Wednesday, November 17, 2010

ગિરનાર પરિક્રમા રૃટ પર ૬૦ થી વધુ જગ્યાએ અન્નક્ષેત્રો ધમધમી ઉઠયા.

જૂનાગઢ, તા.૧૬
ગિરનાર પરિક્રમા આ વર્ષે પણ વહેલી શરૃ થઈ જતા પરિક્રમાના માર્ગ પર આશરે ૬૦ જેટલા અન્નક્ષેત્રો ધમધમી ઉઠયા છે. શિવરાત્રિનો મેળો હોય કે ગિરનાર પરિક્રમા, ભાગ લેવા આવતા ભાવિકોને ભોજન કરાવવાની પ્રસિદ્ધ પ્રણાલી અનુસાર સૌરાષ્ટ્રભરમાંથી સેવાભાવિ સંસ્થાઓ કાર્યકરોની ફોજ સાથે દિવસો સુધી ગિરિતળેટીમાં અન્નક્ષેત્રો રૃપી સેવા પ્રવૃતિ ચલાવે છે.ગિરનાર પરિક્રમામાં પ્રાચિન સમયમાં યાત્રિકો સાથે જ કાચુ રાશન લઈને આવતા અને પાંચ દિવસ સુધી જાતે જ રસોઈ બનાવીને ભોજન કરતા હતાં. પરંત સમયના વહેણની સાથે આ પ્રથા છેલ્લા કેટલાક વર્ષોથી બદલાઈ ગઈ છે. અને સેવાભાવિ સંસ્થાઓ દ્વારા પરિક્રમાના ૩૬ કિ.મી.ના માર્ગ પર અન્નક્ષેત્રો ચલાવવામાં આવે છે. જેમા લાખ્ખો યાત્રિકોને ભોજનની સુવિધા આપવામાં આવે છે. જેથી યાત્રિકોને ભોજન માટેની કોઈ સામગ્રી ઘરેથી લાવવી પડતી નથી. વનવિભાગના સુત્રોના કહેવા પ્રમાણે આ વખતે પરિક્રમા માર્ગ પર આશરે ૬૦ જેટલા અન્નક્ષેત્રો શરૃ કરવામાં આવ્યા છે. સાથે સાથે પાણીના પરબ અને ચા માટે ૪૦ જેટલા નાના સ્ટોલ પણ ઉભા કરાયા છે. રાજકોટના ખોડિયાર મંડળ દ્વારા જીણાબાવાની મઢી અને બોરદેવી, શિવદરબાર આશ્રમ દ્વારા સૌથી વિકટ સ્થળ માળવેલાની ઘોડી, ભોજલરામ મંડળ દ્વારા બોરદેવી, મોરબીના શાંતિવન આશ્રમ દ્વારા જીણાબાવાની મઢી, જય ગિરનારી મંડળ દ્વારા બોરદેવી વગેરે સંસ્થાઓ વિવિધ વિસ્તારોમાં ભાવિકોના પ્રવાહને ધ્યાને લઈને અત્યારથી જ અન્નક્ષેત્રો શરૃ કરી દેવામાં આવ્યા છે. અને આજે સાંજ સુધીમાં લાખ્ખો ભાવિકોએ ભોજન પણ કર્યું છે.અન્નક્ષેત્રોમાં છ થી સાત દિવસ માટે યાત્રિકોને ભોજન કરાવવા માટે હજ્જારો કાર્યકરોની ફોજ પણ સંસ્થાઓની સાથે હોય છે. અને જાણે કે પોતાના સ્વજનો હોય તેવી રીતે તમામ યાત્રિકોને શક્ય એટલું સારૃ ભોજન પ્રેમથી પીરસવામાં આવી રહ્યું છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=239291

No comments: