Saturday, September 29, 2018

સરકાર ઘોર નિંદ્રામાંઃ ગીરમાં 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12 સિંહના મોત

Divyabhaskar.com | Updated - Sep 21, 2018, 10:30 AM

સિંહબાળ સહિત મૃત્યું પામેલા સિંહોના મોત અલગ-અલગ કારણોથી થયા હોવાનું પ્રાથમિક તારણ

અમદાવાદઃ ગુજરાતની શાન સમા સિંહની ગીરના જંગલમાં ચિંતા ભરી સ્થિતી, છેલ્લા 11 દિવસમાં 12 સિંહોના મોત થયા છે. અમરેલીના ધારી નજીક પૂર્વ ગીર વિસ્તારમાં 6 સિંહ બાળ સહિત 12 સિંહોના 11 દિવસમાં મોત થયા છે. સરકાર ઘોર નિંદ્રામાં ઉંઘે છે અને ટપોટપ સિંહો મરે છે. વનવિભાગે આજે સતાવાર જાહેરાત કરી હતી કે 12 સિંહોના મોત થયા છે.
આ સિલસિલો દસ દિવસ પહેલાં શરૂ થયો હતો

ગીરપૂર્વની દલખાણીયા રેન્જમાં જ છેલ્લા 11 દિવસ દરમિયાન 12 સાવજોનાં મોત થયાની ઘટના બહાર આવતા હાહાકાર મચ્યો છે. સાવજોની રક્ષામાં નિષ્ફળ વન અધિકારીઓએ સાવજોના મોતની આ ઘટના છુપાવવા તનતોડ પ્રયાસ કર્યો હતો જે ઘણી શંકા ઉપજાવે છે. ચાર સાવજો અને ત્રણ સિંહબાળનાં મોત બિમારીના કારણે થતા સાવજોમાં કોઇ ભેદી વાઈરસ ફેલાયાની શંકાએ પણ તપાસ જરૂરી બની છે. આ સિલસિલો દસ દિવસ પહેલાં શરૂ થયો હતો. જયાં એક સિંહણને પામવા સિંહે તેના ત્રણ બચ્ચાને મારી નાખ્યા હતા. દરમિયાન આટલા સમયગાળામા અલગ અલગ સ્થળે ત્રણ બચ્ચા બિમાર હાલતમા મળતા સારવાર માટે બે બચ્ચાને જસાધાર એનીમલ કેર સેન્ટરમા ખસેડાયા હતા. જયારે એકને જુનાગઢ ઝુમા ખસેડાયુ હતુ. જયાં ત્રણેયનુ મોત થયુ હતુ.
છેલ્લા ચાર દિવસના ગાળામા ચાર અલગ અલગ સ્થળેથી ત્રણ સિંહણ અને એક સિંહના મૃતદેહ મળી આવ્યા હતા. જે તમામ સાવજોના મોત ફેફસા અને લીવરમા ઇન્ફેકશનના કારણે થયાનુ જણાયું હતુ. જયારે ગઇકાલે એક મૃતદેહ કોહવાયેલી હાલતમા મળ્યો હતો. તે એટલી હદે કોહવાયેલો હતો કે મૃતદેહ સિંહનો છે કે સિંહણનો તે પણ નક્કી થઇ શકયુ નથી. આ 11 સાવજો પૈકી ત્રણ સિંહબાળના મોત ઇનફાઇટમા થયા છે. બાકીના તમામ આઠ મોતને કોઇને કોઇ બિમારી કારણભુત જણાય છે. ત્યારે સવાલ એ ઉઠયો છે કે શું આ વિસ્તારના સાવજોમા કોઇ ભેદી વાયરસ તો ફરી નથી વળ્યો ને ?. દલખાણીયા રેંજમા જો આ સીલસીલો ચાલુ રહેશે તો આ રેંજમાથી સાવજો નામશેષ થઇ જશે.

સિંહોનાં અકુદરતી મોત રોકો : નથવાણી

જો સિંહોને ઝેર આપીને કે વીજળીના ઝટકાથી મારી નાંખવામાં આવ્યા હોય તો આવી ઘટનાઓની સંખ્યા અને પ્રમાણ ભયજનક સ્તરે પહોંચે એ પહેલાં તેને સખત હાથે અટકાવવી જોઇએ. ભૂતકાળની જેમ જો શિકારીઓની ટોળકીનો જો આમાં હાથ હોય તો આવી ટોળકીઓને ખુલ્લી પાડી તેની ઉપર સખત હાથે કામ ચલાવવું જોઇએ. ગીરનાં એશિયાટિક સિંહો દુર્લભ અને મૂલ્યવાન છે. તેમનાં અકુદરતી મોતને સહન ન કરાય. તમામ વન્યજીવ પ્રેમીઓએ ભેગા મળી આ કીંમતી પ્રાણીઓનાં અકુદરતી મોતની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઇએ. વનમંત્રી અને સંબંધિત અધિકારીઓએ આ ઘટનાની યુદ્ધનાં ધોરણે તપાસ કરી સખત પગલાં લેવા જોઇએ. - પરિમલ નથવાણી, રાજ્યસભાના સાંસદ
માહિતી, તસવીર: જયદેવ વરૂ, અમરેલી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-11-dead-in-11-days-including-six-lion-babies-im-amreli-gujarati-news-5959963-NOR.html

No comments: