Tuesday, November 23, 2010

પરિક્રમા રૃટ પર માવા-ગુટકાના પ્લાસ્ટિકનો સૌથી વધુ કચરો !!

જૂનાગઢ, તા.ર૧
ગિરનાર અભયારણ્ય અને પર્યાવરણની જાળવણી માટે પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓ તેમજ પાન-માવા ગુટકા લઈ જવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેમા યાત્રિકો પ્લાસ્ટિકની થેલીઓ તો ખાસ નહોતા લઈ ગયાં. પરંતુ અત્યારે પરિક્રમા પુરી થયા બાદ જંગલમાં સૌથી વધુ માવા અને ગુટકાના પ્લાસ્ટિકનો કચરો વેરણ છેરણ પડયો છે !!
પરિક્રમા બાદ વનવિભાગની બેદરકારીના બહાર આવેલા નમૂનાની વનપ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહેલી ફરિયાદો અનુસાર જંગલના રક્ષણ માટે પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ હતો. અને યાત્રિકો આ વાતને ધ્યાને લઈને ખાસ પ્લાસ્ટિક જંગલમાં લઈ પણ ગયા નહોતાં. પરંતુ સાથે સાથે પાન-માવા અને ગુટકાના પ્રતિબંધના સરેઆમ લીરા ઉડયા છે. જંગલ વિસ્તારમાં સમગ્ર પરિક્રમા રૃટ પર અત્યારે માવાના પ્લાસ્ટિકના કાગળ ઉડી રહ્યા છે. અને સાથે સાથે ગુટકાના ખાલી રેપરો પથરાયેલા પડયા છે.
પ્લાસ્ટિકનો આ કચરો જીણો હોવાથી તેને એકત્ર કરવો પણ મુશ્કેલ બની જાય છે. અને પવનની સાથે ઉડીને અત્યારે આ પ્લાસ્ટિક જંગલમાં દૂર દૂર સુધી ફેલાઈ ચૂક્યું છે. દર વખતે પરિક્રમામાં વનવિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. પરંતુ આ વર્ષે આવું કોઈ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું નહોતું. વ્યસનીઓ મોટા પ્રમાણમાં ગુટકા અને માવા જંગલમાં લઈ ગયા હતાં. તો રૃટ પર જ કેટલાક સ્થળોએ છૂટથી માવા અને ગુટકા વેંચાયા પણ હતાં. છતાં વનવિભાગના ધ્યાને આ બાબત આવી નહોતી. ત્યારે હવે જંગલને થયેલા નૂકશાન માટે જવાબદાર કોણ ? જેવો વેધક સવાલ વન્યપ્રેમી પ્રજાજનોમાંથી ઉઠી રહ્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=240584

No comments: