Wednesday, November 17, 2010

૮ દાયકા પહેલા પરિક્રમા માટે પાંચ દિવસ ફાળવવા પડતા.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 11:45 PM [IST](16/11/2010)

પગપાળા ભવનાથ જઇ, રાતવાસો કરી બાદમાં પરિક્રમા શરૂ કરાતી
ગરવા ગઢ ગીરનારની પાવનકારી પરિક્રમામાં આજે અન્નક્ષેત્રો, રાશન-શાકભાજીની દુકાનો, સંદેશાવ્યવહારનાં સાધનો વધ્યાં છે. લોકોએ સામાન પ્રમાણમાં ઓછો લઇ જવો પડે છે. પરંતુ આજથી આઠ દાયકા પહેલાં પરિક્રમા કરવી હોય તો ઓછામાં ઓછા પાંચ દિવસ ફાળવવા જ પડતા.
જીવનસંધ્યાએ પહોંચેલા જૂનાગઢનાં વડીલો પોતાનાં વડીલો કેવી રીતે પરિક્રમામાં જતા તેના વિશે માંડીને કહે છે, એ વખતે ભવનાથ જવા આજની જેમ રીક્ષા ન મળતી. ભવનાથ જવા ગાડું બાંધવું પડતું. ગીરનારની પરિક્રમા કરવા પાંચ દિવસનું રાશન, શાક, મસાલા, તેલ, વાસણો, કપડાં, વગેરે સાથે લઇ જવા પડતા. ભવનાથમાં લોકો રાતવાસો કરતા. એ વખતે ત્યાં પણ ગાઢ જંગલ હતું. રાત્રિનાં સમયે તાપણું પેટાવવું પડે. ભાવિકો એ વખતે પ્રથમ પડાવ ભવનાથમાં, બીજો ઝીણાબાવાની મઢી પાસે, ત્રીજો માળવેલા પાસે, ચોથો બોરદેવી પાસે અને પરત આવી ભવનાથમાં પાછો એક રાતવાસો કરી ત્યારબાદ પરત આવતા. આજે તો મોટાભાગનો માર્ગ પહોળો અને માટી પાથરેલો હોય છે.
ભવનાથ સુધી તો વાહનો જાય છે. યાત્રાળુઓને ઘોડી ચઢતી વખતે રોડ સાઇડે વિસામો કરવા મળે છે. પરંતુ એ વખતે માર્ગ કેડી જેવો જ હતો. ભૂલા પડી જવાનો ભય પણ રહેતો. પીવાનાં પાણી માટે જોકે, ઝરણાંની સંખ્યા ઘણી વધુ હતી. વળી યાત્રાળુઓની સંખ્યા પણ મર્યાદિત રહેતી હોઇ ગંદકીનું પ્રમાણ ઓછું રહેતું. ઝીણાબાવાની મઢી પહેલાં આવતી નદી પસાર કરવા એ વખતે પુલ નહોતો. કમર સુધીનાં પાણીમાંથી પસાર થવું પડતું. આજે ગીરનારનાં જંગલમાં ઠેકઠેકાણે વનકર્મીઓ જોવા મળે. યાત્રાળુઓનાં કોલાહલને લીધે સિંહ-દીપડા જેવા રાની પશુઓ પરિક્રમા માર્ગથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. પરંતુ ત્યારે એવું નહોતું.
પરિક્રમાર્થીએ પોતાનાં જૂથની સાથે જ રહેવાનું. આજે અન્નક્ષેત્રોમાં ભોજન મળી રહે છે. લોકોને બહાર જમવામાં છોછ નથી. પરંતુ એ વખતે તો બહારનું કશું ખવાય નહીં એવી મોટાભાગનાં લોકોની આસ્થા રહેતી. આથી ભોજન જાતે જ ન્હાઇ, મંગાળા માંડીને રાંધવાનું રહેતું. ચાલતી વખતે અણિયાળા પથ્થરો અને ખડકાળ જમીન પર ઝડપથી ચાલી પણ ન શકાય. ૧૦-૧૫ કિલો વજન એક વ્યક્તિ આરામથી ઉંચકી શકતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-5-days-arranged-for-parikrama-before-8-decade-1555549.html

No comments: