પાલીતાણાનો વેપારી પાંચ વર્ષથી ખરીદતો હતો કપાયેલા ચંદનના લાકડા

અમરેલી જીલ્લામાં ચંદનના વૃક્ષોના વેપારનો ગેરકાયદે કાળો કારોબાર મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે અને જેમ જેમ તપાસ આગળ ચાલતી જાય છે તેમ તેમ ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. જેસરના સનાળા ગામનો અરવિંદ કનુભા સરવૈયા નામનો શખ્સ કારમાં 50 લાખની કિંમતના 300 કિલો જેટલા લાકડા લઇને જતો હતો ત્યારે સાવરકુંડલા તાલુકા પોલીસે તેને ઝડપી લીધો હતો. આગળની તપાસ સ્થાનિક આરએફઓ મોર ચલાવી રહ્યા છે.
 
હજુ પણ ઉભા છે 350થી વધુ ચંદનના વૃક્ષો

વન વિભાગની જુદી જુદી ટુકડી આજે પણ તપાસ માટે ખોખરા ગામે દોડી ગઇ હતી. ધારી નજીક આવેલા ખોખરા ગામની સીમમાં જુદી જુદી વાડીઓમાં વિડીયો શુટીંગ સાથે સર્વે કરવામાં આવતા હજુ પણ 350થી વધુ ચંદનના વૃક્ષો અહિં ઉભા હોવાનું જણાયુ હતું અને છેલ્લા પાંચ વર્ષ દરમીયાન ગામની સીમમાંથી જુદા જુદા તબક્કે ચંદનના 60 જેટલા વૃક્ષો કપાયા હતાં. કપાયેલા આ વૃક્ષોના થડ હજુ પણ જુદા જુદા ખેડૂતની વાડીઓમાં ઉભા છે. વન તંત્ર દ્વારા તેની નોંધ પણ કરવામાં આવી હતી. હવે ખોખરા ગામ સિવાય આજુબાજુના ગામોમાં પણ ક્યાય ચંદનના વૃક્ષો છે કે કેમ ω તે દિશામાં પણ તપાસ થશે.

દરમિયાન વનતંત્રની તપાસમાં એવી વિગત પણ ખુલી હતી કે ધારી પંથકમાંથી કપાયેલુ ચંદનનુ લાકડુ પાલીતાણાના વેપારીને વેચી નાખવામાં આવતુ હતું અને આ વેપારી દ્વારા તેનું જુદા જુદા વિસ્તારોમાં વેચાણ કરાતુ હતું. જેને પગલે વનતંત્ર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ચંદનના કેટલા વૃક્ષો કપાયા? અને તેનું કેટલુ લાકડુ પાલીતાણાને વેપારીએ ખરીદ્યુ. આ લાકડુ ત્યાથી કોને કોને વેચાયુ?  આ કૌભાંડમાં હજુ વધુ કોણ કોણ સંડોવાયેલુ છે? વિગેરે બાબતોનો તાળો મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. મુખ્યસુત્રધાર વન વિભાગ માટે હાથવગો હોવાનું મનાય છે.
 
કપાયેલા ઝાડમાંથી પણ ઉગી નિકળ્યા વૃક્ષો

ખોખરાની સીમમાં ચંદનના વૃક્ષો કાપી વેચી નાખનાર ખેડૂતોએ વૃક્ષ કાપ્યા બાદ તેના ઠુંઠા યથાવત ઉભા રહેવા દીધા હતાં. છેલ્લા પાંચ વર્ષ દરમીયાન સતત કટીંગ ચાલ્યુ હોય અગાઉ કપાયેલા ચંદનના વૃક્ષોના થડમાંથી નવા વૃક્ષો પણ ફુટી નિકળ્યા છે. આટલા લાંબા સમય સુધી અહિં તંત્રનું ધ્યાન ગયુ ન હતું.

માત્ર 1 હજારના મણના ભાવે ખરીદી ગયો ચંદન

પોલીસ તંત્રએ ચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યા બાદ આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ગણી ભલે રૂા. 50 લાખની કિંમતની હેરફેર ઝડપી પાડ્યાનો દાવો કર્યો હોય પરંતુ આ કૌભાંડના મુખ્ય સુત્રધાર અરવિંદ સરવૈયાએ તો ચંદનનુ આ લાકડુ પાણીના ભાવે ખરીદ્યાનું ખુલ્યુ છે. ખેડૂતોએ તો જાણે તે બળતણના ભાવે વેચ્યુ હતું. આ શખ્સ માત્ર રૂા. એક હજારના મણના ભાવે ચંદનનું લાકડુ અહિંથી લઇ જતો હતો.

દરેકની વાડીમાંથી બે-બે વૃક્ષો કપાતા જેથી કોઇ બાતમી જ ન આપે

ચંદનની ગેરકાયદે હેરફેરનું નેટવર્ક બખુબી ચાલાકીપૂર્વક થતુ હતું. ગામમાં અનેક ખેડૂતની વાડીમાં ચંદનના વૃક્ષો છે. કોઇ એક જ ખેડૂત પાસેથી ખરીદી થાય તો બીજા ખેડૂત તંત્રને બાતમી આપી દે તેવું બની શકે. જેથી ચાલાકી પૂર્વક જેથી પાસે ચંદનના વૃક્ષો છે તે તમામ ખેડૂતો પાસેથી વારાફરથી બે-ત્રણ બે-ત્રણ વૃક્ષોના લાકડાની ખરીદી થતી હતી.

ચંદનના વધુ નવ લાકડા ઝડપાયા

વનતંત્ર દ્વારા કરાતી તપાસમાં આજે ખોખરાના રમેશગીરી ગજરાજગીરી બાવાજી નામના ખેડૂતના ઘરમાંથી ચંદનના કપાયેલા લાકડાના નવ ટુકડા મળી આવ્યા હતાં. આ ટુકડા ધારી વનતંત્રના હવાલે કરવામાં આવ્યા છે.

No comments: