Thursday, June 10, 2010 03:10 [IST]
બન્ને ઘાયલ ડાલમથ્થાનાં લોકેશન મેળવવા હડાળા નેસમાં વનતંત્રની દોડધામસિંહણને પામવા માટે બે સિંહો વચ્ચે લડાઈએ ગીર જંગલનું આમ દ્રશ્ય છે. બે સિંહોની લડાઈમાં જે સિંહ જીતે અને બિળયો પૂરવાર થાય તેની સાથે સિંહણ સંવનન કરે તે કુદરતનો ક્રમ છે. પરંતુ હડાળા નેસમાં સિંહને પામવા બે ખૂંખાર સિંહો વચ્ચે એવી લડાઈ જામી કે બંને ઘાયલ થઈ ગયા. જંગલખાતાનાં કર્મચારીઓ હવે આ બન્ને સિંહોનું લોકેશન શોધવાની મથામણમાં પડ્યા છે જેથી તેમની સારવાર કરી શકાય.
ગીર પૂર્વની હડાળા રેન્જમાં હડાળા નેસની બાજુમાં ગઈકાલે બે ખૂંખાર સિંહો વચ્ચે આ લડાઈ જામી હતી. ચોમાસામાં મદહોશ કરી દેનારા માહોલમાં સિંહણને પામવાની લ્હાયમાં આ બે સિંહો એકબીજા સાથે ટકરાયા હતા. બન્ને વચ્ચે જોરદાર લડાઈ જામી એકબીજાને માત આપવા માટે લોહિયાળ જંગ ખેલાયો. સિંહણે તો માત્ર એકબાજુ ઉભા રહી તમાશો જોયો હતો. પરંતુ બંને સિંહોને સારી એવી ઈજા પહોંચી હતી. એક સિંહને પગની પાછળની બાજુ ઘાવ પડી ગયો હતો તો બીજાને માથામાં ઘાવ પડ્યો હતો.
હડાળાના જંગલખાતાનાં કર્મચારીઓને જાણ થતાં સૌ પ્રથમ તો તેમણે આ બંને સિંહોને ખદેડી મૂક્યા હતાં. જેથી તેમના વચ્ચેનો જંગ અટકી ગયો હતો. ઘાયલ સિંહો ત્યાંથી ચાલ્યા ગયા બાદ હવે જંગલખાતાએ તેમનું લોકેશન મેળવવા દોડધામ હાથ ધરી છે.
નવાઈની વાત એ છે કે, હજુ સુધી બન્ને સિંહો ક્યાં છે તેની જાણ મળી નથી. ચોમાસામાં સિંહોના ઘાવ ઘણી વખત જીવલેણ સાબિત થાય છે. ત્યારે તેમની ઈજા કેવા પ્રકારની છે. પકડીને સારવાર કરવાની જરૂર છે કે કુદરતી રીતે જ ઘાવ રૂઝાય તેમ છે તેની જાણકારી મેળવવાની મથામણ જંગલખાતાએ શરૂ કરી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-two-lion-fight-for-get-lioness-1045445.html
No comments:
Post a Comment