Tuesday, May 3, 2011

ગીરમાં વસતા ૪૧૧ સાવજો માટે નાણાંકીય ફાળવણી નહીં.

સાવરકુંડલા, તા.૨૬ :
કેન્દ્ર સરકાર વાઘ માટે ૨૦૦ કરોડ ફાળવતી હોય તો ૪૧૧ એશિયાના સિંહો માટે કેમ કંઈ ફાળવતા નથી ? તેવો વેધક સવાલ કેન્દ્ર પર્યાવરણમંત્રી શ્રી રમેશને સાવરકુંડલા વિસ્તારના સિંહ પ્રેમીઓએ કર્યા છે. ગુજરાત રાજયની આન, બાન અને શાન સમા એશિયાટીક સાવજો સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગીરનાં ગાઢ જંગલોમાં વસવાટ કરે છે. જયારે ગુજરાત સાથે ભારતદેશની શાન સમા સાવજો માટે કેન્દ્ર સરકારની ગુજરાત પ્રત્યેની કૂટનીતિભર્યા રાજકારણથી સાવજોનાં અસ્તિત્વ સામે ગંભીર ખતરા અંગે કેન્દ્રીય વનમંત્રી જયરામ રમેશને સાવરકુંડલાના સિંહ પ્રેમીઓએ પત્ર લખી વેદના વ્યકત કરી છે. ૧૫૧૪ ચોરસ કિ.મી.માં ફલાયેલા સોરઠના સાવજો રાજય સરકારના સુંદર અભિગમથી વિકસીત થઈ રહ્યા છે. અને પોરબંદરથી લઈને ભાવનગર સુધી સાવજોએ પરિવારનો વિકાસ અને વિસ્તાર સ્થાપિત કરી દીધો છે.
અમરેલી જિલ્લાના ૧૧ તાલુકામાંથી ૯ તાલુકામાં પગદંડો જમાવી દીધો છે. જયારે ૩૫૯ સિંહોના યોગ્ય જતનને કારણે ૨૦૧૦ની સિંહ ગણતરીમાં ૪૧૧ સિંહો નોંધાયેલા હતા. જયારે તે વખતે ૩૦ ટકા સિંહણો ગર્ભવતી હોવાનું જાણકારોનું કહેવું હતુ. પરંતુ કઠણાઈ ગણો કે એક માત્ર ગુજરાતમાં એશીયાટીક સાવજોનું અસ્તિત્વ હોવા છતાં કેન્દ્ર સરકાર ગુજરાતના સાવજો માટે ગંભીરપણે વિચારતી જ નથી!
૨૦૦૯/૧૦માં કેન્દ્ર સરકારે વાઘ માટે ૨૦૦ કરોડ રૃપિયા ફાળવી દરેક વાઘને કોલર આઈ.ડી.પહેરાવી તેનો સંપૂર્ણ કાળજી અને જાળવણી માટે ફાળવેલા હતાં. જયારે વાઘની વસતિ તે સમયે ૧૪૦૦ હતી. જયારે ૨૦૧૧માં વાઘની વસતિ ૧૭૦૦ થઈ હતી. વાઘ તો અન્ય રાજયો અને વિશ્વમાં બીજે પણ જોવા મળે છે. ત્યારે સોરઠી સાવજો ફકતને ફકત ગુજરાતનાં જંગલો અને રેવન્યુ વિસ્તારમાં પગદંડો જમાવી દીધો છે. તો ગુજરાત સાથે સમગ્ર વિશ્વમાં ભારત દેશની ઓળખ સમાં એશિયાટીક સાવજો માટે કેન્દ્ર સરકાર કેમ ગંભીરપણે નથી વિચારતી ?
વાઘ માટે ૨૦૦ કરોડ ફાળવી કોલર આઈ.ડી.અને સેટેલાઈટ સિસ્ટમથી વાઘની સુરક્ષા અને જાળવણી રાખી તેનો વિસ્તાર અને વિકાસ કરતી કેન્દ્ર સરકાર સોરઠના સાવજો અંગેનું ઢીલુ વલણ કેમ છે ? જો ૧૩૦૦ વાઘને કોલર આઈ.ડી.પહેરાવી શકતી કેન્દ્ર સરકાર ગુજરાતના ૪૧૧ સાવજોને કોલર આઈ.ડી. સિસ્ટમથી વંચિત રાખવાનું કારણ શું ?
સોરઠના સાવજો પ્રત્યે કેન્દ્ર સરકારની કૂટનીતિ અંગે પ્રખર પ્રકૃતિ પ્રેમી ચિરાગભાઈ આચાર્ય અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર દિલીપ જીરૃકા એ કેન્દ્રીય વનમંત્રી જયરામ રમેશને ગુજરાતની આન, બાન અને શાન માટે કોલર આઈ.ડી. સિસ્ટમ અને સેટેલાઈટ જેવી અદ્યતન સિસ્ટમ અંગે ગ્રાન્ટ ફાળવી સિંહપ્રેમીઓની લાગણી અને માંગણી અંગે પત્ર પાઠવ્યો છે. સાંસદ નારણભાઈ કાછડીયાને પણ સિંહ માટે કેન્દ્રમાંથી ગ્રાન્ટ લાવવાની રજૂઆત કરાઈ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=284528

No comments: