Tuesday, May 24, 2011

હાલારમાં પાંચ વર્ષમાં પાંચ દીપડા વધ્યા.


Source: Bhaskar News, Jamnagar   |   Last Updated 12:07 AM [IST](24/05/2011)

- વર્ષ-૨૦૦૬માં દીપડાની ૧૫ની સંખ્યામાં નોંધપાત્ર વૃધ્ધિ સાથે ૨૦-૨૨ જેટલી સંખ્યા થવાનો અંદાજ
હાલાર સહિત રાજ્યભરમાં દિપડાની હાથ ધરાયેલી ત્રિ દિવસીય વસ્તી ગણતરી ગત બુધવારે સંપન્ન થઇ છે. જિલ્લાના ભાણવડ તાલુકાન બરડા પંથકમાં વર્ષ-૨૦૦૬માં ૧૫ દિપડાઓ નોંધાયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં દિપડાની સંખ્યામાં અંદાજે ૨૫ થી ૨૭ ટકા જેટલી વૃિધ્ધ સાથે લગભગ ૨૦-૨૨ જેટલી અંદાજીત સંખ્યાની સંભાવના સુત્રોએ દર્શાવી છે.
સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં પણ દિપડાની ત્રિ-દિવસીય વસતી ગણતરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન તંત્ર દ્વારા દિપડા-રિછ ગણતરી વસ્તી અંદાજ ૨૦૧૧-૧૨ના ભાગ રૂપે ગત તા. ૧૬ના સાંજે પાંચ વાગ્યાથી તા.૧૭ના સવારે નવ વાગ્યા સુધી પ્રાથમિક ગણતરી અને ત્યારબાદ તા.૧૭ના સાંજે પ થી તા.૧૮ના સાંજે પાંચ વાગ્યા સુધી આખરી તબકકાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ગણતરી કામગીરી પૂર્વે સ્થાનિક સ્ટાફ દ્વારા ગત તા.૭ થી ૧૧ મે દરમિયાન અવલોકન કરી પ્રાથમિક સર્વેક્ષણ પણ કરવામાં આવ્યુ હતું.
જિલ્લાના ભાણવડ તાલુકાના જામબરડા સેન્ચુરી અને આસપાસના વિસ્તારોમાં દિપડાની વસ્તી હોવાથી વન તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારમાં વધુ ધ્યાન કેન્દ્રીત કરી ભાણવડ સેન્ચુરી અને રેવન્યુ વિસ્તારમાં ૨૯ અને જામજોધપુર વિસ્તારમાં ૨૩ પોઇન્ટ ગોઠવવામાં આવ્યા હતાં.
વન વિભાગના સ્થાનિક અધિકારી-કર્મચારીઓ તેમજ એનજીઓના મેમ્બર દ્વારા નજરે જોયેલા દિપડા તેમજ તે સિવાય દિપડાની અવર-જવરના પગલાં, મારણ, અવાજ તથા સ્થાનિક જોયેલા વર્ણનના આધારે ચકાસણી કરીને અવલોકન નોંધવામાં આવ્યા હતાં. દિપડાની સાથોસાથ અન્ય પ્રાણી ઝરખ, લોકડી, ચોશીંગા, જંગલી બિલાડી અને ભૂંડની પણ જાણકારી મેળવી અવલોકન નોંધવામાં આવ્યા હતાં. દિપડા-રિછની ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે.
વર્ષ-૨૦૦૬ની ગણતરીમાં જિલ્લાના ભાણવડ બરડા (જામ) વિસ્તારમાં દિપડાની સંખ્યા ૧૫ નોંધવામાં આવી હતી. ચાલુ વર્ષના સેન્સસની વિગતો હજુ સુધી સતાવાર રીતે જાહેર કરાઇ નથી. જો કે, ગણતરીની કામગીરી સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યાનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દિપડાની સંખ્યામાં સરેરાશ વધારો જોવા મળ્યો છે. હાલારમાં પણ લગભગ ૨૫ થી ૨૭ ટકાના વૃધ્ધિ દર સાથે દિપડાની સંખ્યા અંદાજે ૨૦ થી ૨૨ સુધી પહોંચવાની સંભાવના સુત્રો દર્શાવી રહયા છે.
અધિકારી-કર્મચારીઓ સહિત ૮૨ લોકોનો કાફલો જોડાયો -
જિલ્લાના વિસ્તારમાં દિપડા-રિછ ગણતરી વસ્તી અંદાજ ૨૦૧૧-૧૨ના ભાગરૂપે વનતંત્ર દ્વારા કામગીરીનું આયોજન થયું હતું. આ ગણતરી માટે વન વિભાગના અધિકારી-કર્મચારીઓ અને સ્થાનિક પર્યાવરણ-વન્ય પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે રસ ધરાવતા આઠ મેમ્બર પણ સક્રિય રીતે સામેલ થયા હતાં.
માસાંતે આંકડા જાહેર થશે -
રાજ્યભરમાં દિપડા-રિછની ગણતરીની કામગીરી પરીપૂર્ણ થયા બાદ સંબંધિત વિસ્તારોમાં આંકડા એકત્રીકરણ બાદ વન વિભાગ-ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓને સુપ્રત કરાશે અને ચાલુ માસના અંતે દિપડા-રિછની સંખ્યાની અધિકૃત જાહેરાત થશે એમ જાણકાર સુત્રોએ જણાવ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-five-leopard-born-in-fave-years-in-halar-2128070.html

No comments: