Wednesday, July 31, 2019

બે કોલર આઇડીવાળા સિંહો માનવવસાહતમાં ઘૂસ્યા, 4 ગાય, ખૂંટ અને વાછરડાનું મારણ કર્યું

Divyabhaskar.com
Jul 02, 2019, 03:06 PM IST
ખાંભા: સિંહોની સુરક્ષા માટે હાલમાં જ GPS સિસ્ટમવાળા કોલર આઇડી પટ્ટા લગાવવામાં આવ્યા છે. પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન હોય તેવું પૂરવાર થયું છે. આવા જ બે કોલર આઇડીવાળા બે સિંહો ગત રાત્રે ખાંભામાં માનવ વસાહતમાં ઘૂસી આવ્યા હતા અને 4 ગાય, ખૂંટ અને વાછરડાનો શિકાર કરી મારણ કર્યું હતું. શહેરના લીમડીપરા, હડિયા, જીનવાડીપરા, જૂનાગામ વિસ્તારમાં રસ્તા પર રઝળતી ગાયો, ખૂંટ અને વાછરડાનું મારણ કર્યું હતું.
વન વિભાગના અધિકારીએ ફોન ન ઉપાડ્યો
ઘટના અંગે સ્થાનિક લોકોએ વન વિભાગના અધિકારી પરિમલ પટેલને સિંહો ગામમાં ઘૂસ્યા છે તે માટે ફોન કર્યો હતો પરંતુ તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. આથી ધારી ગીર પૂર્વના ડીસીએફને રાત્રે 2.10 વાગ્યે ફોન કરતા તેણે સ્થાનિક આરએફઓ પરિમલ પટેલને જાણ કરવા કહ્યું હતું. આમ વન અધિકારીઓએ એકબીજા પર ખો નાખી હતી. આખી રાત જૂનાગામ હડિયા વિસ્તારમાં સિંહોને મારણ ઉપર હાથ બતીના સહારે ટીખળખોરો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવ્યા પરંતુ વન વિભાગના એક પણ અધિકારી ડોકાયા નહીં. આથી સિંહોની સુરક્ષામાં વધારો થશે તેવા વન વિભાગના નિવેદનો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.
આઠ ફૂટની દિવાલ કૂદી વાછરડીનું મારણ કર્યું
ઉમરીયા પ્રાથમિક સરકારી શાળાની બાજુમાં રેહતા ખાટાભાઈ મસરીભાઈ તરસરિયા નામના રહીશ પોતાના પરિવાર સાથે રહે છે. ત્યારે તેમને પોતાની માલીકીની એક ગાય અને તેની વાછરડી પોતના ફરજામાં બાંધેલી હતી. ત્યારે ગત રાત્રીના એક સિંહ તેમના ઘરની આઠ ફૂટની દીવાલ કૂદી મારણ માટે પડ્યો હતો. ખીલે બાંધેલી વાછરડીનું પ્રથમ સિંહે મારણ કર્યું હતું. બાદમાં બીજા ખીલે બાંધેલી ગાય માથે સિંહે હુમલો કર્યો હતો. પરંતુ સિંહના હુમલાનો ગાયે પ્રતિકાર કરતા સિંહ ગાયને માત્ર નહોરના ઉજરાડા જ કરી શક્યો હતો. બાદમાં સિંહ પણ ભૂખ્યો હતો તેને કરેલા વાછરડીના મારણની મિજબાની માણવા લાગ્યો હતો. ગાય બાજુના ખીલે બાંધેલી હતી ત્યારે સિંહ પોતાની વાછરડીને ખાઈ રહ્યો હતો અને તેને બચાવવા રીતસરના ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ તે ખીલેથી છૂટી ન શકી.
(રિપોર્ટ-તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lion-enter-in-khanbha-and-4-cow-and-one-bull-hunt-1562043739.html

No comments: