Monday, November 13, 2017

સિંહ પાછળ બાઇક દોડાવનારા 4 ઝડપાયા, વિડીયો 7 માસ જૂનો


Bhaskar News, Junagadh | Last Modified - Nov 10, 2017, 01:22 AM IST
માળિયાનાં બાબરાવિડીમાં સિંહની પાછળ બાઇક દોડાવી હતી
+4 બીજી સ્લાઈડ્સ જુઓ
જૂનાગઢ: તાજેતરમાંજ જંગલમાં સિંહોની પાછળ બાઇક દોડાવી તેને હેરાન કરતા યુવાનોનો વિડીયો વાઇરલ થયો હતો. આથી વનવિભાગે તપાસ હાથ ધરી હતી. અને આખરે આ 4 યુવાનોને ઝડપી લીધા છે. આ યુવાનોમાં જયેશ લખમણભાઇ પટાટ (ઉ. 21), અજય પરબતભાઇ વાળા (ઉ. 18), ભીમજીભાઇ અરજણભાઇ વાળા (ઉ. 22, રે. ત્રણેય બાબરા, તા. માળિયા હાટીના) અને અકુર હર્ષદભાઇ પડશાળા (ઉ. 22, રે. રાજકોટ, મૂળ હેમાળ તા. જાફરાબાદ)નો સમાવેશ થાય છે.
વનવિભાગની પુછપરછમાં આ વિડીયો 7 માસ જૂનો અને તે બાબરાવિડીનો હોવાનું પણ સ્પષ્ટ થયું છે. ચારેય સામે વનવિભાગે ગુનો નોંધ્યો છે. બનાવની તપાસ એસીએફ ખટાણા ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ ચારેય સિંહોની અવરજવરવાળા વિસ્તારમાંજ વસવાટ કરતા હોવાથી તેઓને સિંહની કોઇ નવાઇ નહોતી. વળી તેઓ જાણે છે કે, આ રીતે પાછળ બાઇક દોડાવીશું તો સિંહ સામો નહીં થાય. નાની વયનાં હોવાથી તેઓને આ બાબતની ગંભીરતા નહોતી. આથી તેઓ ગુનો આચરી બેઠા.
ચારેયને 7 વર્ષ સુધીની સજા થઇ શકે
બાબરા વિડીમાં સિંહો પાછળ બાઇક દોડાવનાર ચારેય યુવાનો પર વન્ય પ્રાણી અધિનિયમ 1972 ની કલમ 2, 9, 50, 51 મુજબ ગુનો નોંધાયો છે. આવતીકાલે ચારેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ગુના હેઠળ વધુમાં વધુ 7 વર્ષની સજાની જોગવાઇ છે. જોકે, વિડીયો 7 માસ જૂનો હોઇ વનવિભાગે તેને છાવર્યાની ચર્ચા ઉઠી હતી. જોકે, વનવિભાગનાં કહેવા મુજબ, આ ગંભીર પ્રકારનો ગુનો હોઇ છાવરવાનો કોઇ પ્રશ્નજ ઉઠતો નથી.

No comments: