Friday, June 4, 2010

અમરેલી જિલ્લામાં ૫૪ ગીધ.

Thursday, June 03, 2010 03:42 [IST]  
Bhaskar News, Amreli
First Published 03:42 AM [IST](03/06/2010)
Last Updated 3:03 AM [IST](03/06/2010)
અમરેલી જિલ્લામાં ગીધ જાણે હવે નામશેષ થઇ રહ્યા છે. તેની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે. ચાર દિવસ પહેલા પૂર્ણ થયેલી ગણતરીમાં અમરેલી જિલ્લામાં માત્ર ૫૪ ગીધ હોવાનું નોંધાયું છે. જે પૈકી જંગલમાં તો માત્ર ચાર જ ગીધ છે. નવાઇની વાત એ છે કે જિલ્લામાં રાજુલા અને જાફરાબાદ તાલુકા સિવાય ક્યાંય ગીધ દેખાયા નહીં.

માણસને વિકાસની હરણફાળ ભરી હોવાનો ભ્રમ છે. પરંતુ વિકાસની દોટમાં પ્રકૃતિની ઘોર ખોદાઇ રહી છે. ગીધ જેવા પક્ષીઓની સંખ્યા એટલી હદે ઘટી છે કે જાણે તે નામશેષ થવા જઇ રહ્યા છે અમરેલી જિલ્લામાં તો સંખ્યા એટલી હદે ઘટી છે કે તે આંગળીના વેઢે ગણી શકાય.

જંગલખાતા દ્વારા ગત ૨૯ અને ૩૦ મી તારીખે ગીધની વસતીગણતરી હાથ ધરવામાં આવી હતી. ગણતરી દરમિયાને નાગેશ્રી પંથકમાં જુદી જુદી વાડીઓમાં ૨૮ ગીધ નજરે પડ્યા હતા. જ્યારે રાજુલા તાબાના ઝાંપોદર અને ખાખબાઇ ગામની સીમમાં જુદી જુદી વસાહતોમાં રર ગીધ મળી આવ્યા હતા.આ ઉપરાંત ગીર પૂર્વ જંગલમાં ગણતરી દરમિયાન તુલશીશ્યામ રેન્જમાં ચાર ગીધ નજરે પડ્યા હતા.

આ સિવાય ગીરની એકયે રેન્જમાં ગીધ નજરે પડ્યા ન હતા. એક સમયે ગીરમાં ગીધોની ભરમાર હતી પરંતુ સમયાંતરે વસતી ઘટતી ચાલી અને હવે સ્થિતિ એ છે કે, ગીર પૂર્વના જંગલમાં માત્ર ચાર જ ગીધ બચ્યા છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ગીર ગીધ વહિોણું બની જશે તે નક્કી છે.

જંગલ ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ મહુવા તાલુકાના દરિયા કાંઠાના ગામોમાં ૫૭ ગીધનો વસવાટ છે. રાજુલા જાફરાબાદ પંથકમાં ઓધ્યોગીકરણ વધુ પ્રમાણમાં છે છતાં ત્યાં ગીધ છે પરંતુ તે સિવાયના વિસ્તારમાં ગીધ નજરે પડતા નથી તે બાબત ઘણી સૂચક છે.

એક સમયે ગીધ વસાહતોથી જંગલ ભરપૂર હતું

ગીર પૂર્વમાં હાલમાં ભલે માત્ર ચાર ગીધ હોય પણ એક સમયે જંગલ ગીધથી ભર્યું ભર્યું હતું. આઝાદી પહેલા ગીરમાં ૭૮૨ નેસ હતા. હજજારો માલધારીઓ વસતા હતા. મરેલા ઢોર ગીધનો ખોરાક હોય તેની ભરમાર હતી. જંગલનો કાયદો કડક બનતા અને નેસડા તૂટી જતાં હાલમાં નેસની સંખ્યા જૂજ બચી છે.

માલઢોર પણ ઓછા છે. ધારીના પાણિયા પાસે તો ગીધ ખૂબ જ હતા. ગીધની ચરકના કારણે એક ડુંગરનું નામ ચરકિયો ડુંગર પડ્યું હતું. કનકાઇના પણ મોટી સંખ્યામાં ગીધ વસતા પરંતુ હવે માત્ર આ ગીધોની યાદ બચી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-only-54-vultures-in-amreli-district-of-guajrat-state-1025348.html

No comments: