Saturday, June 19, 2010

ઈજાગ્રસ્ત પક્ષી પર પાણી છાંટવું જોખમી.

Source: Bhaskar News, Anand  ઉત્તરાયણમાં પતંગથી દોરીથી કે અન્ય કોઈ કારણોસર પક્ષીઓને ઈજા પહોંચતી હોય છે, ત્યારે ઈજાગ્રસ્ત પક્ષી પર પાણીનો છંટકાવ કરવામાં આવે તો તેનું મૃત્યુ થઈ શકે છે તેમ વેટરનરી ડો. પી.વી.પરીખે આણંદ વેટરનરી હોસ્પિટલમાં યોજાયેલ તાલીમ કાર્યક્રમમાં જણાવ્યું હતું.
સમસ્ત મહાજન ટ્રસ્ટ મુંબઈના સહયોગથી આણંદ વેટરનરી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત પક્ષીઓની પ્રાથમિક સારવાર અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ, વનશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર, માનવસેવા ટ્રસ્ટ અમદાવાદ સહિત વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ જીવદયા પ્રેમીઓ અને વેટરનરી તબીબોએ ભાગ લીધો હતો.
ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરીના ડો. પી. વી. પરીખે જણાવ્યું કે સામાન્ય રીતે પક્ષીનું તાપમાન ૧૦૭ ડિગ્રી હોય છે. જયારે પક્ષીને ઈજા પહોંચે ત્યારે તાપમાન જળવાઈ રહેવું જોઈએ. પરંતુ પાણીનો છંટકાવ કરવાથી તાપમાન નીચું જતાં પક્ષીનું મૃત્યુ થઈ શકે છે. તેમજ ઈજાગ્રસ્ત પક્ષીને હાથમાં કે થેલીમાં લઇને જવું ન જોઈએ.
પક્ષીને ઈજા પહોંચે તો છેદવાળા બોક્સમાં ગાદી મૂકીને ઈજાગ્રસ્ત પક્ષીને હવા મળી શકે તે પ્રમાણે ડોકટર પાસે લઈ જવું જોઈએ. ત્યારબાદ વિવિધ વર્ગના પક્ષીને હાથમાં પકડવાની રીત બતાવવામાં આવી હતી. તેમજ પક્ષીના ઘા પર સ્પીરીટ કે ડેટોલનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપી હતી.
પક્ષીની પાંખ કયાંય તો ટાંકા કેવી રીતે લેવાય તે સંદર્ભે વેટરનરી તબીબોને તાલીમ આપવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વ ટાણે પક્ષીઓ મોટી સંખ્યામાં ઘવાતાં હોવાથી વેટરનરી કોલેજના પ્રિન્સિપાલ ડો. જે.વી.સોલંકી અને ડો. પાટીલના માર્ગદર્શન હેઠળ ડો. પરીખે પ્રેઝન્ટેશન આપ્યું હતું તેમ જ ઉત્તરાયણ પર્વે અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં વેટરનરી સ્ટુડન્ટસની ટીમ મોકલવામાં આવશે.
તાલિમ શિબિર
આણંદ વેટરનરી હોસ્પિટલમાં ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને સમસ્ત મહાજન ટ્રસ્ટ દ્વારા ધારદાર દોરીથી ઈજાગ્રસ્ત પક્ષીઓની પ્રાથમિક સારવાર માટે રાજયભરની સંસ્થાઓના કાર્યકરોને આણંદ વેટરનરી હોસ્પિટલમાં વિશેષ તાલીમ અપાઈ હતી. જેઓ ઉતરાયણના દિને આણંદ, નડિયાદ જેવા અન્ય શહેરી વિસ્તારમાં ઘાયલ પક્ષીઓને સારવાર આપશે.
Source: http://www.divyabhaskar.co.in/article/100110004022_seminar_on_injured_birds_treatment.html

No comments: