Saturday, May 7, 2011

દિપડો જોવા ઝાડ પર ચઢેલા યુવાન વીજઆંચકાથી મોત.

Source: Bhaskar News, Babara   |   Last Updated 12:57 AM [IST](07/05/2011)
બાબરા તાલુકાના લાલકા ગામે વાડીમાં દિપડો દેખાતા ગ્રામજનો ભયભીત થઇ ઉઠયા હતા. વાડીમાં દિપડાને જોવા માટે ગ્રામજનો એકત્રિત થયા હતા, ત્યારે એક યુવક ઝાડ પર ચડીને દિપડાને જોવા ગયો હતો. દરમ્યાન અકસ્માતે વિજતારને અડી જતા કરંટ લાગતા યુવકનું મોત નપિજતા ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, બાબરા તાલુકાના લાલકા ગામે ગત સવારના ૯ થી ૧૦ દરમિયાન કુરજીભાઇ લક્ષ્મણભાઇ રાઠોડની વાડીએ અચાનક દિપડો આવી જતા ગ્રામજનોને આ વાતની જાણ થતા દિપડાને જોવા માટે વાડીએ પહોંચી ગયા હતા. કુરજીભાઇએ તુરંત બાબરા વનવિભાગના કર્મચારીઓને જાણ કરી હતી. ગ્રામજનો વાડીમાં દિપડાને શોધી રહ્યા હતા, ત્યારે જયતા લીલા જાદવ ઉ.વ.રપ નામનો કોળી યુવક દિપડાને જોવા માટે આવ્યો હતો.
આ યુવક વાડીમાં આવેલ કુવા પાસેના ઝાડ પર ચડીને દિપડો જોવા ચડયો હતો, ત્યારે અચાનક તેનો હાથ વિજતારને અડી જતા આ યુવક ફંગોળાઇને કુવામાં પડી ગયો હતો. કુવામાં અવાજ આવતા ત્યાં ઉભેલા ગ્રામજનો આ યુવકને કુવામાંથી બહાર કાઢવા પ્રયત્નો કર્યા હતા અને મહામહેનતે બહાર કાઢયો હતો. પરંતુ તેનુ મોત નિપજ્યું હતું. મોતના સામાચાર ગામમાં ફેલાતા શોકનું મોજુ ફરી વળ્યું હતું.
તો બીજી તરફ દિપડો વાડીમાં આવી ચડતા હોવાની જાણ વનવિભાગને કરવામાં આવતા બાબરાથી વન વિભાગના કર્મચારીનો દાફડાભાઇ, જે.અને.મહેતા, દાવડાભાઇ ગોહિલ, ક્રિપાલસિંહ, રાજુભાઇ ચાવડા સહિત ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. દિપડો બહાર ન આવતા ગ્રામજનોમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ દિપડો દેખાયો હતો અને ત્યાંથી નિકળી વાવડ, કલોરાણા તરફ ચાલ્યો ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષ પહેલા ઇશાપર ગામેથી દિપડો ઝડપાયો હતો અને બે વર્ષ પહેલા કોટડાપીઠાની સીમમાં પણ દિપડાએ દેખા દીધી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-young-man-dies-for-elec-2082269.html

No comments: