Wednesday, January 31, 2018

વન કર્મચારીઓ પર હુમલાનો માસ્ટર માઈન્ડ રિમાન્ડ પર

Bhaskar News, Amreli | Last Modified - Jan 16, 2018, 11:45 PM IST
આ વિસ્તારમાં ગેરકાયદે લાયન શોમાં હજુ વધુ કેટલાક શખ્સોના નામ ખૂલવાની શક્યતા જોવાઇ રહી છે
અમરેલી: ધારીના દલખાણીયા નજીક સેમરડી ચેકપોસ્ટ પર ગઈકાલે ગેરકાયદે લાયન શો અટકાવવા વનવિભાગ દ્વારા મુખ્ય સૂત્રધાર સહિતના લોકોની પૂછપરછ થતી હતી ત્યારે આર એફઓ સહિત ચાર વનકર્મી પર ખૂની હુમલો કરવાના કેસમાં ઝડપાયેલા મુખ્ય સૂત્રધારને તંત્રએ અદાલતમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર લીધો છે. તો બીજી તરફ આ કેસમાં વધુ બે શખ્સોના નામ ખુલ્યા છે.
ગેરકાયદે સિંહ દર્શનમાં હજુ વધુ આરોપીનાં નામ ખુલશે

સેમરડીમાં આરએફઓ બી.બી. વાળા તથા અન્ય ત્રણ વનકર્મીઓ પર ખૂની હુમલો કરનાર અને આ વિસ્તારમાં લાયન શો યોજનાર સેમરડીના અશરફ ફતુ બ્લોચની વનતંત્રએ ગઈકાલે જ ધરપકડ કરી લીધી હતી. આ શખ્સને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેને બે દિવસના રિમાન્ડ પર લેવા હુકમ કર્યો છે. વન તંત્રએ તેની સામે અલગથી ગુનો નોંધ્યો હતો. જોકે હજુ પોલીસે પણ તેની સામે એક ગુનો નોંધ્યો છે, જેમાં તેની ધરપકડ કરાશે.
વનવિભાગની ટીમ સેમરડી પહોંચી ત્યારે અહીં નાસભાગ મચી ગઇ હતી
બીજી તરફ આ વિસ્તારમાં ગેરકાયદે લાયન શો કરાવવાના ગુનામા વનતંત્રની તપાસમાં સેમરડીના જ વધુ બે શખ્સોના નામ ખુલ્યા છે તેમાં જાવેદ અને શાહિદ નામના શખ્સો પણ તેમાં સંડોવાયેલા હોય ગઈકાલે વનવિભાગની ટીમ સેમરડી પહોંચી ત્યારે અહીં નાસભાગ મચી ગઇ હતી. જોકે બાકીના બંને આરોપી હજુ તંત્રના હાથમાં આવ્યા નથી. આ વિસ્તારમાં ગેરકાયદે લાયન શોમાં હજુ વધુ કેટલાક શખ્સોના નામ ખૂલવાની શક્યતા જોવાઇ રહી છે.
કેટલાક શખ્સો 5 ગાડીઓમાં અહી સિંહ દર્શન માટે આવ્યા હતા
ગીરનું નાકુ ગણાતા સેમરડી પંથકમાં સાવજોની મોટી વસ્તી છે. અહીં રેવન્યુ વિસ્તારના સાવજો ઉપરાંત જંગલમાંથી પણ સાવજોની અવરજવર થતી રહે છે, અને માથાભારે તત્વો ગેરકાયદે લાયન શો કરાવતા રહે છે. ગઈકાલે રાજકોટના કેટલાક શખ્સો 5 ગાડીઓમાં અહી સિંહ દર્શન માટે આવ્યા હતા અને આ લાયન્સ શો અશરફે કરાવ્યો હતો.

No comments: