Wednesday, November 17, 2010

એક વિદેશી આલેખે છે ગિરનારનો ઈતિહાસ.

Source: Arjun Dangar, Junagadh   |   Last Updated 12:07 AM [IST](07/11/2010)

- ઓસ્ટ્રેલિયાનાં કીટકશાસ્ત્રીએ ગ્રંથમાં ગિરનારનાં તમામ નામો, સ્થળો સહિતની નાનામાં નાની વિગતો આવરી લીધી છે
ગિરનાર પર્વતનાં નામ કેટલા એ વિશે બહુ ઓછા જુનાગઢવાસીઓ જાણતા હશે, તેનો ઈતિહાસ ઘણો રોમાંચક છે. ત્યારે હવે ઈતિહાસને મૂર્ત સ્વરૂપ આપવાનું કામ એક વિદેશીના હસ્તે થઇ રહ્યું છે. જી, હા ઓસ્ટ્રેલીયાનાં કીટકશાસ્ત્રી ડૉ. જહોન વેઇનર ‘‘જુનાગઢ અને ગિરનાર’’ નામનો એક અંગ્રેજી સંદર્ભ ગ્રંથ તૈયાર કરી રહ્યાં છે.
૨૨ વર્ષ પહેલા સૌપ્રથમ વખત જુનાગઢની ધરતી પર પણ મુક્યા બાદ જુનાગઢ પ્રત્યે તેના હૈયામાં અનન્ય લાગણી જન્મી છેલ્લાં બે વર્ષ પહેલા તેના મનમાં આ ગ્રંથ તૈયાર કરવાનો વિચાર સ્ફૂર્યો. ૫૫ વર્ષીય ડૉ. જહોન વેઇનરે ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા જણાવ્યું કે મને ગિરનાર અને જુનાગઢ પ્રત્યે અતુટ લાગણી બંધાઈ ગઇ છે. છેલ્લાં ઘણા વર્ષોથી આ પર્વત જબરદસ્ત ઐતિહાસીક વારસો ધરાવતો હોવાનું સ્પષ્ટ થયા બાદ તેના વિશે કંઇક લખવાની ઇચ્છા થતી હતી. છેલ્લાં બે વર્ષ દરમિયાન તેને સાકાર કરવાનું કામ મેં આરંભી દીધું.
તેઓ કહે છે કે, એ માટે મેં અનેક વખત ગિરનારની મુલાકાત લીધી છે. આજે તમામ સ્થળોએ હું ફર્યો છું. ત્યાંથી વિગતો એકત્ર કરી. જુનાગઢ શહેરમાં પણ અનેક લોકોની મેં મુલાકાત લીધી છે. તેઓનાં આધ્યાત્મીક અનુભવોનાં પ્રસંગો સાંભળ્યા છે. અને તેને મારા ગ્રંથમાં સમાવ્યા છે. વિગતો એકઠી કરવા માટે તેમણે એડવોકેટ હરીશ દેસાઇ, પરિમલ રૂપાણી, નિરંજન જોષી સહિતનાંઓની મુલાકાત પણ લીધી હતી.
જહોને આ ગ્રંથમાં જુનાગઢનો ઈતિહાસ ગિરનારના તમામ નામો, જોવાલાયક સ્થળોથી માંડીને નાનામાં નાની વિગતોનો સમાવેશ કર્યો છે. એ માટે તેઓએ અનેક પુસ્તકોનો સંદર્ભ ટાંકયો છે. ગ્રંથમાં એટલી વિગતો સમાવાઇ છે કે, જેનો એક સરેરાશ જુનાગઢવાસીઓને ખ્યાલ નહીં હોય.
એક વર્ષ બાદ તેઓ આ ગ્રંથ પ્રસિદ્ધ કરશે તેઓ કહે છે કે, જુનાગઢ અને ગિરનાર વિશે તમામ લોકોને માહિતી હોવી જોઇએ અને વધુમાં વધુ લોકો અહીં આવવા જોઇએ. જહોનને ભવનાથ, ગિરનારના તમામ સ્થળોના નામો કંઠીત છે.
- ડૉ. જહોન પરિક્રમા કરશે
ડૉ. જહોન વેઇનરે કહ્યું કે, આ વખતે હું ગિરનારની પરિક્રમા કરવાનો છું. બાકી ગિરનારનાં તમામ સ્થળો જોયા છે. અહીં બધુ જ છે બસ બાકી છે માત્ર મોક્ષ.
- અનેક ગ્રંથોનો અભ્યાસ
ડૉ.જહોન વેઇનરે આ ગ્રંથ તૈયાર કરવા માટે મહાભારત, રામાયણ, ત્રણ વેદ સહિતનાં અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. આ ગ્રંથમાં નરોત્તમ પલાણની નવલકથા ‘‘હું હું’’ પણ ઉલ્લેખ છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-foreigner-described-girnar-history-1524562.html

No comments: