Wednesday, January 31, 2018

સિંહોનું ઘર સળગ્યું: રાજુલાના 22 વીઘા ડુંગરાળ વિસ્તારમાં વિકરાળ આગ

Jaydev Varu, Amreli | Last Modified - Jan 20, 2018, 12:21 AM IST
નિલગાય સહિત વન્યપ્રાણીઓ નાસી છુટયા, વનવિભાગ-મામલતદાર અને પોલીસ સહિતનો કાફલો દોડી ગયો
રાજુલા: રાજુલા તાલુકાના કાતર ગામે જંગલ અને રેવન્યુ વિસ્તારની હદમા આવતા ડુંગરાઓમા આજે બપોરના બારેક વાગ્યાના સુમારે આગ ભભુકી ઉઠી હતી. થોડીવારમા જ આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ. જેને પગલે આગની મોટી જવાળાઓ દુરદુર સુધી દેખાઇ હતી. ઘટનાને પગલે વનવિભાગ, મામલતદાર, પોલીસ, ફાયર ફાઇટર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. ચારેક કલાકની જહેમત બાદ આગ કાબુમા આવી ગઇ હોવાનુ જાણવા મળી રહ્યું છે. આગને કારણે નિલગાય સહિત વન્યપ્રાણીઓ નાસી છુટયા હતા.

જંગલ અને રેવન્યુ વિસ્તારમા આવેલા ડુંગરાઓમા આગની આ ઘટના રાજુલા તાબાના કાતર ગામે બની હતી. બપોરના બારેક વાગ્યા આસપાસ અચાનક કોઇ કારણોસર આગ ભભુકી ઉઠી હતી અને થોડીવારમા જ વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ. આગને પગલે નિલગાય સહિત પ્રાણીઓમા દોડધામ મચી ગઇ હતી. ગામના જાગૃત સરપંચ અંબરીશભાઈ વરૂ તાત્કાલિક દોડી આવ્યા હતા અને વનવિભાગને જાણ કરી હતી. અહીંના સ્થાનિક સામાજિક અગ્રણી સંજયભાઈ સાંખટ પણ દોડી આવ્યા હતા.
જો કે ઘટનાને પગલે ગામના વિવિધ જાગૃત લોકો અહીં દોડી આવ્યા હતા આ વિસ્તારમાં વન્યપ્રાણીનો વસવાટ પણ ખુબ વધુ હોવાને કારણે વનવિભાગના અધિકારીઓ રેસ્ક્યુ ટીમ સાથે અહીં દોડી આવ્યા હતા. રાજુલા ખાંભા વનવિભાગનો જંગી સ્ટાફ પણ દોડી આવ્યો હતો. અને ફાયરબ્રિગેડ દ્વારા આગને બુજાવવાનો પ્રયાસ શરૂ કરાયો હતો. પરંતુ તેમ છતાં આગ ભીષણ હોવાને કારણે ડુંગરો આગની લપેટમાં આવી ગયા હતા. અહી 22 વિઘા જેટલી જમીનમા આગ પ્રસરી ગઇ હતી અને વૃક્ષોનો સોથ વળી ગયો હતો.
જો કે અહીં ચારે તરફ આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. આસપાસના ખેડૂતો પણ આગના કારણે ચિંતિત જોવા મળ્યા હતા. અને આગને કારણે નીલગાય સહિત પ્રાણીઓ અહીથી નાસી છુટયા હતા. આગમા અનેક વૃક્ષો બળીને ખાક થઇ ગયા હતા. વનવિભાગનો સ્ટાફ સતત અહીં ખડેપગે જોવા મળી રહ્યો છે. હાલમાં મોટાભાગની આગ કાબુમાં આવી ગઇ હોવાનું મનાય રહ્યું છે. પરંતુ આગ વિકરાળ લાગી હોવાને કારણે હજુ ધુમાડાની અસર જોવા મળી રહી છે. આગના કારણે કાતર ગામમાં પણ ભારે દોડધામ મચી ગઇ હતી.
તસવીરો: જયદેવ વરુ, અમરેલી

No comments: