Friday, November 19, 2010

ગીર પંથકમાં 3.2 સહિતના 7 આંચકા.

Source: Bhaskar News, Talala   |   Last Updated 12:32 AM [IST](19/11/2010)

- ૩.૨ના બે સહિત ભૂકંપના સાત આંચકાથી ગીર પંથક ધ્રુજ્યું
- એપી સેન્ટર તાલાલાથી ૧૨ કિ.મી. દૂર: મોડીસાંજે આવેલા વધુ બે આંચકાનું એપી સેન્ટર બોરવાવ ગીર અને લુસાણા ગામ
તાલાલા સહિત ગીર પંથકના ગામડાઓ અને જંગલ વિસ્તારમાં આજે વહેલી સવારે ધરતી ધ્રુજતા લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી ગયા હતા. આજે આવેલા સાત આંચકા પૈકી બે ની તિવ્રતા ૩.૨ની નોંધાઈ છે. એ.પી.સેન્ટર સાસાણ(ગીર), હરીપુર, સુરજગઢ સાથે ગીર જંગલમાં નોંધાયું છે.
જ્યારે મોડીસાંજે સાત વાગ્યાના સુમારે વધુ બે ૨.૬ની તીવ્રતાના આંચકથી ગીર પંથકની ધરા ધણધણી ઊઠી હતી. જો કે મોડીસાંજે આવેલા આંચકાનું એ.પી. સેન્ટર બોરવાવ ગીર અને લુસાણા ગામ હોવાનું જાણવા મળે છે. આમ સાત આંચકાથી દિવસભર ગીર પંથકની ધરા ફરી ધ્રૂજયાના બનાવથી લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. ગીર પંથકમાં શિયાળાની શરૂઆતથી જ ધરતીકંપના આંચકા આવવા લાગે છે. આજે સવારે ૭:૧૭ કલાકે ૩.૨ની તીવ્રતાના ભારે આંચકાથી ધરતી ધણધણવા લાગતા ઉંઘી રહેલા લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી ગયા હતા. આંચકાનું એ.પી.સેન્ટર તાલાલાથી ૧૨ કિ.મી.દૂર નોંધાયું હતું.
વહેલી સવારે આવેલા આંચકાથી બજારો ખુલતા અને દેવસ્થાનોમાં દર્શન કરવા આવેલા લોકો ચર્ચા કરતા હતા. ત્યાં ફરી ૯:૨૧ કલાકે ૨.૨ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ફફડી ઉઠયા હતા. બાદમાં અડધો કલાકના અંતરે વધુ બે હળવા આંચકા આવતા લોકોના માનસપટ ઉપર ભૂકંપનો ભય છવાઈ ગયો હતો અને સમગ્ર પંથકમાં ભૂકંપની જ ચર્ચા થઈ રહી હતી.
બપોરે જમવાના સમયે લોકો પોતપોતાના ઘરોમાં હોય ત્યારે ૧૨:૫૫ કલાકે ફરી ૩.૨ની તીવ્રતાના જોરદાર આંચકા સાથે ધરતી હલબલવા લાગતા લોકો જમવાની થાળીઓ મુકી ઘરની બહાર ખુલ્લામાં દોડી ગયા હતા. આ આંચકાનું એ.પી.સેન્ટર સાસણ અને સુરજગઢ ગામ વચ્ચેના જંગલ વિસ્તારમાં નોંધાયું હતું.
શિયાળાની શરૂઆત સાથે જ ભૂકંપના આંચકાની હારમાળા શરૂ થતા લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું હતું. આજે આવેલા આંચકા તાલુકાના આંકોલવાડી, હડમતીયા, બોરવાવ, સાસણ, હરીપુર, હિરણવેલ, આંબળાશ સહિતની ચારેય દિશાના ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવાયા હતા.
વિસાવદર પંથકમાં પણ હળવા આંચકા -
વિસાવદર તાલુકાનાં રતાંગ, લીમધ્રા, લીલીયા, બરડીયા સહિતનાં ગામોમાં આજે બપોરનાં ૧૨.૫૭ મીનીટે ધડાકા સાથે ભુંકપના હળવા આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો.
જુની ફોલ્ટ લાઈન સક્રિય -
આજે આવેલા આંચકાનું એ.પી.સેન્ટર મોટા ભાગે ગીર જંગલ તરફ હોય તાલાલા તાલુકાના જંગલ વિસ્તારથી લઈ વિસાવદર, મેંદરડા તાલુકાના જંગલ સમીપના રતાંગ, લીમધ્રા, સુરજગઢમાં પણ આંચકા અનુભવાયા હતા. ગીર પંથકમાં ૨૦૦૬માં આવેલા ભયાનક ભૂકંપ વખતે ભારે તબાહી સર્જાઈ હતી. ત્યારે એ.પી.સેન્ટર ગીરજંગલના ખોખરા વિસ્તારમાં નોંધાયું હતું.
મજૂરો સેન્ટિંગના માંચડા ઉપરથી કૂદી ગયા -
તાલાલામાં મજુરો નવા બની રહેલા મકાનનો સ્લેબ ભરવાનું કામ કરી રહ્યાં હતા. ત્યાં આંચકા આવતા સ્લેબ માટે ગોઠવેલા સેન્ટીગના માંચડા હલબલતા ઉપર રહેલા મજૂરો રેતીના ઢગલામાં કુદી ગયા હતા.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-7-shock-of-earthquake-with-3-1562412.html

No comments: