Friday, November 19, 2010

નવજાત ગલૂડિયાને બચાવવા કોબ્રાને ફાડી ખાતી કૂતરી.

બચ્ચાને બચાવવા ૨૦ મિનિટ સુધી કૂતરી અને સાપ વચ્ચે ચાલેલી લડાઈમાં સાપનું મોત
પોરબંદર - માતૃત્વની મધમીઠી છત્રછાયા સામે ભલભલા ઝેરીલાઓને પરાજય ખમવો પડે છે અને જો માતા પાસેથી તેના સંતાનોને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવે તો કયારેક આવો પ્રયાસ કરનારને મૃત્યુ પામવાની પણ ફરજ પડે છે. તે પ્રકારનો એક કીસ્સો પોરબંદરના વિસાવાડા ગામે બન્યો છે જેમાં અત્યંત ઝેરીલા કોબ્રા જાતિના સાપે એક કુતરીના બચ્ચા સામે નજર બગાડતા કુતરીના શક્તિશાળી માતૃત્વ સામે આ સાપની હાર થઈ છે અને તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
વાત જાણે એમ બની છે કે, પોરબંદરથી ૩૦ કી.મી. દુર હર્ષદ રોડ પર આવેલા વિસાવાડા ગામે પાણી પુરવઠા બોર્ડના સમ્પ તથા ટેન્કની ઓરડી પાસે એક કુતરીએ ગલુડીયાઓને જન્મ આપતા આ ગલુડીયાને ઓરડીમાં તેની માતા સાથે આશરો આપવામાં આવ્યો હતો પરંતુ ત્યાં આજુબાજુના જંગલ વિસ્તારમાંથી ચાર ફુટતી વધુ લંબાઈ ધરાવતો અને અત્યંત ઝેરીલો કોબ્રાસાપ આવી ચડયો તથા કુતરીના નાના- નાના ગલુડીયાઓને જોઈને મોઢામાં પાણી આવવા લાગ્યું અને જેવો તે બચ્ચા પાસે સરકયો કે ઓરડી બહાર ઉભેલી કુતરી માતાને તેના માતૃત્વએ હાકલ પાડી હોય તેમ તુરંત જ અંદર આવી પહોંચી હતી અને સાપ બચ્ચાને શીકાર બનાવે તે પહેલા તો કુતરીએ પોતાનો જીવ જોખમમાં મુકીને સીધી જ સાપ ઉપર તરાપ મારીને પોતાના દાંત વડે સાપને કરવડા લાગી હતી.
પોતાના ઉપર હુમલો થતાં સાપ પણ ગુસ્સામાં લાલઘુમ બનીને ફુંફાડા મારી કુતરીને દંશ મારવા કોશીષ કરવા લાગ્યા પરંતુ ઝેરીલા સાપના ઝેર સામેની આ લડાઈમાં માતૃત્વનો જ વિજય થવો નિશ્ચિત હોય તેમ બન્ને વચ્ચે ૨૦ મીનીટ સુધી ખેલાયેલા યુધ્ધમાં ખુબજ ઈજાગ્રસ્ત બનેલા કોબ્રાના પેટમાંથી આંતરડા બહાર આવી જતાં તે પોતાનો જીવ બચાવવા ફયુઝ પાસેના વિજયવાર ઉપર જઈ ચડયો હતો.
એ સમયે જ પાણી પુરવઠા બોર્ડના કર્મચારી નાગાજણભાઈ એભાભાઈ પરમારની નજર આ સાપ અને કુતરી ઉપર જઈ ચડતા તેમણે પોરબંદર પક્ષી અભ્યારણ્યના આર.એફ.ઓ. કનેરીયાને જાણ કરી હતી તેમણે પોરબંદરના સ્નેકકેચર પરેશ પીત્રોડા તથા જંગલખાતાના કર્મચારી સુાકભાઈ કારાવદરાને તુરંત વિસાવાડા પહોંચી જવા સુચના આપતા આ બન્ને ત્યાં પહોંચી ગયા હતા અને ઘવાયેલા સાપને માંડ માંડ પકડીને પોરબંદરના પક્ષી અભ્યારણ્ય સુધી લાવ્યા હતા જયાં તેમને જાણીતા સર્પવિદ ડો. સિધ્ધાર્થ ખાંડેકરે સર્પનો જીવ બચાવવા મેજર ઓપરેશન હાથ ધર્યું અને આંતરડા તથા લીવરને પુનઃ સાપના શરીરની અંદર નાખીને કોટન વિંટાળી ટાંકા લીધા હતા આમ છતાં સર્વપ્રેમીઓની અડધી કલાકની તેનો જીવ બચાવવાની જહેમત અને સંઘર્ષ નિષ્ફળ ગયા હોય તેમ આ કોબ્રા સાપનું હેવી ઈન્જરી ને કારણે મોત નિપજયું હતું. જંગલખાતાના કર્મચારીઓએ મરેલા સાપની અંતિમવિધિ કરી હતી.
Source: http://www.gujaratsamachar.com/20101119/gujarat/ahd4.html

No comments: