Tuesday, November 30, 2010

રક્તચંદન નિકાસ કૌભાંડ, કસ્ટમ્સ એક્સાઈઝના બે સુપ્રિ.ની સંડોવણી.

રાજકોટ તા.૨૮
મુંદરા પોર્ટ પરથી મમરા અને વેફર ભરેલા હોવાના નામે દુબઈ નિકાસ કરવામાં આવેલા કન્ટેનરમાંથી રૂ.૪ કરોડની કિંમતના રકતચંદનનું લાકડું ઝડપી લીધા બાદ નિકાસકાર નિલેશ સીયાણીની ઘરપકડ કરવામાં આવી છે. આ ગેરકાનુની કામ કરવા માટે ભૂજ એકસાઈઝ રેન્જના સુપ્રિ. મુંદરા કસ્ટમ્સના સુપ્રિ.તથા એક પ્રોબેશન ઈન્સ્પેકટરને રૂપિયા આપ્યા હોવાનું નિલેશે સ્ફોટક સ્ટેટમેન્ટ આપતા ખળભળાટ મચી ગયો છે.
  • એક ઈન્સ્પેકટર પણ સંડોવાયેલો : હજુ પણ તોળાતી વધુ ધરપકડ
મુંદરા પોર્ટ પર શીપીંગ એજન્ટના માણસ એવા દક્ષિણ ભારતીય શખ્સ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવતી હતી. બંને સુપ્રિ.રાજકોટ એકસાઈઝ કમિશનોરેટના હોવાથી આ પ્રકરણમાં ડી.આર.આઈ.ટુંકસમયમાં ધગધગતો રિપોર્ટ પેરેન્ટ કમિશનોરેટ આપશે તેમ જણાઈ રહ્યુ છે.ગાંધીધામ ડી.આર.આઈ. દ્વારા જયારથી રકતચંદનના લાકડાના કન્ટેનરને ઝડપવામા આવેલ છે ત્યારથી સંદેશ દ્વારા આ સ્ટફ કન્ટેનરમાં એકસાઈઝ અને કસ્ટમ્સના અધિકારીઓની મીલીભગત હોવાનું અહેવાલ આપવામા આવતા હતા તે અઃક્ષરશ સાબિત થઈ રહ્યુ છે. ડી.આર.આઈ. દ્વારા જેલહવાલે કરવામાં આવેલ નિલેશ સીયાણીની ઘરપકડ કરવામા આવ્યા બાદ તેણે ડી.આર.આઈ.સમક્ષ જણાવેલ છે કે, આ પ્રથમ શીપમેન્ટ નથી. આ પહેલા પણ સાત શીપમેન્ટ થઈ ચૂકયા છે. દર વખતે ફેકટરી સ્ટફીંગ કરવામાં આવતું હતું. પ્રિ-પ્લાન મુજબ તમામ કાર્યવાહી પુર્ણ કરવામા આવતી હતી. સૌ પ્રથમ ભુજ એકસાઈઝ રેન્જના સુપ્રિ.ને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતાં. તેમનો ઈતિહાસ પણ ખરડાયેલો છે. કેમ કે,  આ પહેલા પણ જયારે તેઓ કાસેઝમાં ફરજ બજાવતા હતા ત્યારે સી.બી.આઈ. દ્વારા તેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કોઈના આર્શીવાદથી કે, ગમે તે રીતે છેલ્લા આઠ વર્ષથી માત્ર કચ્છમાં જ ફરજ બજાવી રહ્યા છે. ખરડાયેલો ઈતિહાસ હોવા છતાં તેમને સેન્સેટીવ મનાતી ભુજ રેન્જમાં પોસ્ટીંગ કેમ આપવામા આવ્યું તે પણ એક તપાસનો વિષય છે.
ભુજ રેન્જ સુપ્રિ.સાથે સેટીંગ થઈ ગયા બાદ ડીપાર્ટમેન્ટ માટે નવા નિશાળીયા મનાતા એવા પ્રોબેશન પર રહેલા ઈન્સ્પેકટરને કામગીરી કરવાની હતી અને તે પણ ગાંધીછાપના કારણે વિના સંકોચે કામગીરી પુર્ણ કરી દેતો હતો. કન્ટેનર સીલ કરવામા આવ્યા બાદ સીધું જ મુંદરા જતું હતું. જયાં પણ રાજકોટ કમિશનોરેટમાંથી કસ્ટમ્સમાં ડેપ્યુટેશનમાં ગયેલા સુપ્રિ. દ્વારા કાંઈ પણ વિચાર કર્યા વગર સીધો લેઈટ એક્ષપોર્ટ ઓર્ડર(એલ.ઈ.ઓ.) આપી દેવામાં આવતો હતો. ત્યારબાદ શીપીંગ એજન્સીમાં કામ કરતા અને બહું ટુંકાસમયમાં લાખો રૂપિયામાં આળોટવા માંડેલા દક્ષિણ ભારતના શખ્સ દ્વારા કન્ટેનરને જહાજમાં લોડ કરવામા આવતું હતું.આ કામગીરી કરવા માટે તેને ખોબલા મોઢે રૂપિયા આપવામા આવતા હોવાનું જાણવા મળેલ છે.એક રીતે જોઈએ તો નિકાસકાર કરતા અધિકારીઓની જવાબદારી પ્રથમ ફીકસ થાય છે કારણ કે જેમના શીરે ગેરકાનુની કામ રોકવાની જવાબદારી છે તેઓ દ્વારા જ જો આર્િથક લાભ માટે થઈને કામ કરે તો પ્રથમ તેઓ સામે કડક પગલા લેવા જરૂરી બને છે.
ડી.આર.આઈ.દ્વારા ટુંકસમયમાં સંડાવાયેલ એકસાઈઝ-કસ્ટમ્સના સ્ટાફ બાબતે રાજકોટ એકસાઈઝ કમિશનોરેટને રિપોર્ટ કરવામા આવનાર છે અને ત્યારબાદ રાજકોટ એકસાઈઝ કમિશનર દ્વારા ખાતાકીય પગલા લેવામાં આવશે
આ પહેલા સાત કન્ટેનર નિકાસ થઈ ચુકયા છે
રાજકોટ તા.૨૮
ડી.આર.આઈ.દ્વારા દુબઈથી પરત મંગાવવામા આવેલ ભુજની નિકાસકાર પેઢીના મમરા અને વેફરના કન્ટેનરમાંથી આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે રૂ.૪ કરોડનું રકતચંદનનું લાકડું ઝડપાયા પહેલા સાત કન્ટેનર મુંદરા પોર્ટ પરથી નિકાસ થઈ ચુકયા હોવાનું જેલહવાલે કરવામા આવેલ નિલેશ સીયાણી દ્વારા ડી.આર.આઈ.ને આપેલા નિવેદનમાં જણાવેલ છે.ત્યારે ડી.આર.આઈ.દ્વારા અગાઉ કોની સાથે નાણાકીય વ્યવહાર કરીને પ્રતિબંધિત લાકડાની નિકાસ કરવામા આવી હતી તેની તપાસ કરવામા આવી રહી છે કે પછી અગાઉના શીપમેન્ટમાં પણ એકસાઈઝ-કસ્ટમ્સના સ્ટાફને વિશ્વાસમાં લઈને કામ કરવામા આવ્યું હતું
નિલેશ સીયાણી દ્વારા ભુજની સંસ્થાને રૂ.૫૦ લાખનું દાન
રાજકોટ તા.૨૮
રકતચંદનના લાકડાની દાણચોરી કરવાના કેસમાં ડી.આર.આઈ.એ જેલહવાલે કરેલા ભુજના માધાપરના નિકાસકાર નિલેશ સીયાણી દ્વારા ભુજની એક સંસ્થાને ચેરેટી કામ માટે રૂ.૫૦ લાખ રોકડાનું દાન આપવામા આવેલ હોવાનું જાણવા મળેલ છે.જોકે ડી.આર.આઈ.ને આ બાબતમાં ઓછો રસ છે કારણ કે આ મામલો આવકવેરાનો છે એટલે કદાચ આવકવેરાને જાણ કરવામા આવશે અથવા તો આવકવેરા,એકસાઈઝ અને કસ્ટમ્સની આર.ઈ.સી.ની મીટીંગમાં આ મુદાની ચર્ચા કરવામા આવશે તેમ જાણકાર વર્તુળો જણાવી રહયા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=242366

No comments: