Saturday, May 21, 2011

ખાંભાની સીમમાં ગેરકાયદે યોજાતા લાયન શો.


Source: Bhaskar News, Khambha   |   Last Updated 12:31 AM [IST](21/05/2011)

- લોકો દ્વારા કરાતી હેરાનગતિથી સાવજો ચીડીયા બની ગયા
- જંગલખાતાની ઘોર બેદરકારી
ખાંભા તાલુકાનાં રાણીંગપરાની સીમમાં વસતો સાવજ પરિવાર ભગવાન ભરોસે છે. અહિં જ્યારે જ્યારે સાવજ પરિવાર મારણ કરે, ત્યારે ત્યારે સિંહ દર્શન માટે અચૂક લોકોની ભીડ જામે છે. ગેરકાયદે યોજાતા લાયન શોમાં લોકો દ્વારા તેમને કનડગત કરાતી હોય સાવજો ચીડીયા સ્વભાવના બની ગયા છે.
જેને પગલે લોકો પર જ જોખમ વધ્યુ છે. ખાંભા નાગેશ્રી હાઇ-વે પર આવેલા રાણીંગપરા ગામની સીમમાં એક સાવજ પરિવારનો વસવાટ છે. અહીં ડુંગરા-ઘાસની વાડીઓ વચ્ચે દામાના તળાવ વિસ્તારમાં સિંહ-સિંહણ અને તેના બે બચ્ચા કાયમી ધામા નાખીને પડ્યા છે. આ ઘેઘુર વિસ્તારમાં તળાવનાં કારણે સાવજોની પાણી અને શિકાર એમ બંન્ને જરૂરિયાત પુરી થાય છે. તળાવનાં કાંઠે પાણી પીવા આવતા સુવર, નિલગાય, હરણ જેવા પ્રાણીઓનો શિકાર આ સાવજ પરિવાર કરે છે.
અહીં, જ્યારે સાવજ પરિવાર દ્વારા શિકાર કરાય છે ત્યારે સિંહ દર્શન માટે લોકોની મોટી ભીડ ઉમટે છે. ખાંભા ડેડાણ ઉના અને સાવરકુંડલા પંથકમાંથી લોકો સિંહને નિહાળવા દોડી આવે છે. બાઇક, જીપ, રિક્ષા જેવા વાહનોનો ખડકલો થાય છે. લોકોનાં દેકારાના કારણે સાવજો છંછેડાય પણ છે. ઘણાં લોકો કાંકરીયાઓ પણ કરી લે છે. જેને પગલે હવે લોકોને જોઇ સાવજો ભુરાયા થાય છે, ઘણા કિસ્સામાં તેમણે મારણ છોડી પણ દેવુ પડે છે.
જેની માથે સાવજોની રક્ષાની જવાબદારી છે, તે જંગલખાતાનો સ્ટાફ અહીં ડોકાતો પણ નથી. સિંહના રક્ષણ માટે વનખાતાના કર્મચારીઓ જો આવી જ બેદરકારી દાખવશે તો ક્યારેક સાવજો પર જ ખતરો આવી પડશે.
સ્થિતિ નિવારવા પગલા લેવા જરૂરી છે -
ભૂખ્યા સાવજો મારણ પર હોય ત્યારે થતી હેરાનગતિથી સાવજો છંછેડાય છે, જો આ સિલસિલો લાંબો સમય ચાલશે તો સાવજો ગમે ત્યારે માણસ પર હુમલો કરી બેસશે. આ સ્થિતિ નિવારવા તાકીદે પગલા લેવાની જરૂર છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-illigal-lion-show-plan-in-khambhas-farm-2120696.html

No comments: