Tuesday, November 23, 2010

ગીરમાં સિંહણોનો પ્રસૂતિનો સમય ઢૂંકડો.

Source: Jayesh Gondiya, Una   |   Last Updated 1:51 AM [IST](22/11/2010)

>> જંગલ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોની રંજાડ ઓછી થશે
ગીરના જંગલમાં આવતા અઠવાડિયામાં જ બાળ સિંહોનું ‘ઉંવા ઉંવા’ સંભળાવા લાગશે. ચોમાસાના સંવનનકાળ દરમિયાન ગર્ભવતી બની એ સિંહણોને પુરા દિવસો ચાલી રહ્યા છે. બે-ચાર દિવસમાં જ સિંહણોનો પ્રસૂતિનો સમય શરૂ થઇ રહ્યો છે. ડિસેમ્બરના અંત સુધીમાં તમામ સિંહણો બચ્ચાઓને જન્મ આપી દેશે અને તેના ત્રણ મહિના બાદ નવા સિંહ બાળોની ઉછળકુદ અને તોફાન મસ્તીથી જંગલ ફરી એક વખત હર્યું ભર્યું બની જશે.
વનખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ જન્મ આપવા માટે તૈયાર થઇ ગયેલી સિંહણો ધીમે ધીમે દેખાતી બંધ થઇ ગઇ છે. સિંહણ ગર્ભ ધારણ કર્યા બાદ ૯૫ થી ૧૦૫ દિવસે જન્મ આપે છે. એ સમય આવી પહોંચ્યો છે.
અમરેલીના ડી.એફ.ઓ. મનશિ્ર્વર રાજાના જણાવ્યા અનુસાર બચ્ચાંને જન્મ આપવા માટે સિંહણ અવાવરું-સલામત સ્થળે શોધે છે. બચ્ચાનો માણસો કે દીપડા, ઝરખ, શિયાળ જેવા અન્ય જંગલી પ્રાણીઓ શિકાર ન કરી શકે એવા સ્થળે સિંહણ બચ્ચાંને જન્મ આપે છે. જન્મ આપ્યા બાદ એક મહિના સુધી સિંહણ બચ્ચોની સાથેને સાથે રહે છે અને ત્યારબાદ ત્રણ-ચાર મહિના સુધી નજીકના સ્થળોએ જ શિકાર માટે જાય છે.
આ સંજોગોમાં ગીરના જંગલમાં ફરવા જતાં પર્યટકો માટે સિંહ દર્શન દુર્લભ બનશે. જંગલમાં સાવજો મોટી સંખ્યામાં જોવા મળશે. બીજું એક કારણ વરસાદ તથા ઠંડી છે. આવા વાતાવરણમાં સાવજો જંગલના બહાર ટહેલવા નથી નીકળતા. આ સંજોગોમાં ગીર જંગલ આસપાસના ગામડાઓમાં સિંહની રંજાડમાં થોડા સમય માટે રાહત રહેશે.
>> સિંહબાળોનો મોટો મૃત્યુ દર
સિંહણ પોતાના બચ્ચાઓને બચાવવા લાખ કોશિશ કરે તો પણ કુદરતનો ક્રમ થોડો ઘાતકી છે. સિંહબાળોમાં મૃત્યુ દર ખૂબ મોટો હોય છે. કેટલાંક સિંહબાળ બિમારીને કારણે મૃત્યુ પામે છે. કેટલાક કિસ્સામાં જે તે જુથનો નર સિંહ બચ્ચાંને મારી નાંખે છે જેથી સિંહણ ફરી હીટમાં આવે. સિંહણ શિકાર કરવા ગઇ હોય ત્યારે પાણી ભરેલા ખાડાઓમાં ડૂબી જવાને કારણે પણ કેટલાક સિંહબાળ મોતને શરણ થાય છે.
>> ગર્ભવતી સિંહણોને લોકેટ કરવાની કવાયત
સિંહણ સામાન્ય રીતે અવાવરૂ અને દુર્ગમ સ્થળે બચ્ચાંને જન્મ આપે છે. એ સ્થળ સુધી પહોંચવું મુશ્કેલ તેમજ જોખમભર્યું હોય છે. જો કે ગર્ભવતી સિંહણો અંગે વનતંત્ર પાસે નક્કર માહિતી હોય છે. તેના આધારે સ્થાનિક સ્ટાફ દ્વારા આવી સિંહણોના લોકેશન શોધવા પ્રયત્ન કરવામાં આવે છે. સિંહણ કે તેના નવજાત બચ્ચાનું રક્ષણ કરવાના હેતુથી તંત્ર દ્વારા આ કવાયત કરવામાં આવે છે.
>> બચ્ચાવાળી સિંહણ હિંસક બની જાય છે
બચ્ચાને જન્મ આપ્યા પછી સિંહણની પ્રકૃતિમાં ફેરફાર થાય છે. બચ્ચાની સુરક્ષા માટે ચિંતિત રહેતી સિંહણ એક મહિના સુધી તો તેની સાથે જ રહે છે. બચ્ચા ત્રણ-ચાર મહિનાના થયા પછી જ માતા સાથે ફરવા નીકળે ત્યારે તેની પાસે જવાની હિંમત માનવી માટે જોખમી સાબિત થઇ શકે છે. બચ્ચાવાળી સિંહણ માનવી ઉપર હુમલો કરી શકે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-delivery-time-nearly-in-gir-1572515.html?HF=

No comments: