Saturday, September 29, 2018

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટઃ અમરેલી જિલ્લામાં 174 સિંહ, પરંતુ મોત માત્ર દલખાણીયા રેંજમાં જ કેમ?

Divyabhaskar.com | Updated - Sep 27, 2018, 09:34 AM

8000 હેકટર અને 3 રાઉન્ડમા ફેલાયેલી રેંજના 22માંથી 14 સિંહ મોતને ભેટયા બાદ હવે 8 સિંહોનુ નિરીક્ષણ

174 lions in Amreli district but why death is only in Dalkhina Range
અમરેલીઃ ગીરકાંઠાને અડીને આવેલી દલખાણીયા રેંજ કરમદડી, કાંગસા અને દલખાણીયા એમ ત્રણ રાઉન્ડમા ફેલાયેલી છે. 8000 હેકટર વિસ્તારમા ફેલાયેલી આ રેંજમા 22 સાવજો કાયમી વસવાટ કરતા હતા. જે પૈકી 14 સાવજનો સફાયો થઇ ગયો છે. શું ઇનફાઇટ માત્ર દલખાણીયા રેંજમા જ થતી હશે? જિલ્લાના અન્ય એકેય વિસ્તારમા સાવજોના મોતની ઘટના બની રહી નથી. માત્ર દલખાણીયા આસપાસ વિસ્તારમા જ સાવજના ધડાધડ મોત થયા હોય હવે વનતંત્રએ સિંહોની આરોગ્ય તપાસણી પણ શરૂ કરી છે.
સરસીયા વિડીમાં રોણીયો વિસ્તારમા નંખાતું મરેલા ઢોરનું મારણ બન્યું સાવજોનાં રોગચાળાનું કારણ બન્યાની શંકા

દલખાણીયા રેંજ હેઠળ સરસીયા વિડી વિસ્તાર આવે છે. આસપાસના વિસ્તારમા જયાં પણ કોઇ પશુનુ મોત થાય વનવિભાગના કર્મચારીઓ આ પશુને સરસીયા વિડીમા આવેલા રોણીયો વિસ્તારમા નાખી આવે છે. દલખાણીયા રેંજની સાવજોની ટોળી મોટાભાગે આ વિસ્તારમા પડી પાથરી રહે છે અને આવા મૃત પશુઓનુ માંસ ખાય છે. અહી સડેલા રોગિષ્ટ પશુઓના મૃતદેહ પણ ફેંકવામા આવે છે. તે ખાવાથી સાવજો બિમાર પડ્યાની સૌથી મોટી આશંકા છે.

તમામ સાવજોની તંદુરસ્તી અને લોહીના નમુનાઓની ચકાસણી થઇ રહી છે
વનવિભાગ દ્વારા પ્રથમ તબક્કે 11 સાવજોના મોત ઇનફાઇટથી થયાનુ જાહેર કરી દેવાયુ હતુ. હકિકતમા આ 11માથી 8 સાવજના મોત બિમારીથી થયા હતા. અને ત્યારબાદ વધુ ત્રણ સાવજના મોત બિમારીથી થયા છે. એટલે જ હવે આ તમામ સાવજોની તંદુરસ્તીની તપાસણી થઇ રહી છે. એટલુ જ નહી લોહીના નમુનાઓની પણ ચકાસણી થઇ રહી છે. જો મામલો ઇનફાઇટનો જ હોય તો આવી તપાસણીની કોઇ જરૂર ન હતી. હકિકત એ છે કે માત્ર આ 14 સાવજ જ નહી પરંતુ દલખાણીયા રેંજને અડીને આવેલ આંબરડી પાર્કમા પણ એક સિંહણનુ આ સમયગાળામા બિમારીથી મોત થયુ હતુ.

પતંગના માંજાનો કાચ નખાય છે મારણ પર ?

અહી કાયમ લાયન શો કરાવનારા તત્વો એવુ ઇચ્છે છે કે સાવજો દુર ન જાય. જેથી મારણ પર પતંગના માંજામા વપરાતી કાચની ભુકી છાંટવામા આવે છે. જેથી મારણ ખાધા બાદ બિમાર રહે છે અને દુર જતા નથી. જો કે આ વાતને કોઇ સતાવાર સમર્થન નથી.
સિંહ દર્શનની રોજની 5 થી 25 હજારની આવક

ગેરકાયદે સિંહ દર્શનના ગોરખધંધામા લેભાગુ તત્વો સાથે વનકર્મીઓ પણ સામેલ છે. આવા તત્વો સિંહ દર્શન દ્વારા રોજ 5 થી લઇ 25 હજાર સુધીની કમાણી કરે છે. આ માટે કોઇ પણ વિસ્તારમા મરેલા ઢોરને વનતંત્રની બોલેરો ગાડીમા નાખી રોણીયો વિસ્તારમા નાખવામા આવે છે. જેથી સાવજો અહી જ રહે. આ તમામ સાવજોના મોત પણ આ જ વિસ્તારમા થયા છે.

અગાઉ વનકર્મીની હત્યા અને હુમલાની ઘટનાઓ પણ બની હતી

ગેરકાયદે સિંહ દર્શનથી લઇ ભુતકાળમા સિંહના નખનો વેપાર અને શિકાર જેવી પ્રવૃતિઓથી આ વિસ્તાર બદનામ છે. થોડા સમય પહેલા અહી ધર્મેન્દ્રસિંહ વાળા નામના વનકર્મીની લાયન શો અટકાવવાના મુદ્દે હત્યા જેવી ઘટના પણ બની હતી. આ ઉપરાંત વનકર્મીઓ પર હુમલો, સાવજો પાછળ વાહનો દોડાવવા જેવી ઘટનાઓ અવારનવાર બની રહી છે.
જિલ્લામાં 174 સાવજો

વનતંત્રની છેલ્લી ગણતરી અનુસાર અમરેલી જિલ્લામા 174 સાવજો છે જે પૈકી 64 સિંહણ અને 30 સિંહ છે. ઉપરાંત 38 પાઠડા અને 42 બચ્ચાનો તેમા સમાવેશ થાય છે.
જિલ્લામા અન્ય વિસ્તારોમા કેટલી છે સાવજોની સંખ્યા ?

8 સાવજો વસી રહ્યાં છે મિતીયાળા અભ્યારણ્યમા
11 સાવજો વસી રહ્યાં છે પાણીયા સેન્ચ્યુરીમા
18 સાવજો રાજુલા જાફરાબાદ નાગેશ્રી વિસ્તારમા
80 સાવજો સાવરકુંડલા, લીલીયા, અમરેલી આસપાસ વિસ્તારમા
57 સાવજો ધારી,ખાંભા અને રાજુલાના ગીરકાંઠા પર
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-174-lions-in-amreli-district-but-why-death-is-only-in-dalkhina-range-gujarati-news-5962510-NOR.html

No comments: