Friday, November 19, 2010

પરિક્રમામાં પ્રદૂષણથી સસ્તન પ્રાણીઓ-કિટકો પર ખતરો.

 જૂનાગઢ, તા.૧૭
ગિરનારની પરિક્રમામાં સમયની સાથે આવેલા પરિવર્તનમાં પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને પ્લાસ્ટિક અને સાબુ-ડિટર્જન્ટ જેવા પદાર્થોના વપરાશને કારણે જંગલના પશુઓ તથા પક્ષીઓ અને કિટકો પર ગંભીર અસર પડી રહી છે. ત્યારે અભયારણ્યમાં વસતી જીવસૃષ્ટિને બચાવવા માટે યાત્રિકો દ્વારા જ જાગૃતિ દાખવવામાં આવે તેવી અપીલ વન્યપ્રેમીઓ દ્વારા કરવામાં આવી છે.
ગિરનાર અભયારણ્યમાં હાલમાં ૩૮ જાતના સસ્તન પ્રાણીઓ, ૩૭ પ્રકારના સરિસૃપો, રપ૦ જાતના પક્ષીઓ, ર૦૦૦ પ્રકારના કિટકો અને પ૬૭ પ્રકારની વનસ્પતિ છે. આટલી વિવિધતા ધરાવતા જંગલમાં પરિક્રમાના છ થી સાત દિવસ દરમિયાન લાખ્ખો યાત્રિકો આવે છે. એકાદ દાયકાથી પરિક્રમામાં પ્લાસ્ટિકનો વપરાશ પણ બેફામ હદે વધી રહ્યો હતો. જો કે વનવિભાગ દ્વારા પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ પરિક્રમા બાદ વિદ્યાર્થીઓના સફાઈ અભિયાનમાં સેંકડો કિલો પ્લાસ્ટિક મળી આવે છે.
નદી-નાળાઓમાં સાબુ અને ડિટર્જન્ટ પાઉડરના ઉપયોગથી પાણી દૂષિત થતા પણ વન્ય સંપદાને નૂકશાન થઈ રહ્યું છે. વર્ષોથી ચાલી આવતી પૌરાણીક પરંપરા અનુસાર પરિક્રમા થતી રહે તે વ્યાજબી છે. પરંતુ તેના ભોગે વિનાશ કેટલા હદે વ્યાજબી છે ?? ત્યારે આવી નૂકશાનકારક વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ અને પરિક્રમા બાદ તંત્ર પણ વ્યવસ્થા ગોઠવે તે જરૃરી બન્યું છે. દરમિયાન, રૈવતગિરિ નેચર ક્લબના ડી.આર.બાલધા અને એ.વી. પુરોહિતે પણ ભાવિકોને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અને ૩૩ કરોડ દેવતાના સ્થાનને સ્વચ્છ રાખવાની અપીલ કરી છે. તેમજ પર્યાવરણની જાળવણી કરવા અનુરોધ કર્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=239636

No comments: