Wednesday, July 31, 2019

દેખરેખ માટે સિંહોના ગળે પડ્યા રૂપિયા 7 લાખની કિંમતના દોઢ કિલોના રેડિયો કોલર

Five radio caller weighing 1.5 kg have been planted lions, now their watch will be watched

  • જશાધાર રેન્જમાં ત્રણ માદા અને બે નર સિંહોને રેડિયો કોલર લગાવાયા
  • ગીરમાં વિહરતાં ગ્રૂપનાં એક સિંહના ગળે પડ્યું કાયમી વજન

Divyabhaskar.com

Jul 05, 2019, 12:57 AM IST
ઉનાઃ ગીર જંગલમાં અવાર-નવાર થતાં લાયન શો પર નિયંત્રણ આવે અને સાથે સિંહોનું ગ્રૂપ હાલ કયાં - કયાં વિહરે છે, તેનો રૂટ કયો છે, વગેરે બાબતોનાં સંશોધન માટે સરકારે જર્મનીથી ખાસ રેડિયો કોલર મંગાવ્યાં છે. અદ્યતન ટેકનોલોજીથી બનેલું એક રેડિયો કોલર સીધું કંટ્રોલ સેન્ટર સાથે જોડાયેલું રહેશે. અને તેને લીધે સિંહો પણ આસાનીથી ટ્રેક થઇ શકશે. વન વિભાગે આ માટે જંગલમાં દોડવું નહીં પડે. જોકે આ રેડિયો કોલરનું વજન જે સિંહને લગાડાશે તેના માટે તો જિંદગીભર ગળે પડેલી દોઢ કિલો મુસીબત જ બની રહેનાર છે.
જર્મનથી મંગાવવામાં આવ્યા છે રેડિયો કોલર
ગીર જંગલ તેમજ જંગલની બહાર રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોની પ્રવૃત્તિ પર નજર રાખવા વન વિભાગે ઓછી દોડધામ કરવી પડશે. સિંહોની સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જર્મનથી હાઈટેક્નોલજીવાળા રેડિયો કોલર મંગાવ્યા છે, જેની અંદાજીત કિંમત 6.87 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. જેનું વજન 1.5 કિલોનું છે. હવે સિંહો દરરોજ 1.5 કિલો વજન સાથે જંગલમાં વિહરતા જોવા મળશે.
ગીરની જશાધાર રેન્જમાં પાંચ રેડિયો કોલર લગાવાયા
ગીરની જશાધાર રેન્જમાં હાલ પાંચ રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે. જેમાં ત્રણ માદા અને બે નર સિંહ છે. જેમાં ખાપટ ગામ કે જ્યાં એક સાથે નવ સિંહોનું ગૃપ છેલ્લા ઘણા સમયથી વસવાટ કરે છે, તેમાંથી એક સિંહણના ગળામાં રેડિયો કોલર લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉના તાલુકાના આમોદ્રા ગામની સીમમાં પણ સિંહોનો વસવાટ છે અને આ સિંહો છેક દરિયાઈ વિસ્તાર સુધી પહોંચી જતાં હોય ત્યાં એક નર સિંહના ગળામાં રેડિયો કોલર લગાવવામાં આવ્યું છે. તેમજ ધોકડવા વિસ્તારમાં એક સિંહણ તેમજ ગીર અભ્યારણ્ય વિસ્તારમાં એક સિંહ તથા એક સિંહણ મળીને કુલ પાંચ રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે.
રેડિયો કોલરથી સિંહોના શરીર પર અસર થતી નથી
આ રેડિયો કોલર લગાવવા માટે પ્રથમ નિષ્ણાંત વેટરનરી તબીબો દ્વારા સિંહને બેભાન કરવામાં આવે છે અને 10-15 મિનિટમાં સિંહના ગળામાં રેડિયો કોલર લગાવવામાં આવે છે. આ રેડિયો કોલર લગાવવાથી સિંહોની રૂવાટી પર કે શરીરના અન્ય ભાગમાં કોઇપણ પ્રકારની અસર ન થતી હોવાનું વન વિભાગના સુત્રોએ જણાવ્યું છે.
સિંહના મોતની ઘટનામાં મહદઅંશે ઘટાડો આવશે
રેડિયો કોલર સિંહના ગળામાં લગાડવાથી જંગલમાં વસવાટ કરતા કે રેવન્યુ વિસ્તારમાં વિહરતા સિંહો વચ્ચે ઘણી વખત ઇનફાઈટની ઘટના બનતી હોય છે. જેની વન વિભાગને તુંરત જાણ થશે. અથવા તો સિંહ બિમાર હશે તો પણ વનવિભાગ સારવાર આપવા માટે તુરંતજ સિંહ પાસે પહોંચી જશે.
(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/five-radio-caller-weighing-15-kg-have-been-planted-lions-now-their-watch-will-be-watched-1562263077.html

No comments: