Wednesday, November 15, 2017

અમરેલીઃ સિક્યોરિટી ગાર્ડની સિંહ સાથેની સેલ્ફીનો વીડિયો થયો વાયરલ

Jaydev Varu, Amreli | Last Modified - Nov 11, 2017, 02:00 AM IST
આ વીડિયો વાયરલ થતાં વનતંત્રની કાર્યશૈલી સામે પ્રશ્નો ખડા થઇ રહ્યાં છે.
પરપ્રાંતિય કર્મચારીઓ ગેરકાયદે સિંહ દર્શન કરતાં રહે છે
રાજુલા: જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલી સિન્ટેક્સ કંપનીના અધિકારીઓ હવે સાથે સિંહ સાથે સેલ્ફીના વિવાદમાં સપડાયા છે. આજે સોશ્યલ મીડિયામાં કંપનીના સિક્યુરિટી હેડ અને સિક્યુરિટી ઓફિસર સિંહ સાથે ફોટા પડાવતા હોય તેવો વીડિયો વાયરલ થતા વનતંત્રની દોડધામ શરૂ થઈ હતી. ડીએફઓએ આ અંગે તાકીદે તપાસનો આદેશ કરતા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

લુણસાપુર સિન્ટેક્સ કંપની કે તેના અધિકારીઓ પાછલા ઘણા સમયથી સતત કોઈને કોઈ વિવાદમાં સપડાયેલી રહે છે. કંપનીના અધિકારીઓના કારનામા સતત ચમકતા રહે છે. હવે કંપનીના અધિકારીઓ ગેરકાયદે સિંહ દર્શન કરતા હોય અને સિંહ સાથે સેલ્ફી પડાવતા હોય તેવો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. સિંહ સાથે આ રીતે ફોટા પડાવવા તે ગુનો બનતો હોવાનું જાણવા છતાં અધિકારીઓ દ્વારા આ કૃત્ય થતાં સિંહપ્રેમીઓ રોષે ભરાયા છે. જાણવા મળતી વિગત અનુસાર લુણસાપુરની કંપનીના સિક્યુરિટી હેડ પી.બી. ચૌધરી તથા સિક્યુરિટી ઓફિસર રાજેશ મિશ્રાનો આ વીડિયો વાયરલ થયો હતો.

કેટલાક યુવાનો સાથે અધિકારીઓ સાવજોના વિસ્તારમાં નજરે પડી રહ્યા છે. થોડે દૂર બેઠેલા ડાલામથ્થા સાથે પોતાની તસવીરો પડાવી રહ્યા છે. અધિકારીઓ સિંહ સાથે આ રીતે તસવીરો પડાવતા હોવાનો વીડિયો વાયરલ થતાં વનતંત્રમાં પણ દોડધામ મચી હતી. એવું રાજુલા આરએફઓ રાઠોડે જણાવ્યુ હતું.

સિંહ સાથે સેલ્ફી અંગેના વિડીયો મળતા ડીએફઓ શકિરા બેગમે તાકીદે તપાસનો આદેશ આપ્યો હતો. જેને પગલે વનવિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. આ પ્રકરણમાં અટકાયતી પગલાઓ થાય તેવી શક્યતા પણ જોવાઇ રહી છે. કંપનીના અધિકારીઓ રાજકીય વગ ધરાવતા હોય પ્રકરણ દબાવી ન દેવાય તેવું સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે.
ખારા વિસ્તારોમાં છે 20 સાવજો

જાફરાબાદ પંથકના આ ખારા વિસ્તારમાં હાલ 20થી વધુ સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં સતત અવરજવર પણ કરતા રહે છે. મોટી મોટી કંપનીના અધિકારીઓ અને પરપ્રાંતિય કર્મચારીઓ ગેરકાયદે સિંહ દર્શન કરતાં રહે છે.

અમે તપાસ કરીએ છીએ

અમરેલીના ડીએફઓ શકિરા બેગમે જણાવ્યું હતું કે બનાવ અંગે અમે તપાસ શરૂ કરી છે. વિડિઓ ક્યાંનો છે ?. ક્યાં દિવસનો છે ?. તેમાં કોણ કોણ છે તેની તપાસ શરૂ કરી છે.

ઘટના વિશે કંઇ જાણતો નથી- પીઆરઓ

સીન્ટેક્ષ કંપનીના પીઆરઓ ભવદીપભાઇએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે સિંહ સાથે સેલ્ફીની ઘટના અંગે કશુ જાણતો નથી. તેમ કહી વાત પુરી કરી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-selfie-with-lion-by-private-company-security-gaurd-in-amreli-gujarati-news-5742398-NOR.html

No comments: