Wednesday, January 31, 2018

સિંહ સાથે સેલ્ફી ભારે પડી, વનકર્મી પર યુવકે હુમલો કરતા RFOએ કર્યુ ફાયરીંગ


Bhaskar News, Amreli | Last Modified - Jan 16, 2018, 10:48 AM IST
ધારી તાલુકાનાં દલખાણીયા નજીક ગીરનું નાકું ગણાતા સેમરડી ચેકપોસ્ટની ઘટના, મંજુરી વગર ધમધમતો લાયન શો
+2બીજી સ્લાઈડ્સ જુઓ
અમરેલી: ધારી તાલુકાના દલખાણીયા નજીક ગીરનું નાકુ ગણાતા સેમરડી ચેકપોસ્ટ પર ગત બપોરે વનકર્મીઓએ લાયન શો માટે આવેલી ગાડીઓ અટકાવતા સેમરડીમાંથી ધસી આવેલા ટોળાએ વનકર્મીઓ પર છુટ્ટા પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો. જેમાં આરએફઓ સહિત ચાર વનકર્મી ઘાયલ થઈ ગયા હતા. સેલ્ફી લેવા મામલે યુવકે હુમલો કરતાં વનકર્મીઓએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, અને એક શખ્સને ઝડપી લીધો હતો ઘાયલ આરએફઓ સહિત ચારેયને સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડાયા છે. આ અંગે જુદાજુદા ત્રણ ગુના નોંધાયા છે.
મંજુરી વગર ધમધમતો લાયન શો

ગેરકાયદે લાયન શો કરાવતા માથાભારે તત્વો દ્વારા વનવિભાગના કર્મચારીઓ પર ખૂની હુમલાની આ ઘટના ગઇકાલે બપોરે સેમરડી ચેકપોસ્ટ પર બની હતી. દલખાણીયા નજીક આવેલ ચેકપોસ્ટ પર ગઈ કાલે રાજકોટની 5 ગાડીઓમાં કેટલાક લોકો જંગલમાં જવા માટે આવતા પૂછપરછ દરમિયાન વિગત ખુલી હતી કે સેમરડીમાં લાયન શોનું આયોજન થયું છે. જેથી વનવિભાગે અશરફ નામના શખ્સને ઉપાડી લઇ પૂછપરછ શરૂ કરી હતી. સેમરડીના આ શખ્સને વન વિભાગ પાસેથી છોડાવવા માટે ૧૫ જેટલા શખ્સોનું ટોળુ ચેકપોસ્ટ પર ધસી આવ્યું હતું.
વનકર્મીઓ પર ટોળાનો હુમલો:

ટોળાએ વનકર્મી મહેન્દ્રસિંહ રાઇજાદાની રાઇફલ ઝુંટવવા પ્રયાસ કર્યો હતો. અને પથ્થરમારો કરી તથા લાકડીઓના ઘા મારી મહેન્દ્રસિંહ ઉપરાંત આર.એફ.ઓ.બી. બી. વાળા, અન્ય વનકર્મી નરેશભાઇ વાળા અને જયરાજભાઇ વાળા પર હુમલો કરી દીધો હતો. ટોળાના હુમલામાં ચારેને ઇજા પહોંચી હતી. જેને પગલે આરએફઓ વાળા તથા જયરાજભાઇ વાળાએ પોતાના હથિયારમાંથી એક એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. ઝપાઝપી અને મારામારીની આ ઘટના સેમરડી ચેકપોસ્ટ અને ગામ નજીક બે તબક્કે બની હતી.
RFOનું ફાયરીંગ

ફાયરિંગને પગલે ટોળું અહીંથી નાસી ગયું હતું તો બીજી તરફ ઘાયલ આરોપો સહિત ચારને સારવાર માટે પ્રથમ ચલાલા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી સિવીલમાં રિફર કરાયા હતા. ઘટનાને પગલે ડીએફઓ અને એસીએફ સહિતના અધિકારીઓ દોડયા હતા. સેમરડી પંથકમાં ગેરકાયદે લાયન શો કાયમ યોજાતા હોવાનું કહેવાય છે. અહીંના માથાભારે તત્વો વન કર્મચારીઓ પર પણ હુમલો કરી દે છે. લુખ્ખાગીરી કરતા આ તત્વોને કાયદાનું ભાન કરાવવાની જરૂરિયાત છે.
એક આરોપીની ધરપકડ

વનકર્મચારીઓ પર હુમલા અંગે વનવિભાગ દ્વારા સેમરડીના અશરફ ફતુ બ્લોચ નામના મકરાણી શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ સામે વનતંત્રે ગુનો નોંધ્યો છે.
ટોળા સામે ગુનો નોંધ્યો છે- PSI

ધારીના પીએસઆઇ સેન્જલિયાએ જણાવ્યું હતું કે બનાવ અંગે વનકર્મીઓ પર હુમલો કરવા સબબ હતું. અશરફ અને ૧૫ જેટલાં શખ્સોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સામાપક્ષે માર મારવા સબબ સેમરડીના શક્ષે બે વનકર્મી સામે પણ ફરિયાદ લખાવી છે.
ગેરકાયદેસર સિંહ દર્શન સાથે સેલ્ફી લેતા યુવાનોનો વીડીયો વાઇરલ

ગીર કાંઠાના સેમરડી તથા આસપાસના વિસ્તારમાં ગેરકાયદે લાયનશો યોજાતા જ રહે છે. અહીં રેવન્યુ વિસ્તારમાં પણ સાવજો હોય વાડી ખેતરો કે રસ્તા પર પણ તે નજરે પડી જાય છે. વન વિભાગ લોકોની અવરજવર પર રેવન્યુ વિસ્તાર હોવાના કારણે નિયંત્રણ રાખી શકતુ નથી જેના કારણે આ પ્રકારે સિંહ દર્શન માટે ટોળા એકઠા થઇ જાય છે. સિંહોની ગેરકાયદે તસવીરો પણ ખેંચે છે. અહીં સિંહ દર્શન કરાવનાર શખ્સના હાથમાં કુહાડી જેવુ ઘાતક હથિયાર પણ છે તેવો વીડીયો છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડીયામાં ફરી રહ્યો છે.
ટોળાએ ધસી આવી હુમલો કર્યો -RFO

હુમલામાં ઘાયલ થયેલા સ્થાનિક આરએફઓ બી.બી. વાળાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે લાયન શો અંગે અશરફની પૂછપરછ ચાલતી હતી ત્યારે ટોળાએ ધસી આવી રાઇફલ ઝુંટવવા પ્રયાસ કરી પથ્થર અને લાકડી વડે હુમલો કર્યો હતો. જેના કારણે સ્વબચાવમાં હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરવાની ફરજ પડી હતી.

No comments: