Saturday, September 29, 2018

સાવજોને બચાવવા પીપાવાવથી દામનગર સુધી રેલવે ટ્રેક ફરતે 68 કરોડની તાર ફેન્સીંગની યોજના અધવચ્ચે અટકી

Divyabhaskar.com | Updated - Sep 29, 2018, 02:01 AM

બર્બટાણા સુધી જ કામ થયુ : હજુ પણ માલગાડીઓ સાવરકુંડલા, લીલીયા, દામનગર પંથકમાં સાવજો માટે ખતરારૂપ

Amreli - સાવજોને બચાવવા પીપાવાવથી દામનગર સુધી રેલવે ટ્રેક ફરતે 68 કરોડની તાર ફેન્સીંગની યોજના અધવચ્ચે અટકી
અમરેલી જિલ્લામા છેલ્લા પાંચ વર્ષથી ટ્રેન હડફેટે સાવજોના મોતનો સીલસીલો ચાલી રહ્યો છે. વર્ષ 2014થી અત્યાર સુધીમા 16 સાવજોના મોત ટ્રેન હડફેટે થઇ ચુકયા છે. સરકાર દ્વારા મોટા ઉપાડે 68 કરોડના ખર્ચે રેલવે ટ્રેકની બંને બાજુ તાર ફેન્સીંગની યોજના અમલમા મુકવામા આવી હતી. પરંતુ માત્ર પીપાવાવથી બર્બટાણા સુધી જ ફેન્સીંગનુ કામ કરાયુ છે. આ ફેન્સીંગ છેક દામનગર સુધી કરવાની હતી. પરંતુ સિંહોના મોતના મુદ્દે ઉહાપોહ સમી જતા હવે તે દિશામા ધ્યાન પણ અપાતુ નથી.

અમરેલી જિલ્લામા રેવન્યુ વિસ્તારમા વસતા સાવજો પર સતત ખતરો મંડરાતો રહે છે. પછી તે દલખાણીયા રેંજમા ફેલાયેલા રોગચાળાની સ્થિતિ હોય કે ક્રાંકચ પંથકમા શેત્રુજીના ભારે પુર હોય, ભુતકાળમા નખ માટે શિકારની ઘટના હોય કે પુરપાટ ઝડપે પીપાવાવ જતી આવતી માલગાડીઓ હોય. સાવજોનુ સંરક્ષણ કરવા માટે સાવજોના મોતની ઘટના નિવારવી જરૂરી છે. ખાસ કરીને માલગાડી નીચે સાવજો કચડાઇ મરે તે ઘટના ર્દુભાગ્યપુર્ણ છે. વર્ષ 2014મા માલગાડી હડફેટે સાવજોના મોતની સૌથી વધુ ઘટના બની હતી. અને આ મુદે ભારે ઉહાપોહ થતા સરકાર દ્વારા પીપાવાવ પોર્ટથી છેક દામનગર સુધી રેલવે ટ્રેકની બંને બાજુ તાર ફેન્સીંગ લગાવવાની યોજના જાહેર કરાઇ હતી.

આ યોજના અંતર્ગત સાવજો રેલવે ટ્રેક પર આવી ન શકે તે રીતે તાર ફેન્સીંગનુ કામ અપાયુ હતુ. રૂપિયા 68 કરોડના ખર્ચે પીપાવાવથી લઇ છેક દામનગર સુધી આ તાર ફેન્સીંગ બનાવવાની હતી. કારણ કે સાવજો સૌથી વધુ પીપાવાવ પંથક, સાવરકુંડલા અને લીલીયા તાલુકામા રહે છે. લીલીયા પંથકના સાવજો અવારનવાર છેક દામનગર સુધી લટાર મારી આવે છે. અને જે રીતે સાવજોની વસતિ વધી રહી છે તે જોતા હવે દામનગર પંથકમા સાવજોનો કાયમી વસવાટ હોય તે દિવસો દુર નથી. ત્યારે દામનગર સુધી તાર ફેન્સીંગ ખુબ જ જરૂરી છે.

જો કે વનતંત્ર દ્વારા પીપાવાવ પોર્ટથી બર્બટાણા સુધી રેલવે ટ્રેક ફરતે તાર ફેન્સીંગ કરાયુ છે. અહી મહુવાથી આવતી પેસેન્જર ટ્રેનવાળી લાઇન પણ જોડાય છે. અહીથી થોડે આગળ સુધી તાર ફેન્સીંગ કરી કામ અટકાવી દેવાયુ છે. શું તંત્ર સાવજોના વધુ મોતની રાહ જોઇ રહ્યું છે.

રેલવે તંત્ર નહી પરંતુ રાજય સરકારની હતી યોજના

પીપાવાવ પોર્ટવાળી લાઇન પોર્ટની પોતાની રેલ લાઇન છે. સાવજોના મોત આ રેલવે ટ્રેક પર થતા હોવા છતા પોર્ટ દ્વારા કોઇ મહત્વના સાવચેતીના પગલા લેવાયા ન હતા. બલકે આ તાર ફેન્સીંગ રાજય સરકાર દ્વારા કરવામા આવ્યું છે. તસ્વીર: ભાસ્કર

રેલવેએ કરેલી જાહેરાતો કાગળ પર રહી ગઇ

માલગાડી હેઠળ સાવજો કચડાયા બાદ રેલવેએ અહીથી પસાર થતી માલગાડીઓ માટે અનેક નિતી નિયમો જાહેર કર્યા હતા. પરંતુ તે કાગળ પર જ રહી ગયા છે. અહી ગતિ મર્યાદા બાંધવામા આવી છે જે જળવાતી નથી. ડ્રાઇવરે સતત વ્હીસલ વગાડવાની છે. તેનો અમલ થતો નથી. અહી પસાર થનારા ડ્રાઇવરોને સાવજો અંગે માહિતગાર કરવાના હતા. પરંતુ તેવુ પણ થતુ નથી.

હવે સૌથી વધુ ખતરો સાવરકુંડલા પંથકમા઼

રાજુલા પંથકમા તાર ફેન્સીંગ થયા બાદ સાવજો પર સૌથી વધુ સાવરકુંડલા પંથકમા છે. અહી સાવજોની સંખ્યા પણ વધુ છે અને પીપાવાવવાળી રેલ લાઇન ઉપરાંત મહુવાથી આવતી પેસેન્જર ટ્રેનો પણ પસાર થાય છે. આ તમામ ટ્રેનો લીલીયા અને દામનગર પંથકમા પણ સાવજો માટે ખતરારૂપ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020146-2843138-NOR.html

No comments: