Monday, June 14, 2010

ચકલીના ૪૫ માળા સાથેનું રેસ્ટોરન્ટ.

Bhaskar News, Amreli
Sunday, Apr 4th, 2010, 2:40 am [IST]
અમરેલીમાં રહેતા જયસુખભાઈ પોતાના ધંધામાંથી સમય કાઢીને ચકલીઓને ચણ અને પાણી પીવડાવવાનું ચૂકતા નથી
અમરેલીમાં સાવરકુંડલા બાયપાસ પર રહેતા જયસુખભાઇ કયાડા ગજબના પક્ષી પ્રેમી છે. અહીં તેઓ રેસ્ટોરન્ટ ચલાવે છે. ચકલીઓ સાથે તેમને ગજબનો લગાવ છે. આ વાતની જાણે ચકલીઓને પણ જાણ હોય તેમ તેમના રેસ્ટોરન્ટમાં ચકલીના ૪૫ જેટલા માળા છે. અનેક અગવડતાઓ વચ્ચે પણ તેમણે ચકલીને આશરો આપ્યો છે.
સૌથી મોટી ખુશીની વાત એ છે કે, હાલમાં લગભગ દરેક માળામાં બરચાઓ છે.
જયસુખભાઇના રેસ્ટોરન્ટમાં કોઇ પ્રવેશે તો ચકલીઓનો ચીં...ચીં...નો કર્ણપ્રિય ગુંજારવ પહેલાં સાંભળવા મળે. હાલમાં ચકલીઓ બચાવવા માટે લોકોના થોડી થોડી જાગૃતિ આવતી નજરે પડે છે. પરંતુ, તેમણે તો પાછલા પાંચ વર્ષથી ચકલીઓને અહીં આશ્રય આપ્યો છે. સવાર અને સાંજના સમયે તેમના રેસ્ટોરન્ટમાં ચકલીઓ કૂદાકૂદ-ઉડાઉડ કરતી નજરે પડશે. મુખ્ય હોલથી આગળની બાજુ રાખેલા પતરાના છજાઓમાં તેમણે ગોઠવેલા નાના-નાના બોકસમાં ચકલીઓએ પોત-પોતાના ઘર બનાવ્યા છે.
વળી ઉછળકૂદ કરતી આ ચકલીઓ પંખા સાથે અથડાઇ મોતને ન ભેંટે તે માટે તેમણે આગળની બાજુ પંખા પણ નથી રાખ્યા. જયસુખભાઇ અને તેમના પત્ની અહીં જ રહે છે. તેઓ જમવા બેઠા હોય ત્યારે ચકલાઓ ખાવા માટે નજીક આવે છે. જયસુખભાઇ પોતે પણ જમે અને ચકલીઓને પણ જમાડે. પક્ષી પ્રેમ એવો કે કાબર કાગડાને પણ ગાંઠિયા ખવડાવે. ચકલીઓ ડરપોક હોવાથી વધુ નજીક ન આવે. પરંતુ, નાના બચ્ચાઓ તો તેમની માથે પણ બેસી જાય. આ તેમનો પ્રકૃતિપ્રેમ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/04/restorant-with-45-nest-837687.html

No comments: